આ જગતની સહુથી નિશ્ચિત બાબત છે મૃત્યુ... અને સહુથી અનિશ્ચિત બાબત પણ મૃત્યુ જ છે
- અમૃતની અંજલિ : આચાર્ય વિજયરાજરત્નસૂરિ
કોઈ આપણને એમ પૂછે કે, આ જગતની સૌથી નિશ્ચિત છતાં સૌથી અનિશ્ચિત બાબત કઈ ? તો એનો સત્ય ઉત્તર એક જ હોઈ શકે કે મૃત્યુ. કારણ કે મૃત્યુ હરકોઈ વ્યક્તિ માટે અવશ્યંભાવી- અત્યંત નિશ્ચિત બાબત છે.સાવ દરિદ્ર વ્યક્તિ હો કે દોલતમંદ વ્યક્તિ હો, ચાકર હો કે ચક્રવર્તી હો, અજ્ઞા હો કે સર્વજ્ઞા હો ઃસહુના જીવનનો અંતિમ અંજામ મૃત્યુરૂપે જ આવતો હોય છે. માટે એ જગતની સૌથી નિશ્ચિત બાબત છે. ચિંતકો 'જન્મ' શબ્દની એક નિરુક્ત વ્યાખ્યા મજાની કરે છે. નિરુક્ત વ્યાખ્યાનો અર્થ છે - શબ્દનો એકેક અક્ષર અલગ કરી એ અક્ષરથી આરંભાતા શબ્દોદ્વારા કલ્પનાશીલ અર્થઘટન કરવું. 'જન્મ' શબ્દમાં ત્રણ અક્ષર છે ઃ જ, ન, મ. ચિંતકો એનો અર્થ કરે છે જ- જરૂર, ન- નક્કી, મ- મરણ છે જેના પછી તેનું નામ જન્મ ! મતલબ કે જેનો જન્મ થયો તેનું મૃત્યુ નક્કી જ છે.
ઘટનાની દ્રષ્ટિએ મૃત્યુ જેમ નિશ્ચિત બાબત છે તેમ સમયની દૃષ્ટિએ પણ મૃત્યુ અત્યંત નિશ્ચિત બાબત છે. જે વ્યક્તિનું આયુષ્ય જે ક્ષણે પૂર્ણ થવાનું હોય એ જ સમયે એનું મૃત્યુ ગમે તે રીતે ગમે તે કારણે થાય જ. વ્યક્તિ ભરયુવાન વયની હોય કે નખમાં ય રોગ ન ધરાવતી હોય ઃ છતાં આંખના પલકારામાં એ મરણને શરણ થઈ જતી નિહાળાય છે એ મૃત્યુ સમયની દૃષ્ટિએ અત્યંત નિશ્ચિત હોવાની સચ્ચાઈનું દ્યોતક છે. અરે ? સ્વયં તીર્થંકર ભગવંતો જેવી અનંત શક્તિમાન વિભૂતિઓ પણ એમના આયુષ્યમાં ક્ષણની ફેરબદલ કરી શકતી નથી. એથી જ પ્રભુ મહાવીરદેવને દેવરાજ ઇન્દ્રે એક ક્ષણનું આયુષ્ય વધારવાની વિનંતી કરી ત્યારે પ્રભુએ એનો ઇન્કાર કર્યો હતો.
હવે નિહાળીએ સિક્કાની બીજી બાજુ. હમણાં જણાવ્યું તે રીતે મૃત્યુ સૌથી વધુ નિશ્ચિત બાબત છે તો મૃત્યુ સૌથી વધુ અનિશ્ચિત બાબત એ રીતે છે કે તે ક્યારે ક્યાં કઈ ક્ષણે આવી મળશે એની સચોટ જાણકારી કોઈને નથી હોતી. ક્યાંક એવું બને છે કે હોસ્પિટલના પલંગ પર ભયાનક રોગથી કણસતી જે વ્યક્તિ બે- ત્રણ કલાકની મહેમાન લાગતી હોય એ વ્યક્તિ દિવસો જ નહિ, મહિનાઓ પણ પસાર કરી દે. તો ક્યાંક એવું ય બને કે જેને મૃત્યુની કોઈ કલ્પના સુદ્ધાં ન હોય એવી વીશ- બાવીશ વર્ષની જુવાનજોધ વ્યક્તિ 'સિવિયર હાર્ટએટેક'ના કારણે કાચી ક્ષણમાં ઢળી જાય. આપણી દૃષ્ટિએ મૃત્યુનું આગમન આટલું બધું અનિશ્ચિત હોવાથી જ એના માટે એક હૃદયસ્પર્શી વિધાન કરાયું છે કે, 'જન્મની આગાહી નવ માસ પહેલા થઈ શકે છે, જ્યારે મૃત્યુની આગાહી નવ ક્ષણ પહેલાં ય થઈ શકતી નથી.
'મૃત્યુ સૌથી વધુ નિશ્ચિત છતાં સૌથી વધુ અનિશ્ચિત છે.' એ પૂર્વોક્ત સત્યને જરા અલગ રીતે રજૂ કરતા તેઓ જણાવે છે કે ઃ-
વધ્યસ્ય ચૌરસ્ય યથા પશોર્વા, સંપ્રાપ્યમાણસ્ય પદં વધસ્ય,
શનૈઃશનૈરેતિ મૃતિઃ સમીપં, તથાખિલસ્યેતિ કથં પ્રમાદ ?
ગ્રન્થકાર કહે છે કે ફાંસીની શિક્ષા પામેલ ચોર અથવા કતલખાને કતલ કરવા લઈ જવાતું પશુઃ આ બન્ને જેમ જેમ એકેક ડગલું ફાંસી કે કતલસ્થાન તરફ ભરતા જાય તેમ તેમ દરેક પગલે મૃત્યુ તેમની નિકટ ને નિકટ આવતું હોય છે. બસ, લગભગ આવી જ પરિસ્થિતિ હરેક વ્યક્તિની છે કે દરેક નવા દિવસે, નવા માસે એ મૃત્યુની નિકટ જતી હોય છે. ફર્ક એટલો જ છે કે ચોરને અને પશુને ખબર હોય છે કે એના મૃત્યુનું સ્થાન ક્યાં છે ? જ્યારે માનવીને એની ખબર નથી હોતી. ગ્રન્થકાર આ સરસ કલ્પના પ્રસ્તુત કરીને પૂછે છે કે, 'જો પ્રતિદિન તું મૃત્યુની નિકટ સરે જ છે, તો ઇન્દ્રિય વિષયોથી વિમુખતા માટે ધર્મસાધના માટે પ્રમાદ કેમ કરે છે ?' વ્યક્તિ જ્યારે હાર્દિક સચ્ચાઈથી પોતાના મૃત્યુ અંગે આવી સતર્કતા કેળવે ત્યારે ધર્મસાધના માટે સજ્જતા કેવી આવે એ જાણવું છે ? તો વાંચો આ હૃદયસ્પર્શી સત્ય ઘટના :
કલકત્તા હાઇકોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ રાજાબાબુ. ધાર્મિક પ્રકૃતિના એ ન્યાયાધીશે નિવૃત્તિ બાદ નિત્ય 'ઇવિનીંગ વોક'નો કાર્યક્રમ બનાવ્યો હતો. નિયત માર્ગ ઉપર એ સાંજે લટાર મારવા નીકળે અને આછું અંધારૂ થાય ત્યારે ઘર તરફ પરત આવે. આ નિત્ય ક્રમાનુસાર એકવાર ઢળતી સંધ્યાએ એ ઘર તરફ પરત આવી રહ્યા હતા. અંધકારના ઓળાં ચોતરફ છવાઈ રહ્યા હતા. ત્યાં એકાએક એમને એક અવાજ સંભળાયો ઃ ''રાજાબાબુ, રાજાબાબુ? શામ ઢલને આઇ. અભી તક તૂને દીયા નહિ જલાયા ?'' ન્યાયાધીશ ચમકી ગયા કે મને સંબોધીને આ વાત કોણ કરી રહ્યું છે ? એમણે આસપાસ નજર કરી. પણ ત્યાં કોઈ વ્યક્તિ હતી જ નહિ ભ્રમ થયાનું જાણી એ ડગલું માંડતા હતા ત્યાં ફરી વાર એ જ વાક્ય તેમના કર્ણપટલ પર અથડાયું. રાજાબાબુને ખ્યાલ આવી ગયો કે, ફૂટપાથની બાજુની ખોલીમાં કોઈ દરિદ્ર મા એના દીકરા રાજાબાબુને આ શબ્દો કહી રહી હતી. રાજાબાબુ ન્યાયાધીશે આ શબ્દો પોતાની જાત પર લઈ લીધા અને ગહન મંથન કર્યું કે, ''જીવનની સંધ્યા ઢળવા આવી છે. છતાં મેં ધર્મસાધનાનો- આત્મકલ્યાણનો દીવો તો પ્રગટાવ્યો જ નથી.' આ મંથનના અંતે તેઓ ત્યાંથી જ હિમાલય તરફ જવા નીકળી ગયા અને શેષ જીવનમાં સંન્યાસ સ્વીકારી લીધો.
છેલ્લે એક સરસ વાત : મૃત્યુનો ભય કેળવવાનો નથી, ભાન કેળવવાનું છે. ભય વ્યક્તિને વિહ્વળ બનાવે છે, ભાન વ્યક્તિને વિવેકી બનાવે છે.