Magazines

મનને જેની ના કહો તે જ તે કરશે

By GS TEAM
19 Nov 20253 mins read
મનને જેની ના કહો તે જ તે કરશે

એક સંત. ઉંમર તેમની સવાસો વર્ષ. આ ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ હતા. વિહાર કરતા તેઓ એક ગામમાં પહોંચ્યા. ગામમાં એક ભગત થોડો દોઢડાહ્યો હતો. તેની ઉંમર ઘણી ન હતી પણ તેને ઘણું જીવવાની ઇચ્છા હતી. સંતની સવાસો વર્ષની ઉંમરના સમાચાર મળતા તે સીધો સંત પાસે આવ્યો. તેણે સંત પાસે સો વર્ષ જીવવાનો મંત્ર માગ્યો. સંતે ના કહી કે મારી પાસે એવો કોઈ મંત્ર નથી. આ તો પ્રભુની કૃપા છે, પણ તે સંતની વાત માનવા તૈયાર નથી.

ભગત તો લપ હતો. તે સંતને છોડવા તૈયાર ન હતો. તેણે ખૂબ દબાણ કર્યું. સંત હવે જવાબ આપીને થાક્યા. તેમણે મનોમન વિચાર્યું કે આનો પીછો છોડાવવા કોઈક મંત્ર તો આપવો જ પડશે. નહીંતર આ નહીં છોડે. આખરે તેમણે એક કાગળમાં સંસ્કૃતમાં 'અગડં બગડં' કંઈક લખીને ભગતને આપ્યું. ભગતનાં મુખ ઉપર વિજયી સ્મિત ફરક્યું કે મેં ગમે તે રીતે મહાત્મા પાસેથી મંત્ર કઢાવ્યો તો ખરો !

તે ચાલવા જતો હતો ત્યાં સંતે તેને રોક્યો : 'ઉભો રહે. આ મંત્રનો જાપ કરવાની વિધિ તો જાણીને જા.' અને ક્ષણાર્ધ વિરામ લઈ કહ્યું, 'સ્નાન કરીને ધૂપ-દીપ પ્રગટાવીને આ મંત્રનો એકસો આઠ વાર જાપ રોજ કરીશ તો તું સો વર્ષ સુધી જીવીશ. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખજે કે જાપ કરતી વખતે વાંદરાનું સ્મરણ ના થવું જોઈએ.' 'જિંદગીમાં આજ સુધી ક્યારેય વાંદરાને યાદ નથી કર્યો તો હવે શા માટે હું યાદ કરું ?' કહી ભગત નીકળી ગયો.

ઘરે જઈ સર્વપ્રથમ સ્નાન કર્યું. ધૂપ-દીપ પ્રગટાવતા હતા ત્યાં વાંદરો યાદ આવ્યો. મનોમન તરત ટકોર કરી કે મારે વાંદરો યાદ કરવાનો નથી. જાપની ચબરખી ખોલી ત્યાં ફરી વાંદરો... 'ના પાડીને, વાંદરો યાદ નથી કરવાનો !' પણ આ તો મન હતું. જેમ ના પાડો તેમ વધુને વધુ વારંવાર યાદ આવવા લાગ્યા. હવે એક ના બદલે બે વાંદરા થઈ ગયા... વધવા લાગ્યા. મનમાં તો વાંદરા તોફાન કરવા લાગ્યા. ભગતે વાંદરાનો પીછો છોડાવવા જગ્યા બદલી. ટેરેસ ઉપર ગયા. ધૂપ-દીપ સાથે લીધા. ટેરેસ પર જાપ કરવા બેઠો. ત્યાં પવનનાં કારણે ટેરેસનું બારણું જોરથી પછડાયું. ભગતને થયું કે ત્યાંય વાંદરો આવ્યો. ત્યાંથી ધૂપ-દીપ લઈ નીચે ઘરનાં આંગણામા લીમડાના ઝાડ નીચે બેઠો. ચબરખી ખોલે ત્યાં પવનની લહેરખી આવી, અને લીમડાનાં પાંદડાં હલ્યા. ભગત ભડક્યો કે પાછુ 'વાંદરું આવ્યું.' ઊભા થઈ ચારેય બાજુ તપાસ કરે છે કે વાંદરું છે ક્યાં !

વાંદરું બહાર નહીં મનમાં હતું. મનમાં અનેક વાંદરાઓએ કૂદાકૂદ કરી. ચોમેર વાંદરાઓનો ભ્રમ... ભયંકર ચિચિયારી સંભળાવા લાગી. ભગત ગાંડો થઈ ગયો. તે દોડયો સીધો સંત પાસે. 'મહારાજ ! મારે સો વર્ષ જીવવું નથી. તમારો મંત્ર તમારી પાસે રાખો, અને મને વાંદરાઓથી મુક્ત કરો.' સંતે સરસ કહ્યું : 'વાંદરાઓથી મુક્ત થવું હોય તો સો વર્ષ જીવવાની ઇચ્છા છોડી દે. મનનો આ જ સ્વભાવ છે કે તેને જેની ના કહીએ તેની પાછળ જ તે ભાગે છે!

- રાજ સંઘવી