વાદળોનાં નામ આપનાર હવામાનશાસ્ત્રી લૂક હોવાર્ડ
વિશ્વના વિજ્ઞાનીઓ .
ચોમાસામાં આકાશમાં વાદળો છવાય તે તો સૌ કોઈએ જોયાં હોય. વાદળોના ઘણા પ્રકાર હોય છે. અને જુદી જુદી ઊંચાઈએ હોય છે. વાદળના આકાર, પ્રકાર અને ઊંચાઈ હવામાન ખાતાને આગાહી કરવા માટે ઉપયોગી બને છે.
લૂક હોવાર્ડ નામના વિજ્ઞાાનીએ ઇ.સ.૧૮૦૨માં જુદી જુદી ઊંચાઈએ રહેલાં વાદળોને ચોક્કસ નામ આપ્યાં અને હવામાનની આગાહી કરવા માટે એક વધુ ઉપયોગી સ્રોત પૂરો પાડયો.
લૂક હોવાર્ડનો જન્મ ઇ.સ.૧૭૭૨માં નવેમ્બરની ૧૮મી તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા દીવા બનાવતા હતા. બર્ડફોર્ડની શાળામાં પ્રાથમિક અભ્યાસ કરીને હોવાર્ડ પ્લીમાઉથ ખાતે ઉચ્ચ અભ્યાસ કરીને ફાર્માસીસ્ટ બન્યા હતા. ઇ.સ.૧૭૯૩માં તેણે પોતાની ફાર્મસી ખોલી. તેની દવા બનાવતી કંપની એલન એન્ડ હોવાર્ડ તરીકે ઓળખાતી.
ફાર્મસીના ધંધાની સાથે સાથે હોવાર્ડને હવામાન શાસ્ત્રનો અભ્યાસ કરવાનો શોખ હતો. ઇ.સ.૧૮૦૧ થી ઇ.સ.૧૮૪૧ સુધી તેણે સતત લંડનના હવામાનનો રેકોર્ડ રાખીને વિવિધ સંશોધનો કર્યા. તેને વનસ્પતિશાસ્ત્રમાં પણ રસ હતો. તે હવામાનશાસ્ત્રનો પિતામહ કહેવાય છે. તેણે વાદળોની ગતિવિધિ અને પ્રકાર અંગે ઘણાં પુસ્તકો લખેલાં.
તેણે વિવિધ ઊંચાઈના વાદળોને ક્યૂમ્યુલસ, સ્ટ્રેપ્સ અને સીટસ એમ ત્રણ પ્રકારમાં વહેંચ્યા. દરેક પ્રકારના વાદળ વરસાદની આગાહીમાં ઉપયોગી થાય છે. વાદળોનું તેનું વર્ગીકરણ વિજ્ઞાાનીઓને ઘણું ઉપયોગી બન્યું છે. ઇ.સ. ૧૮૬૪ના માર્ચની ૨૧મી તારીખે તેનું અવસાન થયેલું.