પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા છે

સમગ્ર સૃષ્ટિના સર્જનહાર પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા, અને માનવસેવા કરી રહ્યા હતા. લોકોને પરમેશ્વરના રાજ્યનો માર્ગ એટલે કે સ્વર્ગ, મોક્ષના માર્ગ વિષે શિક્ષણ આપી રહ્યા હતા ત્યારે તે સમયના રૂઢિચુસ્ત યહૂદી ધાર્મિક આગેવાનો કે જેઓએ લોકોને ઘણા બધા નિયમોમાં ઉલજાવી રાખ્યા હતા, તેમણે ઈસુ ખ્રિસ્તની ખોટા તહોમતો હેઠળ ધરપકડ કરાવી અને વધસ્તંભના મૃત્યુદંડની સજા અપાવી.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પરમેશ્વરના પુત્ર હોવાને નાતે પોતે પરમેશ્વર હતા, કે જેમને તેમની જ કૃતિ માણસજાત મારી શકે નહીં, પરંતુ દુનિયાના ઘણા બધા ધર્મશાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી, સાથે સાથે તે રક્ત નિર્દોષ અને નિષ્કલંક હોવું જોઈએ. જેઓને પાપોની માફી મળી છે તેઓ જ સ્વર્ગ/મોક્ષ પામી શકે. પ્રભુ ઈસુ નિર્દોષ અને નિષ્કલંક હતા અને તેમણે પોતે પોતાનો જીવ આપ્યો. ગુડ ફ્રાઈડેના દિવસે તેમને મારી નાખવામાં આવ્યા. અને ત્રીજે દિવસે એટલે કે ઈસ્ટર સંડેના દિવસે મુએલામાંથી તે સજીવન થયા.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે મુએલામાંથી સજીવન થયા પછી ચાલીસ દિવસ પૃથ્વી પર વિતાવ્યા અને લોકોને મળ્યા, પોતે વધસ્તંભનું દુ:ખ સહન કરીને, મરણ પામીને સજીવન થયા છે તેની સાબિતી આપી. અને ઘણા બધા લોકોના દેખતા સદેહે આકાશમાં ગયા. આજે સ્વર્ગમાં તે પરમેશ્વરના જમણા હાથે બિરાજમાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ માનવ ઈતિહાસનો સૌથી અજોડ, અને ઐતિહાસિક બનાવ છે. આજે પણ ઈઝરાયેલના પાટનગર યેરુસાલેમમાં તેમની ખાલી કબર તેમના પુનરુત્થાનની સાક્ષી પૂરે છે.
વાંચકમિત્રો, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુએલામાંથી સજીવન થવાથી મને કેવી રીતે પાપની માફી મળે અને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થાય ? પવિત્ર બાઈબલમાં યોહાન ૩ : ૧૬માં લખ્યું છે કે, કેમ કે પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે, તેમનો નાશ ન થાય (નરકમાં ન જાય) પરંતુ તે અનંતજીવન (સ્વર્ગનું જીવન) પામે.
- પાસ્ટર સદગુણ ક્રિસ્ટી









