Magazines

સિંહ રાજાની શાસન વ્યવસ્થા

By GS TEAM
15 May 20263 mins read
સિંહ રાજાની શાસન વ્યવસ્થા

- જાદવ વિશાલ એ.

- 'જો આપણી વચ્ચે એકતા હશે તો આપણે ગમે તેવાં હિંસક પ્રાણીઓ સામે લડી શકીશું. 

સંપીને રહેવા માટે આપણે ક્યારેક થોડું જતું પણ કરવું જોઈએ, કે જેથી આપણી એકતા જળવાઈ રહે.'

ગીર પર્વતોની વચ્ચે એક ગિરિરાજ નામનું ખૂબ સુંદર મજાનું જંગલ આવેલું હતું. આ જંગલની અંદર ઘણાં બધાં પ્રાણીઓ અને પક્ષીઓ રહેતાં હતાં. આ જંગલમાં એક ખૂબ સુંદર તળાવ પણ હતું. પ્રાણીઓ ત્યાં નિર્ભય થઈને પાણી પીતાં, કારણ કે સોનુ સિંહ આ જંગલનો એવો રાજા હતો કે જેણે દરેક પ્રાણીનો વિશ્વાસ જીતી લીધો હતો. સોનુ સિંહની કામગીરી અને જંગલનાં પ્રાણીઓની એકતા દૂર-દૂર સુધી વખણાતી હતી. આ જંગલમાં શિકારીઓ માટે શિકાર કરવો ખૂબ કઠિન કાર્ય હતું.

એકવાર સોનુ સિંહને પરિવાર સાથે અઠવાડિયા સુધી બહારગામ જવાનું થયું. આ દરમિયાન જંગલની કામગીરી કોણ સંભાળશે? તેની ચર્ચા કરવા માટે સોનુ સિંહે મીટિંગ બોલાવી અને તેમાં સર્વાનુમતે ધોળા રીંછને જવાબદારી સોંપવામાં આવી. આ મીટિંગમાં રાજાએ વિનુ વાંદરો, બીજલ બાજ અને હકા હાથીને રોકાઈ જવા કહ્યું અને બાકીનાં બધાં પ્રાણીઓને પોતાના સ્થાને જવા રજા આપી.

સિંહ રાજાએ બીજલ બાજને કહ્યું, 'તમારી સેના ધોળા રીંછની સુરક્ષામાં રહેશે.' 

વિનુ વાંદરાને કહ્યું, 'તમારી સેના જંગલના દરેક ઝાડ પર બેસીને ધ્યાન રાખશે કે કોણ આવે-જાય છે.' 

હકા હાથીને કહ્યું, 'સંકટ સમયે તમારે તમારા બળ અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો રહેશે.'

આમ, અંગત મીટિંગ પૂરી કરી સોનુ સિંહ વહેલી સવારે પરિવાર સાથે બહારગામ જવા નીકળી પડયા. બે-ત્રણ દિવસ પછી બાજુના જંગલમાં રહેતા એક દુષ્ટ દીપડાને જાણવા મળ્યું કે સોનુ સિંહ જંગલમાં નથી. તેણે નિર્ણય કર્યો કે વહેલી સવારે આ જંગલમાં શિકાર કરવા જવું. બીજે દિવસે જેવો તે શિકાર કરવા આવ્યો. વિનુ વાંદરાની સેનાને ખબર પડી ગઈ. તેમણે ગુપ્ત રીતે સમાચાર ધોળા રીંછ સુધી પહોંચાડી દીધી. 

દીપડો જ્યારે એક હરણને પોતાનો શિકાર બનાવવા ગયો, ત્યારે હરણે કહ્યું, 'દુષ્ટ દીપડા, તું મારો શિકાર નહીં કરી શકે. જો તેંં મારો શિકાર કર્યો તો અમારો રાજા તને છોડશે નહીં.' 

દુષ્ટ દીપડો હસીને કહે છે, 'તારા રાજાને ખબર પણ નહીં પડે કે કોણે શિકાર કર્યો છે!' આ વાતચીત દરમિયાન જ ધોળા રીંછના આદેશથી બાજ સેના આવી પહોંચી અને દીપડા પર પોતાની તીક્ષ્ણ ચાંચ વડે પ્રહારો કરવાનું શરૂ કરી દીધું. દીપડો બૂમો પાડતો ભાગ્યો અને બાજ સેનાએ તેનો પીછો કર્યો. 

જ્યાં સુધી દીપડો જંગલની બહાર ન નીકળ્યો ત્યાં સુધી બાજ સેનાએ તેને છોડયો નહીં. આમ, વિનુ વાંદરાની સેના અને બાજ સેનાની સમયસૂચકતા તથા સિંહ રાજાની શાસન વ્યવસ્થા જોઈ બધાં પ્રાણીઓ ખુશ થઈ ગયાં. ધોળા રીંછે બધાને બોલાવીને કહ્યું, 'જો આપણી વચ્ચે એકતા હશે તો આપણે ગમે તેવા હિંસક પ્રાણીઓ સામે લડી શકીશું. માટે સંપીને રહેવા માટે આપણે ક્યારેક થોડું જતું પણ કરવું જોઈએ, કે જેથી આપણી એકતા જળવાઈ રહે.'

સોનુ સિંહ બહારગામથી આવ્યા ત્યારે હકા હાથીએ આખી વાત એમને કહી સંભળાવી. સોનુ સિંહે સમજદારીપૂર્વક લેવાયેલા નિર્ણયો બદલ સૌની દિલથી પ્રશંસા કરી.