Magazines

આદિ જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્યજીનું જીવન અને કવન

By GS TEAM
15 Apr 20264 mins read
આદિ જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્યજીનું જીવન અને કવન

સૂર્ય અને સૂર્ય કિરણ, સમુદ્ર અને તરંગો, ફૂલ અને સુગંધ, ચંદ્ર અને ચાંદની - નામથી ભલે ને અલગ હોય પરંતુ તેને એક બીજાથી છૂટાં પાડી શકાતાં નથી. બસ કંઈક એ જ રીતે આત્મા અને પરમાત્મા ભલે ને નામાભિધાનથી ભિન્ન લાગે પરંતુ અંતતોગત્વા બે (દ્વૈત) નથી પણ એક (અદ્વૈત) જ છે એવો ચોટડૂક, સાપેક્ષ ધર્મ-અધ્યાત્મ સિદ્ધાંત પ્રસ્થાનત્રયી (વેદ, ઉપનિષદ, ગીતા)નો આધાર લઈ સિદ્ધ કરી પ્રસિદ્ધ થયેલ આદ્ય જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્ય જયંતીના પાવન અવસરે તેમના જીવન અને કવનનો ગહન, મનન, ચિંતનનો ઉપક્રમ છે જે વાચકોને ગમશે.

આજથી બરાબર ૧૨૩૮ વર્ષ પહેલાં ઇ.સ. ૭૮૮ માં કેરળ રાજ્યમાં પૂર્ણા નદીના સાન્નિધ્યમાં કાલડી ગામે તપોનિષ્ઠ નાંપૂતિરિ બ્રાહ્મણ કુળમાં વૈશાખ સુદ-પાંચમના રોજ તેમનો જન્મ થયો હતો. પિતાશ્રી શિવગુરૂ અને માતા સુ.શ્રી સુભદ્રાજીએ શંકર ભગવાનની માનતા અને આકરી તપસ્યા કરી પછી પુત્રપ્રાપ્તિ થઈ હોઈ નામ શંકર પાડયું. તેમની ૩ વર્ષની ઉંમરે પિતાજીનું અવસાન થયું. પાંચમા વર્ષે યજ્ઞાોપવિત વિધિ થઈ. સાત વર્ષની ઉંમરે સંન્યાસ લેવાની ઇચ્છા પ્રગટ કરી. આઠમા વર્ષે તો ગૃહત્યાગ કરી દીધો. નર્મદા કિનારે સ્વામી ગોવિંદ ભગવત્પાદને ગુરૂ કરી દીક્ષા લીધી.

અલ્પકાળમાં જ ચાર વેદ, ૬ દર્શનશાસ્ત્રો, છ વેદાંગ, રામાયણ, મહાભારત, ૧૮ પુરાણો, શાસ્ત્રોનો વિશદ્ અભ્યાસ પૂર્ણ કરી માત્ર સોળમા વર્ષે વેદાંત સૂત્ર ભાષ્યની રચના કરી સૌને ચકિત કરી દીધા. અંધારામાં પડેલું દોરડું સાપ લાગે પણ પ્રકાશ થતાં જ તે સાપ નથી પણ દોરડું જ છે એવું જ્ઞાાન થાય તેવી જ રીતે આ સંસારમાં માયા રૂપી અજ્ઞાાનના અંધકારથી પરમાત્માનાં દર્શન થતાં નથી પરંતુ જ્ઞાાનરૂપી પ્રકાશ થતાં માયાનાં પડળો દૂર થતાં જ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે પરમાત્મા જ (બ્રહ્મ) સત્ય છે. આ જગત મિથ્યા છે એવી પ્રતીતિ અવશ્ય થાય છે. પ્રસિદ્ધ શ્લોક પ્રસ્તુત છે :

''શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદ્રુક્તં કોટિભિ:

બ્રહ્મ સત્યં જગત્ મિથ્યા

જીવો બ્રહ્મૈવ ના પર:''

અર્થાત્ ''જે કરોડો ગ્રંથોમાં કહેવાયું છે તેને અર્ધા શ્લોકમાં આ રીતે કહેવાય કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે.'' અહં બ્રહ્માસ્મિ - વેદ સૂત્ર પણ આનો પુરાવો છે.

આત્મા એ જ પરમાત્મા છે. આ શરીરના ખોળિયામાં આત્મા છે ત્યાં સુધી જ આ જગત દેખાય છે. આત્મા ચાલ્યા ગયા પછી આ ખોળિયું લાશ મડદું બની જાય છે પછી તેને જગત દેખાતું જ નથી એ અર્થમાં જગત મિથ્યા છે. ''મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન''- (ગીતા-અધ્યાય : ૧૫ શ્લોક : ૯) એવું સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જે શંકરાચાર્ય પણ કહે છે. ગંગાસતી પણ કહે છે : આત્માને ઓળખ્યા વિના રે, ભવના ફેરા નહિ તો ટળે રે જી !!

જગત, શરીર, માયા, આત્મા, પરમાત્મા - આ પંચતત્વ કેન્દ્રમાં રાખી પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાપદી અને અનુયલબ્ધિનાં ૬ (છ) પ્રમાણો સાથે તે વખતના પ્રકાંડ પંડિત શ્રી મંડનમિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરી ખુદ મંડનમિશ્રનાં પત્ની ઉભયભારતીએ નિર્ણાયક બની શંકરાચાર્ય શ્રેષ્ઠ છે એવો ચુકાદો આપ્યો ત્યારે આ ચાર વેદસૂત્રો શંકરાચાર્યએ પૂર્ણ પુરાવાઓ સાથે સિદ્ધ કરી બતાવ્યાં :

(૧) પ્રજ્ઞાાનં બ્રહ્મ, (૨) અહં બ્રહ્માસ્મિ, (૩) તત્વ ત્વમસિ અને (૪) અયમાત્મા બ્રહ્મ.

''અસ્તિ ભાતિ પ્રિયં નામ, રૂપં ચૈત્યર્થ પંચકમ;

આદ્યં ત્રયં બ્રહ્મરૂપં, જગદ્ રૂપં તતોદ્યયમ્''

સત્ય, ચૈતન્ય, આનંદ, નામ અને રૂપ - આ પાંચ પદાર્થની સાથે તાદાત્મ્ય સાધી શમ, દમ, તિતિક્ષા, ઉપરામ, શ્રદ્ધા અને સમાધાન થકી વૈરાગ્ય, વિવેક, શમ અને મોક્ષના અનુબંધ ચતુષ્ટયોનાં સાધનો પ્રમાણ, પ્રમેય, બોધક અને બોધ્યથી જેમ ખાલી ઘડો ફૂટી જતાં અંદરની ખાલી (ઘટાકાશ) જગા ખુલ્લા આકાશમાં લીન-ભળી જાય છે તેમ આ જીવાત્મા પરમાત્મામાં વિલય પામી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે - એ અદ્વૈત સિદ્ધાંતનો સાર છે.

''ધારણાદ્ ધર્મમિત્યાહુ

ધર્મ ધારયતે પ્રજા

યત્સ્યાદ્ ધારણસંયુક્તં સ

ધર્મ ઇતિ નિશ્ચય:''

સનાતન ધર્મની રક્ષા અને સમૃદ્ધિ માટે શ્રી શંકરાચાર્યજીએ તે વખતે અગવડો ભોગવી કાશ્મીરથી કન્યાકુમારી સુધી ત્રણ ત્રણ વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી ગોવર્ધન મઠ (પૂર્વ), શારદા મઠ (પશ્ચિમ), જોશી મઠ (ઉત્તર), શૃંગેરી મઠ (દક્ષિણ) એમ ૪ મઠોની સ્થાપના કરી જે આટલાં વર્ષો પછી પણ હયાત છે અને કાર્યરત પણ છે. જે સનાતનનું સાતત્ય, ગૌરવ, સમૃદ્ધિનાં દ્યોતક છે.

૩૨ વર્ષની નાની વયમાં ૧૧ મુખ્ય ઉપનિષદોના ભાષ્યોના ગ્રંથની રચના કરી; નિર્વાણાષ્ટકમ્, કૃષ્ણાષ્ટકમ્ જેવાં ૨૦ અષ્ટકો, ગંગાસ્તોત્ર, ઉમામહેશ્વર સ્તોત્ર જેવાં ૨૫ સ્તોત્રો અને અનેક ગ્રંથોની રચના કરી નાની વયે ઇ.સ. ૮૨૦માં ૩૨ વર્ષની વયે હિમાલય પાર કૈલાસમાં મહાપ્રયાણકરી તેઓ મોક્ષને પામ્યા એવા આદ્ય જગદ્ગુરૂ શ્રી શંકરાચાર્યને તેમની જન્મજયંતી પર કોટિ કોટિ વંદન. નમસ્કાર, પ્રણામ. અસ્તુ ઁ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

- પી. એમ. પરમાર

ચાર ધામ યાત્રા

૨૦૨૬ની ચાર ધામ યાત્રા ૧૯ એપ્રિલ ૨૦૨૬ (અક્ષય તૃતીયા) થી શરૂ થશે, જેમાં યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે. કેદારનાથ ધામ ૨૨ એપ્રિલ અને બદ્રીનાથ ધામ ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખુલશે. યાત્રા નવેમ્બર ૨૦૨૬ની શરૂઆત સુધી ચાલશે.

ચાર ધામ કપાટ ખુલવાની તારીખો :

યમુનોત્રી : ૧૯ એપ્રિલ ૨૦૨૬

ગંગોત્રી : ૧૯ એપ્રિલ ૨૦૨૬

કેદારનાથ : ૨૨ એપ્રિલ ૨૦૨૬

બદ્રીનાથ : ૨૩ એપ્રિલ ૨૦૨૬

યાત્રા માટે ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું.