ફોર-કે ફિલ્મ રીસ્ટોરેશન દ્વારા ભારતીય સિનેમાના વારસાને નવજીવન મળ્યું

- ફિલ્મની ઓરિજિનલ નેગેટીવ્સ, રિલીઝ પ્રિન્ટ્સ, સેન્સર સર્ટિફિકેટ, પ્રચાર સામગ્રી મૂળભૂત રીતે કેવી હતી, અવાજ કેવો હતો તે નક્કી કરવામાં આર્કાઈવ નિષ્ણાંતોને સહાય કરે છે.
- ફો ર-કે(ચાર હજાર પિક્સલનું રેઝોલ્યુશન) રજૂઆતો અને આર્કાઈવ આધારિત પુનર્સ્થાપનના અભિયાન દ્વારા આજના સમયમાં ભારતીય સિનેમાને એક શાંત પણ પરિવર્તનકારી ફેરફાર નવો આકાર આપી રહ્યો છે. એક સમયે જેને આર્કાઈવિસ્ટ્સ અને ફિલ્મ ઈતિહાસકારો દ્વારા વિશિષ્ટ રીતે કરવામાં આવતું કાર્ય માનવામાં આવતું તે આજે મુખ્ય સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિ બની ગઈ છે. સમગ્ર ભારતમાં ક્લાસીક ફિલ્મો થિયેટરો, ફિલ્મ ફેસ્ટીવલો અને ડિજિટલ મંચો પર પુનર્સ્થાપિત સંસ્કરણોમાં પાછી ફરી રહી છે અને દર્શકો આવી ફિલ્મોને તેની નવી દ્રશ્યતા અને ધ્વનિ ઉત્કૃષ્ટતા સાથે માણવાની તક મળી રહી છે. આ પુનર્સ્થાપન માત્ર ટેકનીકલ સુધારા નથી, પણ તે સાંસ્કૃતિક જાળવણીના એવા કાર્યો છે જે સમકાલીન દર્શકોને સિનેમેટીક ઈતિહાસ સાથે ફરી જોડે છે અને સાથે વિરાસત સામગ્રી માટે નવા વ્યાવસાયિક અવસરો પણ ખોલી આપે છે.
દાયકાઓ સુધી ભારતીય ફિલ્મો પર કાયમી ધોરણે બગાડનું જોખમ મંડરાઈ રહ્યું હતું. જૂની થઈ જતી નેગેટીવ્સ, રંગ ઝાંખા પડી જવા, સાઉન્ડટ્રેકમાં ખરાબી, સાંકડા થઈ જતા ફિલ્મ સ્ટોક અને સંગ્રહની અપૂરતી સગવડોએ દેશની સિનેમેટીક વિરાસતના મોટા હિસ્સાને જોખમમાં મુકી દીધો હતો. અગાઉના દાયકાની ઘણી ફિલ્મો માત્ર ખરાબ થતી પ્રિન્ટો અથવા અધૂરા સંસ્કરણોમાં બચી જવા પામી હતી. આવી સ્થિતિમાં આર્કાઈવ આધારીત પુનર્સ્થાપન આવા કાર્યો કાયમ ગાયબ થઈ જાય તે પહેલા તેના બચાવ અને જાળવણી માટે જરૂરી હસ્તક્ષેપ તરીકે ઊભરી આવ્યું. ભારતમાં બહુવિધ ભાષાઓ અને પ્રદેશોમાં ફેલાયેલા ફિલ્મ ઉદ્યોગોના વ્યાપ અને વૈવિધ્યતાને કારણે આ કાર્ય વધુ જરૂરી બન્યું છે.
આજના ડિજિટલ યુગમાં દર્શકોની અપેક્ષામાં પણ નાટયાત્મક ફેરફાર થયા છે. આધુનિક દર્શકો અતિશય ઉત્કૃષ્ટ દ્રશ્યો અને ધ્વનિ સાથે ટેવાયેલા હોવાથી પુનર્સ્થાપિત ક્લાસીક ફિલ્મો સમકાલીન રજૂઆત સાથે ટેકનીકલ સ્પર્ધા કરે તેવી અપેક્ષા રાખે છે. કંગાળ રીતે જળવાયેલી અથવા હલકી ગુણવત્તાની પ્રિન્ટ થિયેટર અથવા સ્ટ્રીમિંગ રસ નથી જગાવી શકતી. પરિણામે પુનર્સ્થાપન અને જાળવણી કરતી સંસ્થાઓને આજના સમયના ધોરણોને અનુરૂપ ફોર્મેટમાં જૂની ફિલ્મો રજૂ કરવા સક્ષમ બને તેવી આધુનિક ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળી છે. થિયેટરોમાં તેમજ ઓટીટી મંચો પર પુનર્સ્થાપિત ક્લાસીકોની સફળતા સાબિત કરે છે કે જૂની ફિલ્મો યોગ્ય માવજત અને ગુણવત્તા સાથે રજૂ કરવામાં આવે તો દર્શકો તેને જોવા તૈયાર છે.
આ અભિયાનના કેન્દ્રમાં એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ છે જે ભારતીય ફિલ્મી વિરાસતનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. તેમાંથી અગ્રણી હસ્તીઓ છે ફિલ્મ હેરિટેજના સ્થાપક શિવેન્દ્ર સિંઘ ડુંગરપુર અને પ્રસાદ કોર્પોરેશનના ડાયરેક્ટર અને સીટીઓ અભિષેક પ્રસાદ. ૨૦૧૪માં સ્થપાયેલી ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ભારતીય સિનેમાની જાળવણી અને પુનર્સ્થાપનને સમર્પિત નફો ન કરતી સંસ્થા છે. તાલીમી કાર્યક્રમો, આર્કાઈવલ અભિયાનો તેમજ પુનર્સ્થાપન પ્રોજેક્ટો દ્વારા ફાઉન્ડેશન ફિલ્મ જાળવણીની હિમાયત કરતો દેશનો અગ્રણી અવાજ બની ગયું છે. બીજી તરફ પ્રસાદ કોર્પોરેશન ૪કેમાં અનેક સિનેમેટીક ક્લાસીકના પુનર્સ્થાપન માટે જાણીતી સૌથી અનુભવી પોસ્ટ-પ્રોડક્શન અને પુનર્સ્થાપન સંસ્થા છે.
આ અભિયાનનું સૌથી પ્રસિદ્ધ તાજેતરનું ઉદાહરણ છે પ્રદિપ ક્રિશન દ્વારા દિગ્દર્શિત અને અરુંધતી રોય દ્વારા લિખિત 'ઈન વિચ એની ગિવ્સ ઈટ ધોઝ વન્સ'(૧૯૮૯)નું પુનર્સ્થાપન. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા ૪કેમાં પુનર્સ્થાપિત આ ફિલ્મને બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે તેનું વર્લ્ડ પ્રીમિયર મળ્યું, જ્યાં તેની માનભરી કદર થઈ. આ ફિલ્મ પછી ભારતમાં બહુવિધ શહેરો અને સિનેમાઘરોમાં માર્ચ ૨૦૨૬માં રજૂ થઈ.આ પુનર્સ્થાપનથી જાહેર સ્મરણોમાંથી લગભગ વિલુપ્ત થઈ ગયેલી ફિલ્મ નવી પેઢી સમક્ષ રજૂ થઈ શકી. અરુંધતી રોયે પોતે કબૂલ કર્યું કે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને શિવેન્દ્ર સિંઘ ડુંગરપુર દ્વારા વર્ષોની જાળવણી વિના આ ફિલ્મ ફરી દર્શકો સમક્ષ પાછી ન ફરી હોત. ડુંગરપુરે તો આ પ્રોજેક્ટને માત્ર પુનર્સ્થાપન તરીકે નહિ પણ ખોવાઈ ગયેલા સિનેમેટીક કાર્યના નવજીવન તરીકે ગણાવ્યો.
આર્કાઈવ આધારીત પુનર્સ્થાપનનું મહત્વ મૌલિકતા પ્રત્યે તેની પ્રતિબદ્ધતામાં સમાયેલું છે. પુનર્સ્થાપનના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આર્કાઈવ્સ ફિલ્મના સૌથી ખરા સંસ્કરણના પુનર્ઘડતર માટે પાયાનું કામ કરે છે. મૂળ કેમેરાની નેગેટીવ્સ, ઈન્ટરપોઝિટિવ્સ, રિલીઝ પ્રિન્ટો, સેન્સર સર્ટિફિકેટો, પ્રચાર સામગ્રી અને પરિપત્રો ફિલ્મ મૂળમાં કેવી હતી અને તેનો અવાજ કેવો હતો તે નક્કી કરવામાં આર્કાઈવ નિષ્ણાંતોને સહાય કરે છે. આ પ્રક્રિયાથી બગડેલી કલર ગ્રેડિંગ, ફેરફાર કરેલા એસ્પેક્ટ રેશિયો અથવા મૂળ ફિલ્મમાં વિકૃતિ જેવા અનિચ્છનીય ફેરફારો અટકાવી શકાય છે. આથી જ પુનર્સ્થાપન ફિલ્મને કૃત્રિમ રીતે માત્ર આધુનિક બનાવવા બાબતે નથી પણ તેની પહોંચમાં સુધારો કરતી વખતે તેની મૂળ કલાત્મક ઓળખ જાળવી રાખવા બાબતે છે.
જાળવણીમાં ફિલ્મી સામગ્રીને બગડતી અટકાવવાની સમસ્યા પ્રત્યે પણ ધ્યાન આપવામાં આવે છે. જૂના નાઈટ્રેટ અને એસીટેટ ફિલ્મ સ્ટોક્સ જલદી બગડી શકે છે. વિનેગાર સીન્ડ્રોમ, ઝાંખા પડતા રંગ તેમજ સંકોચન જેવી સમસ્યાનો સમયસર ઈલાજ ન થાય તો ફિલ્મો જોઈ શકાય તેવી સ્થિતિમાં નથી રહેતી. આર્કાઈવ આધારીત પુનર્સ્થાપન મૂળ સામગ્રીને ન્યૂનતમ છેડછાડ અને સન્માનને પ્રાથમિકતા આપે છે. નિષ્ણાંતોએ ફિલ્મના બહુવિધ સંસ્કરણોનો પડકાર પણ ઝીલવો પડે છે જેમાં સેન્સરની કપાત, પ્રાદેશિક સંપાદનો અને પુનઃસંપાદિત રજૂઆતો સામેલ હોય છે. યોગ્ય આર્કાઈવલ રિસર્ચ વિના પુનર્સ્થાપનમાં વિવિધ સંસ્કરણોનું ખોટી રીતે સંયોજનનું તેમજ ઐતિહાસીક મૌલિકતા સાથે ચેડા થવાનું જોખમ રહે છે.
આ અભિયાને ફિલ્મ ઉદ્યોગ માટે નવું આર્થિક એન્જિન પણ વિકસાવ્યું છે. પુનઃરજૂઆતો, ફિલ્મ સમારંભોમાં પ્રદર્શન, સંગ્રહણીય સંસ્કરણ અને ઓટીટી લાયસન્સીંગએ પુનર્સ્થાપિત ક્લાસીક ફિલ્મોને વ્યાવસાયિક રૂપે લાભકારી સંપતિમાં બદલી નાખી છે. એક સમયે ભંડારમાં પડી રહેલી વિસરાઈ ગયેલી વિરાસત ફિલ્મો હવે આવક રળી રહી છે અને યુવા દર્શકોને આકર્ષી રહી છે. ખાસ કરીને પ્રાદેશિક સિનેમાને અમૂલ્ય લાભ થયો છે કારણ કે હવે પુનર્સ્થાપિત ફિલ્મો વૈશ્વિક સ્તરે રજૂ કરી શકાય છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્ક્રીનિંગ ધોરણોને સંતોષી શકે છે. પરિણામે ભારતીય ક્લાસીક ફિલ્મો મહત્વના ફિલ્મ ફેસ્ટીવલોમાં તેમજ વિશ્વભરની શૈક્ષણિક ચર્ચામાં ભાગ લેવા સક્ષમ બની છે અને ભારતીય સિનેમાની વૈશ્વિક માન્યતાને મજબૂત બનાવી છે.
પ્રસાદ કોર્પોરેશન દ્વારા ૪કેમાં પુનર્સ્થાપિત કરાયેલી પ્યાસા, મંથન, અપરાજિતો, ઉમરાવ જાન, પડયપ્પા અને જાન અરણ્યા સહિત અનેક આઈકોનિક ફિલ્મોએ પુનર્સ્થાપનના સાંસ્કૃતિ મૂલ્યને ઉજાગર કર્યું છે. એવી જ રીતે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને એ.આર.કારદાર, સઈદ અખ્તર મિર્ઝા અને પ્રાણ ક્રિશન સિકંદ જેવી દિગ્ગજ હસ્તીઓને સમર્પિત મહત્વના આર્કાઈવલ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. સાથે મળીને આ અભિયાનોએ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય સિનેમાની કલાત્મક વિરાસત ભાવિ પેઢીઓ માટે જળવાઈ રહે.
આખરે આર્કાઈવ આધારીત પુનર્સ્થાપનનું વધતું ચલણ એ વાતની વ્યાપક સ્વીકાર્યતાનો સંકેત છે કે ફિલ્મો નાશવંત મનોરંજન ઉત્પાદનો નથી પણ સમાજ, ઈતિહાસ, ભાષા અને ઓળખને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક દસ્તાવેજો છે.
હવે જ્યારે પુનર્સ્થાપિત ક્લાસીકો ઉત્કૃષ્ટ ૪કે ગુણવત્તામાં થિયેટરો તેમજ ઓટીટી મંચો પર પાછા ફરી રહ્યા છે ત્યારે ભારત જૂની ફિલ્મોના પુનરુત્થાન ઉપરાંત તેના સિનેમેટીક ઈતિહાસની પુનર્શોધનું પણ સાક્ષી બની રહ્યું છે.








