બ્લાઉઝનો લેટેસ્ટ ટ્રેન્ડ: અંગપ્રદર્શન કરાવતાં
સાડી કરતાં બ્લાઉઝને વધુ ભપકાદાર બનાવવાનો ટ્રેન્ડ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો બોલીવુડની ફેશન પરસ્ત માનુનીઓ આજકાલ સિમ્પલ, પ્લેન સાડી અને સાથે બોલ્ડ, ટ્રાન્સપરન્ટ અથવા નેટનું બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે એટલે એ ટ્રેન્ડ બની ગયો છે. વિદ્યા બાલન, કરીના કપૂર તેમ જ દીપિકા પાદુકોણ જેવી એક્ટ્રેસો આવાં જ હટકે બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે. જોકે એ બોલ્ડ બ્લાઉઝ સામાન્ય યુવતીઓ અને ગૃહિણીઓનો મોટા ભાગે નથી શોભતાં અને એ ફેશનેબલ લાગવાને બદલે વાહિયાત લાગે છે. કઈ રીતે આ બ્લાઉઝને શોભનીય બનાવી શકાય એ જાણીએ.
આ બ્લાઉઝનું કામ છે શરીરને વધુ આકર્ષક બનાવવાનું એટલે એની ડિઝાઈન એ પ્રમાણે જ બનાવવામાં આવે છે જેથી એમાં શરીર વધુ આકર્ષક લાગે. એક્ટ્રેસો પર જોવા મળતાં બ્લાઉઝ પેટર્નની બાબતમાં ખૂબ જ આકર્ષક હોય છે અને તેમને શોભે પણ છે, પરંતુ આવું બ્લાઉઝ કદાચ કોઈ સામાન્ય યુવતી પહેરે તો અણછાજતું લાગી શકે છે. આઈટમગર્લ્સ આવું બ્લાઉઝ પહેરે ત્યારે તેમને સાડીના પલ્લુથી શરીરને ઢાંકવાની જરૂર નથી હોતી, પરંતુ આપણે સાડી પહેરીએ ત્યારે પલ્લુથી શરીર ઢાંકવાના જ છીએ એટલે એ શરીર ઢંકાઈ પણ જાય છે. જોકે પાછળથી પીઠ વધુ ખુલ્લી હોય તો એ ખરાબ લાગે છે.
આજકાલ બ્લાઉઝમાં બસ્ટ પાસે વેલ્વેટનું મટીરિયલ અને બાકીના ભાગમાં સ્કિન દેખાય એવું નેટનું મટીરિયલ વાપરીને તૈયાર કરાયેલી પેટર્ન ખૂબ ચાલી રહી છે. આ પેટર્ન પ્રોપર બ્લાઉઝ જેવી લાગે અને સાથે ગ્લેમરસ લુક પણ જળવાઈ રહે. આ પેટર્ન સામાન્ય યુવતીઓએ પણ અપનાવવા જેવી છે, પરંતુ જો એ પ્રકારની હાઈ ક્લાસ પાર્ટીમાં પહેરવાનાં હો તો જ. આપણા ટ્રેડિશનલ પ્રસંગો માટે આ બ્લાઉઝની પેટર્ન નહીં ચાલે.
બ્લાઉઝના ક્લોઝિંગ પાસે ફ્રન્ટમાં ગાંઠ વાળવાની સ્ટાઈલ ખૂબ કોમન છે અને આજે પણ એ એટલી જ હિટ છે. આ સ્ટાઈલનું બ્લાઉઝ કોળી સ્ત્રીઓ કાસ્ટા સાથે પહેરે છે. બ્લાઉઝનું ફેબ્રિક પણ પ્રોપર કોટનમાં ચેક્સવાળું હશે તો સારું લાગશે, જે ટિપિકલ ટ્રેડિશનલ લુક આપે છે. આ પેટર્નમાં નોટની પેટર્ન સુંદર લાગે છે, પરંતુ સાડીનો પલ્લુ આવશે ત્યારે એ દેખાવાની નથી. આવામાં આવી પેટર્ન પહેરવી જ હોય તો ડિઝાઈનમાં થોડો ટ્વિસ્ટ આપી શકાય એ માટે બ્લાઉઝમાં આગળથી પ્રિન્સેસ-કટ ગળું આપીને પાછળથી ડીપ વી અને ક્લોઝિંગ માટે નોટની સ્ટાઈલ આપી શકાય જે દેખાઈ આવશે. હવે આ નોટ સાથે જ ક્લોઝિંગ માટે રાખી શકાય અથવા એ જગ્યાએ એક કે બે હુક આપીને ડેકોરેશન માટે બાંધી શકાય.
આ પ્રકારનાં સેક્સી અને બોલ્ડ બ્લાઉઝ રિચ મટીરિયલનાં હોય તો જ સારાં લાગે. અહીં ટિપિકલ કટોરીવાળા બ્લાઉઝની પેટર્ન નહીં ચાલે. ફેબ્રિક જો નેટ કે શિફોનનું વાપરતા હો તો સારી ક્વોલિટીનું લાઈનિંગ નખાવવું જરૂરી છે, કારણ કે બ્લાઉઝ સ્ટિફ રહેશે તો સારું લાગશે. જાડું ઑલઓવર ટીકી-વર્ક કરેલું ફેબ્રિક પહેરવું હોય તો સ્લીવ થોડી લાંબી રખાવવી, કારણ કે સ્લીવલેસ કે શોર્ટ સ્લીવ હશે તો બગલના ભાગમાં ટીકીઓ વાગશે. આવા બ્લાઉઝમાં ટક્સ અંદરના લાઈનિંગવાળા ફેબ્રિકમાં લેવામાં આવે છે જેથી બહારથી બ્લાઉઝ પ્લેન જ દેખાય તેમ જ આ બ્લાઉઝ પેડેડ જ હોય એ જરૂરી છે. હેવી બસ્ટ હોય તો સપોર્ટ માટે યોકની પટ્ટી નખાવવી.
છેલ્લા થોડા સમયથી દીપિકા પાદુકોણ અને કરીના કપૂર એક ખાસ બ્લાઉઝની પેટર્ન અપનાવી રહી છે, જેમાં આગળના ભાગમાં બસ્ટની ઉપરની લાઈનમાં ઓપન વિન્ડો જેવો શેપ બનાવવામાં આવે છે જ્યારે ગળામાં ચપોચપ બેસી જાય એવી પટ્ટી આપવામાં આવે છે. આ ગળાની પટ્ટીને કારણે ડીપ નેકની ડિઝાઈન તટસ્થ લાગે છે. ઓપન નેક ઉપરાંત દીપિકાએ પહેરેલા આગળના ભાગમાં નેટનું ફેબ્રિક લગાવેલું હોય એવી પેટર્નનાં બ્લાઉઝ પણ આજકાલ ટ્રેન્ડમાં છે.
આવા બ્લાઉઝની પેટર્ન પાતળી અને પર્ફેક્ટ ફિગર ધરાવતી સ્ત્રીઓ માટે જ છે. જો હેવી ફિગર ધરાવતી સ્ત્રીઓ આવું ફેન્સી પેટર્નનું બ્લાઉઝ પહેરે તો એ થોડું હાસ્યસ્પદ લાગે છે એટલે જો ફિગર સારું હોય અને કમર પાતળી હોય તો જ આવું આઈટમગર્લ ટાઈપનું બ્લાઉઝ પહેરવાની ડેરિંગ કરવી.