'ધ કેરલા સ્ટોરી'ના ડિરેક્ટર સુદીપ્તો સેનના માથા પર 1 કરોડનું ઈનામ હતું

- 'એક સ્કૂલમાં પરીક્ષાનાં પરિણામો એકધારા ખરાબ આવતાં હતાં. એનો ઉપાય કરવા સ્કૂલના મેનેજમેન્ટે તાંત્રિકનો સંપર્ક કર્યો. એના કહેવાથી એક બાળકની બલિ ચડાવાઈ...'
પ્રો ડયુસર વિપુલ શાહની વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' (૨૦૨૩) અને એની સિકવલ 'ધ કેરલા સ્ટોરી-ટુ'ને તમે કોઈ પોલિટિકલ પાર્ટીની પ્રોપગન્ડા મૂવી જ ગણો કે ન ગણો પણ તમે એના પ્રભાવ વિશે વાદ ન કરી શકો. ૩ વરસ પહેલા રિલીઝ થયેલી 'કેરલા સ્ટોરી'એ ૩૦૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે એની સિકવલ પહેલા સપ્તાહમાં લગભગ ૨૩ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. કોઈ મોટા સ્ટાર્સ વિનાની ફિલ્મ જો આટલી કમાણી કરે તો એની સફળતાની નોંધ સૌએ લેવી જ પડે. એ સફળતાનો શ્રેય એના ડિરેક્ટર સુદીપ્તો સેનને જાય છે. સુદીપ્તો સેન બોલિવુડમાં નવા નથી. તેઓ 'લખનઉ ટાઈમ્સ' અને 'ધ લાસ્ટ મોન્ક' જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે, પરંતુ તેઓ પ્રસિદ્ધિમાં આવ્યા 'કેરલા સ્ટોરી'ને કારણે.
હવે સેન 'ચરક-ફેસ ઓફ ફેથ' નામની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મથી પ્રોડયુસર પણ બની ગયા છે. આ બંગાળીબાબુએ પોતાની ફિલ્મનું એકલા હાથે પ્રમોશન કર્યું. એમણે મીડિયાને ઇન્ટરવ્યુઝ આપી પ્રોડયુસર તરીકેના પોતાના અનુભવો શેર કર્યા. આવા જ એક ઇન્ટર એક્શન દરમિયાન સેનને ઔપચારિક રીતે પૂછાયું, 'સર, તમને 'ચરક-ફેસ ઓફ ફેથ'નો સ્ટોરી આઇડિયા ક્યાંથી આવ્યો?'
એનો ખુલાસો કરતા ૫૪ વરસના સુદીપ્તો સેન કહે છે, 'હું ઉત્તર બંગાળનો વતની છું અને ચારકનો ફોક ફેસ્ટિવલ જોઈને જ મોટો થયો છે. બંગાળી કેલેન્ડરના ચૈત્ર માસના છેલ્લા બે દિવસે ઉજવાતો આ તહેવાર ગામડાંમાં બહુ જ લોકપ્રિય છે. બાળપણમાં આ કલરફુલ પર્વ મારા માટે ખાસ આકર્ષણ બની રહેતો. લોકો પોતાના આખા વરસનાં પાપ ધોવા માટે આ તહેવાર દરમિયાન શિવ અને શક્તિની પૂજા-અર્ચના કરે છે. ચારકમાં ભરાતા મેળામાં સાધુઓ કેન્દ્રસ્થાને હોય છે. આ તહેવાર સાથે આનંદ-ઉમંગ ઉપરાંત એક અંધારી બાજુ પણ જોડાયેલી છે. એ છે અઘોરી તાંત્રિકોની માનવીનું માંસ ખાવાની સદીઓ જુની પરંપરા. ચારક દરમિયાન બાળકોની બલિ ચડાવવાના બનાવો પણ બને છે. મેં મારી ફિલ્મમાં એવું કહેવાનો પ્રયાસ કર્યો છે કે ચારકની ઉજવણીમાં બાળકોનું બલિદાન કેન્દ્રસ્થાને નથી. અમે મૂવીમાં અજ્ઞાાન અને અંધશ્રદ્ધાનો મુદ્દો ઉપાડયો છે. લેટિન અમેરિકા અને આફ્રિકામાં આજેય માનવ બલિની પ્રથા પ્રવર્તે છે. બે વરસ પહેલાં લખનઉથી ૧૮૦ કિમીના અંતરે આવેલા હાથરસની એક સ્કૂલમાં બાળકનો બલિ ચડાવાયો હતો. બન્યું એવું કે એ સ્કૂલમાં પરીક્ષાનાં પરિણામો એકધારા ખરાબ આવતાં હતાં. એનો ઉપાય કરવા સ્કૂલના મેનેજમેન્ટે એક ભુવા (તાંત્રિક)નો સંપર્ક કર્યો. એના કહેવાથી એક બાળકની બલિ ચડાવાઈ. આપણી સભ્યતામાં અજ્ઞાાન અને અંધશ્રદ્ધા કેટલા ઊંડા પેશી ગયા છે એ જુઓ. મેં સંજય હલ્દરની આ ૩ પાનાની નાની સ્ટોરી વાંચી હતી એના પરથી મને ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો અને મેં સ્ક્રીપ્ટ લખી.'
બાબુ મોશાયને મીડિયાએ પૂછેલો બીજો સવાલ ઇન્ટરેસ્ટિંગ છે, 'સર, પ્રોડયુસર બનવાનો તમારો પહેલો અનુભવ કેવો રહ્યો?'
સેનનો જવાબ એકદમ નિખાલસ છે, 'મને એક વાત સમજાઈ ગઈ છે કે કાં તો તમે સારા માણસ બની શકો અથવા એક સારા પ્રોડયુસર. તમે બંને એક સાથે ન બની શકો. મેં એ જાણી લીધા બાદ સારા માનવી બનવાનું નક્કી કર્યું. એટલે હું ફરી કોઈ મૂવી પ્રોડયુસ નહિ કરું. ઈન શોર્ટ, આ એક ખરાબ અનુભવ બની રહ્યો. હું પૈસાની બાબતમાં અને હિસાબ-કિતાબમાં નબળો છું. તમે પ્રોડયુસર બન્યા બાદ આવું બહાનું ન બતાવી શકો. મેં ફિલ્મ બનાવવા બજેટ કરતા વધુ ખર્ચ કરી નાખ્યો. ત્યારે મને બત્તી થઈ કે આ આપણું કામ નહિ. હું એમ પણ કહીશ કે ફિલ્મ પ્રોડયુસર કરીને ફિલ્મમેકિંગની બીજી બાજુ જાણવા મળી એનો મને સંતોષ છે.' પછી પત્રકારોએ સુદીપ્તોને જાણીતા કરનાર ફિલ્મને કેન્દ્રમાં રાખી એમને પૂછ્યું, 'તમને 'ધ કેરલા સ્ટોરી' માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. પરંતુ આ ફિલ્મે જે જલદ અને ઉગ્ર પ્રતિક્રિયા જગાવી એનો સામનો કઈ રીતે કર્યો?' સેનના ચહેરા પર ગંભીરતા છવાઈ જાય છે, 'ફિલ્મની રિલીઝ પહેલા મેં જે પ્રકારની ઝુંબેશ અને પ્રત્યાઘાતોનો સામનો કર્યો એ બહુ જ ડરામણો અને અસ્વસ્થ કરી મુકનારો અનુભવ બની રહ્યો. મને ધમકીઓ આપવા ઉપરાંત રીતસર બોલી લગાવાઈ હતી- મારી એક આંખનું ૧૫ લાખ, હાથનું ૨૦ લાખ અને કોઈ જો મારી હત્યા કરે તો એ માટે ૧ કરોડનું ઈનામ રખાયું હતું, પરંતુ પછીથી લોકો ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટયા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ. એ એક રાજકારણપ્રેરિત અભિયાન હતું. કોઈ ફિલ્મમાં ગમે એટલો મોટો પ્રોપગોન્ડા હોય કે એને કોઈ રાજકીય પાર્ટીનો સપોર્ટ હોય પણ એની રિલીઝનાં ૩ વરસ બાદ પણ લોકો એના વિશે ચર્ચા કરતા હોય તો તમારે સ્વીકારવું જ પડે કે એ માત્ર પ્રોપગોન્ડા નથી, ફિલ્મમાં મજબુત કન્ટેન્ટ છે. અન્યથા 'કેરલા સ્ટોરી' બાદ 'બેન્ગાલ ફાઈલ્સ' અને 'ઉદયપુર ફાઈલ્સ' જેવી ઘણી પ્રોપગોન્ડા ફિલ્મો આવી પણ એમાંથી કોઈ ચાલી નહિ. એકતા કપૂરે ગોધરાકાંડ પર બનાવેલી 'સાબરમતી એક્સપ્રેસ' પણ ફ્લોપ ગઈ. પરંતુ મારી ફિલ્મ રિલીઝનાં ૩ વરસ બાદ પણ ચર્ચાય છે એટલે મને એ ફિલ્મ બનાવવાનો પૂરેપૂરો સંતોષ છે. મારી મૂવી માટે મને ગર્વ છે.' સમાપનમાં રાઈટર-ડિરેક્ટરને પૂછાયું કે તમને ધમકીઓ મળ્યા બાદ સરકાર તરફથી કોઈ પ્રકારનો સપોર્ટ મળ્યો હતો ખરો?
સેન એ વિશે માહિતી આપતા કહે છે, 'મને મહારાષ્ટ્ર સરકારે જે પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું એ મેં પહેલાં બે દિવસ રાખ્યું. પછી મેં કહી દીધું કે હવે મારી સુરક્ષા માટે પોલીસ નહિ મોકલતા. અમારી લીડ એકટ્રેસ અદા શર્મા મુંબઈમાં એકલી રહેતી હોવાથી એણે પોલીસ પ્રોટેક્શન ચાલુ રાખ્યું હતું. પણ મેં અને મારા પ્રોડયુસર વિપુલ શાહે કદી પ્રોટેક્શન લીધું નહોતું.'









