સંતવાણી પરમહિતકારી .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
એનું મન અશાંત છે. ભીતરમાં એક દાવાનળની વેદનાથી અધિક પીડાની અનુભૂતિ થઈ રહી છે. ક્રોધથી તેના નસકોરાં ફૂલી રહ્યાં છે, આંખમાં લાલાશ રેખઓ ફૂટી રહી છે, જાણે તેને સમગ્ર દુનિયા દુશ્મન લાગી રહી છે.
જાવડશાની ઐતિહાસિક ઉત્કૃષ્ટ દાનભાવનાની ભૂમિ હડાળાથી થોડી દૂર લૂલવાના ચોરા બાજુના એક ખૂણે બાબુ કણસી રહ્યો છે. ત્યાં એને એક મૃદુ અને મધુર અવાજ સંભળાય છે તે અવાજના જાદુથી આકર્ષાઈને ધીરે ધીરે ઊઠીને આગળ આવે છે. ચોરાની નજીક આવતાં એક ધર્મસભામાં સંત ઉપદેશ આપી રહ્યા છે, તે જોતાં તે પાટ પર બિરાજમાન સંતની વધુ નજીક જવાનો એક બાજુથી ચાલતાં હળવે હળવે પ્રયત્ન કરે છે. નજીક પહોંચતાં જ તે સાધુના મુખારવિંદને નિરખે છે. તેમના મુખ પર અદ્દભુત શાંતિનો ભાવ હતો, વાણીમાં ગજબનું માધુર્ય હતું, આંખોમાં નિર્મળતા. સમગ્ર વ્યક્તિત્વ આકર્ષક માધુર્યયુક્ત વાણી વાતાવરણને પાવન બનાવી રહી હતી. બાબુએ આવું ક્યારેય જોયું-સાંભળ્યું કે અનુભવ્યું ન હતું. તેને આ સંતની વાતમાં રસ પડયો. સંત વેર અને ક્રોધની સામે સમાનતાના ભાવ સમજાવી રહ્યા હતા. લોભની સામે દાન અને ત્યાગની વાત કરી રહ્યા હતા. ન્યાયયુક્ત મેળવેલી આજીવિકા જીવનને સુખ આપે છે અને સંતોષ જ જીવનને ખરો આનંદ આપી શકે છે. તેની સાથે જીવનમાં નીતિ અને સદાચારનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા.
૧૯૪૭માં ભાલના નપાણિયા પ્રદેશમાં દુરાચાર, અંધશ્રદ્ધા અને વ્યસનમાંથી પ્રજાને મુક્ત કરવાના ઉદ્દેશથી મુનિ શ્રી સંતબાલે ગુંદીમાં ભાલનળ કાંઠા પ્રાયોગિક સંઘ સ્થાપવાની પ્રેરણા કરી અને રવિશંકર મહારાજના પ્રમુખસ્થાને આ સેવાયજ્ઞા શરૂ થયો. એ ઉપક્રમે મુનિ શ્રી સંતબાલજી લુલવામાં ધર્મસભાને સંબોધવા આવ્યા હતા.
મુનિશ્રીનું વ્યાખ્યાન પૂરું થયું. ધર્મસભામાંથી લોકો વિદાય થયા. બાબુ એક ખૂણામાં સંતના એક-એક શબ્દો વાગોળતો હતો અને ભૂતકાળમાં પોતે કરેલાં કુકૃત્યોનું સ્મરણ થતું હતું. મુનિશ્રી જવાની તૈયારી કરતા હતા ત્યાં બાબુ સંતના પગમાં પડી ગયો અને સંત સામે દ્રષ્ટિ કરી. મુનિશ્રીએ બાબુને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. તેમણે બાબુના વદનને વાંચતાં કહ્યું કે, મહાનુભાવ, તું ખૂબ અશાંત દેખાય છે. બાબુ સંતના ચરણે રુદન કરવા લાગ્યો. મુનિએ તેના માથે પ્રેમથી હાથ પસારી કહ્યું, ભાઈ, તું શાંત થા અને તારી સમસ્યા શાંતિથી જણાવ.
બાબુએ કહ્યું, ગુરુજી મેં કેટલીય ચોરી કરી, શિકાર કર્યા, કેટલીક જગ્યાએ લૂંટ કરી, મારા સ્વાર્થ માટે મેં લીલાં ઝાડ કપાવ્યાં. નશો કર્યો, હું વ્યસની બની ગયો. મારા દુરાચારથી હું કુટુંબ - પરિવારથી તરછોડાયેલો રહ્યો. લૂંટફાટને કારણે મેં ઘણા દુશ્મનો વધાર્યા. મારા વેરીઓને હું મારી નાખું એવી તીવ્ર ભાવનાથી હું સળગી રહ્યો હતો. આપના આજે જે શબ્દો કાને પડયા પછી મને લાગે છે કે, મેં ઘણું જ ખોટું કર્યું. હે મહાત્મા, મને ઉપાય બતાવો. આમાંથી હું કેમ ઊગરી શકું ? હું મુંઝાઉ છું. આનો કોઈ ઉપાય ખરો ?
મુનિ કહે, હા ઉપાય છે. હું આજ્ઞાા આપું તે પાળીશ ? બાબુ કહે, હું આપ કહો તે કરીશ.
મુનિશ્રી કહે, તું એ ભાલના નપાણિયા પ્રદેશમાં શક્ય એટલાં વૃક્ષો વાવ, એ વૃક્ષોનું જતન કર, પશુ-પક્ષીને ત્યાં આશરો આપ અને તરસ્યાને પાણી પા. વેરભાવ ને વ્યસનો ત્યગી દે. બાબુએ આ પ્રદેશમાં સતત બાર વર્ષ સુધી લાખો વૃક્ષનું વાવેતર કર્યું એટલું જ નહીં, પણ તેનું જતન કર્યું. ત્યાં પશુ-પંખીને આશરો મળ્યો. પાણીની પરબો કરી. જીવદયાપ્રેમી વૃક્ષોની રખેવાળી કરનારા બાબુની ઓળખ આખા પંથકમાં બદલાઈ ગઈ. આજે પણ આ વૃક્ષ-મંદિરો વૃક્ષમિત્ર બાબુ પુરુષાર્થની સાક્ષી પૂરે છે. સંતવાણીની વર્ષા કોઈ પણ રૂક્ષ હ્ય્દયને કોમળ બનાવે, જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસતી વર્ષાનું જલબિંદુ કાલુ માછલીના મુખમાં પડવાથી મોતી બને છે, તેમ સંતવાણીરૂપ વર્ષા માત્ર જીવના અંતરાત્માને સ્પર્શે તો તેને જીવનની દિવ્ય આનંદરૂપ મોતીની પ્રાપ્તિ થાય છે. મુનિ શ્રી સંતબાલજીના અંતેવાસી ગંગારામભાઈ ઓઝા કહે છે કે, કાંતદ્રષ્ટા વિશ્વવાત્સલ્યના સંવાહક મુનિ શ્રી સંતબાલજીના જિનવચનોને કારણે આ પ્રદેશના કેટલાય લોકોની જીવનની દિશા બદલાઈ ગઈ.
પારસમણિના સ્પર્શથી લોખંડનું સુવર્ણમાં રૂપાંતરિત થઈ જાય છે, પરંતુ સંત એક એવા પારસમણિ છે, તેના સ્પર્શથી પારસમણિ જેવા સંતત્વનું અવતરણ થાય છે.








