ફેશનનો રાજમાર્ગ સર કરી રહ્યો છે રેટ્રો ટ્રેન્ડ
છેલ્લા થોડા સમયથી ચેક્સવાળી બેલબોટમ પેન્ટ, પોલકા ડોટ્સ ધરાવતાં ઝાલરવાળા ડ્રેસ, સ્ટ્રાઇપ્સ પ્રિન્ટ્સ,પ્લેટફોર્મ હિલ્સ, હાઇવેસ્ટ પેન્ટ્સ ઇત્યાદિની ફેશન પૂરબહારમાં ખીલી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રેન્ડે ૬૦ અને ૭૦ના દશકમાં ધૂમ મચાવી હતી. તેથી જ તેને રેટ્રો ફેશનના નામે ઓળખવામાં આવે છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે માત્ર બોલ્ડ યુવતીઓ જ આ ફેશનમાં રાચી શકે. આનો સીધો અર્થ એ થયો કે આધુનિક યુવતીઓ ભલે પોતાને બોલ્ડ માનતી હોય. પરંતુ તે સમયમાં પણ છોકરીઓ ઓછી બોલ્ડ નહોતી. ફેશન બાબતે તેઓ આજની યુવતીઓને પણ ટક્કર મારે એવી હતી. હા, તેમના પોશાક અંગપ્રદર્શન થાય એવા નહોતા,તોય તેમની બોલ્ડ ઇમેજ ઉડીને આંખે વળગે એવી હતી.
આપણે વિતેલા જમાનાની અભિનેત્રીઓ આશા પારેખ, માલા સિંહા, નંદા ઇત્યાદિની ફિલ્મો જોઇએ તો આપણનેે તેમણે પહેરેલા ટાઇટ ચુડીદાર-કુરતા, પ્લેટફોર્મ હિલ્સ, માથે પોલકા ડોટ્સ ધરાવતી હેરબેન્ડ કે સ્કાર્ફ, ઝાલરવાળા ડ્રેસ ઇત્યાદિ તુરંત નજરે ચડે. જ્યારે નીતુ સિંહ (હવે નીતુ કપૂર)ની બેલબોટમ પેન્ટ, હાઇવેસ્ટ પેન્ટ,પ્લેટફોર્મ હિલ્સ આંખે ઉડીને વળગે.
આજે સિનિયર સિટિઝન બનેલી મહિલાઓ જ્યારે કંગના રણૌતને પોલકા ડોટ્સવાળા મિડી, સોનમ કપૂર કે તાપસી પન્નુને બેલબોટમ પેન્ટ, અનન્યા પાંડેને અંગ્રેજી વી નેકના ઝાલરવાળા ફ્રોક, પૂજા હેગડેને માથે પોલકા ડોટ્સવાળી હેરબેન્ડ ઇત્યાદિ પહેરતાં જૂએ તો તરત જ બોલી ઉઠે કે અમે અમારી યુવાન વયમાં આ બધી ફેશન કરી છે.
અમે કોલેજમાં આવા જ ડ્રેસ અને જૂતાં પહેરતા હતાં. જો તેમની પૌત્રીઓ દાદીમાના મોઢે આવી વાત સાંભળે તો તેમને કદાચ નવાઇ લાગે, પરંતુ ફેશન ડિઝાઇનરો પણ કબૂલે છે કે હમણાં રેટ્રો ફેશન મુખ્ય ધારામાં છે. રેમ્પ વોક કરતી મોડેલો હોય, બોલીવૂડની અભિનેત્રીઓ હોય કે પછી પેજ થ્રી પાર્ટીમાં જતી માનુનીઓ હોય, બધાને રેટ્રો ફેશનનો ચસકો લાગ્યો છે. તે વખતના પોશાક બોલ્ડ છતાં છીછરાં નહોતાં. કદાચ તેથી જ ક્લિવેજ ઢાંકી દેતા આવા પોશાક ફરીથી ફેશનનો રાજમાર્ગ સર કરી રહ્યાં છે.
જોકે ફેશન ડિઝાઇનરો તરત જ ઉમેરે છે કે રેટ્રો ફેશન કરતી વખતે કેટલીક વાતો ખાસ ધ્યાનમાં રાખવી. જેમ કે જો તમે ઘેરા રંગનો પોશાક, ચેક્સવાળી હાઇવેસ્ટ પેન્ટ, કલરફુલ હેરબેન્ડ ઇત્યાદિ ધારણ કરો ત્યારે તેને સ્ટેટમેન્ટ બનાવવા મેકઅપ સાવ હળવો રાખો. તેની સાથે ડ્રેસના કલરને અનુરૂપ લિપસ્ટિક, ખુલ્લાં વાળ અને પ્લેટફોર્મ હિલ્સ પૂરતાં થઇ પડશે.તમે ચાહો તો ઝાલરવાળા ફ્રોક કે મિડી પર પેન્સિલ હિલ્સ પહેરી લો. બપોરના રેટ્રો ડ્રેસ પહેરીને બહાર નીકળવાના હો તો મોટા ગોગલ્સ ચડાવો. આટલું કરતાં જ ચોક્કસપણે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચાશે.
- વૈશાલી ઠક્કર