ક્રોસની કઠોર શિક્ષા, ઈશ્વરપુત્ર ઈસુને .

- ઈસુએ કોઈના માટે કટુ વચન ઉચ્ચાર્યા નહિ. દ્ધેષ કે ગુસ્સો કર્યો નહિ. પણ 150 કિ.ગ્રામ વજનવાળા તથા 15 ફૂટની ઊંચાઈના વધસ્તંભ પર 8 ઈંચ લાંબા ખીલાઓથી જડાયેલા ઈસુએ અંતિમ વેણ ઊચ્ચાર્યું, ''હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે, તે તેઓ જાણતા નથી.''
''વાહ જગતની બલિહારી. તેણે ઈસુ પર કર્યા ઘા કારી.'' ઈસુના માનવજીવનની સમાપ્તિ થઈ ક્રોસ પર. તેને વધસ્તંભ પણ કહેવામાં આવે છે. જેના પર ઈસુનો કારમી વધ થયો તે કઠિન વધસ્તંભ. ઈઝરાયલમાં ઈસુના જન્મ પૂર્વે ઈ.પૂ.૫૮૬થી બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આદેશ પર હકૂમત જમાવી. ત્યારથી ત્યાં વધસ્થંભની શિક્ષાનો પ્રાદુર્ભાવ થયો. તે પછીના પર્શિયન શાસકોએ પણ તે જારી રાખી. હાસ્મોનિયમ રાજા જે નિયસે ઈ.પૂ.૮૮માં એક સામટા ૮૦૦ જેટલા વિદ્રોહી યહૂદીઓને સ્થંભે જડી દીધા હતા. ઈસુના જમાનામાં અહીં રોમન સામ્રાજ્યની સત્તા હતી. તેણે તો પાર વગરના લોકોને આ શિક્ષા કરી. ધાક બેસાડવા માટે તેને ખૂબ ઉપયોગ કર્યો. ખાસ કરીને વધસ્તંભની શિક્ષા તો દંગાખોરો, વિદ્રોહીઓ, નામચીન ચોરો અને હિંસક હત્યારાઓ માટે હતી. ઈસુ બળવાખોર કે લૂંટારુ ન હતા. પણ ન્યાયનું ચક્ર ઊંધું ચલાવીને તેમને સ્થંભની શિક્ષા ફરમાવાઈ. વાસ્તવમાં એ શિક્ષા નહિ, પણ અન્યાયથી કરેલી હત્યા હતી.
ગૃહત્યાગી તથા સાંસારિક લાલસાથી અલગ થઈને ઈસુએ જ્ઞાાનમાર્ગ સમજાવ્યો. વચન તથા જીવનદ્વારા મુક્તિ, પ્રેમ અને ક્ષમાનો સદબોધ આપ્યો. અપંગોને અંગો, બીમારોને સ્વાસ્થ્ય અને મૃતકોને જીવન બક્ષ્યું, આવી સેવા વડે વધેલી ઈસુની લોકપ્રિયતા કહેવાતા પૂરોહિતો તથા ધર્મધુરંધરો જીરવી શક્યા નહિ. તેઓએ તથા આપખુદ પ્રશાસકોએ ઈસુને ગુનેગાર ઠરાવ્યા. વડા ધર્માધ્યક્ષ કાયાફા તથા તત્કાલીન ગવર્નર પીલાતે પણ લોકોના ભયથી ગભરાઈને ઈસુને દોષિત ઠરાવવામાં કશું બાકી રાખ્યું નહિ. રાજ્યપાલ પીલાતે આ ઠરાવ પર મુદ્રા મારી.
પણ માનવદુ:ખભંજક ઈસુ તો ઈશ્વરનો અવતાર હતા. તેમણે કોઈના માટે કટુ વચન ઉચ્ચાર્યા નહિ. દ્ધેષ કે ગુસ્સો કર્યો નહિ. પણ ૧૫૦ કિ.ગ્રામ વજનવાળા તથા ૧૫ ફૂટની ઊંચાઈના વધસ્તંભ પર ૮ ઈંચ લાંબા ખીલાઓથી જડાયેલા ઈસુએ તો અંતિમ વેણ ઊચ્ચાર્યું, ''હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરે છે, તે તેઓ જાણતા નથી.'' એ જમાનાનો કારમો ક્રોસ આજે તો ઈસુના પ્રેમ, દયા તથા માનવજાત માટેના તેમના બલિદાનનું કેન્દ્ર અને પ્રતીક બની રહેલો છે.
- ડૉ. સુરેન્દ્ર આસ્થાવાદી








