જાપાનીઝ ફૂદીના 'મેન્થા'નું દેશમાં વધતું ચલણ
મેન્થા એ જાપાનીઝ ફૂદીના તરીકે ઓળખાય છે કારણ કે મેન્થાનું ઉદભવસ્થાન જાપાન છે. આ પાકની વાવણી આર્જેન્ટીના, બ્રાઝીલ અને ચીનમાં અને તે પછી જાપાન અને ત્યાર બાદ ભારતમાં પણ શરૂ થઇ હતી. આ પાકમાંથી લેવામાં આવતુ તેલ અને તેના પદાર્થોનો વ્યાપારી ધોરણે ખોરાક, ફાર્માસ્યુટિકલ અને કોસ્મેટિક્સ ઉદ્યોગોમાં થાય છે. મેન્થોલ મેન્થા તેલમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, તેમજ ટૂથપેસ્ટ, ટૂથપાવડર, ચાવવાની તમાકુ, કોન્ફેક્શરી, માઉથ ફ્રેશનર્સ, ચ્યુઇંગ ગમ અને કેન્ડી, તમાકુ ઉદ્યોગોમાં વપરાશમાં લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કુલ મેન્થા ઓઇલ વપરાશમાંથી આશરે ૪૦ ટકા વપરાશ તમાકુ ઉદ્યોગમાં અને ત્યાર બાદ ફાર્મસી અને કન્ફેક્શનરી ઉદ્યોગમાં થાય છે.
વૈશ્વિકસ્તરે ભારત વૈશ્વિક મેન્થા તેલના ઉત્પાદન અને નિકાસમાં ટોચનું સ્થાનધરાવે છે. કુલ ઉત્પાદિત થતા મેન્થા તેલમાંથી આશરે ૭૩ ટકા હિસ્સો ભારતનો છે, ત્યાર બાદ ચીન (૧૮ ટકા) અન્ય દેશોનો હિસ્સો ૭ ટકા છે. કુલ વૈશ્વિક વપરાશ સામે ભારતનો વપરાશ આશરે ૪૦ ટકા હોવાનું મનાય છે અને ત્યાર બાદ ચીન, યુરોપ અને યુએસએનો નંબર આવે છે. છેલ્લાં બે દાયકામાં ભારતમાં મેન્થા તેલનો વપરાશ વધ્યો છે, તેનું મુખ્ય કારણ ભારતની સતત ઔદ્યોગિક વિકાસ છે, તેની સાથે તમાકુ પેદાશોના વપરાશમાં થયેલો વધારો પણ જવાબદાર છે. મેન્થા તેલના મુખ્ય આયાતકારોમાં ચીન, આર્જેન્ટીના, બ્રાઝીલ, અમેરિકા, ફ્રાંસ, જાપાન અને યુકે વગેરેનો સમાવેશ થાય છે. ચીન મોટે ભાગે લેવાલ છે, પરંતુ અન્ય દેશો પણ મેન્થાની પાવડર અને ક્રિસ્ટલ સ્વરૂપે મેન્થાની આયાત કરે છે. ભારત મેન્થા તેલનો અગ્રણી ઉત્પાદક દેશ છે અ ૮૦-૮૫ ટકા હિસ્સો ધરાવે છે. અન્ય મોટા ઉત્પાદક દેશોમાં ચીન, બ્રાઝીલ, અમેરિકા અને જાપાનનો સમાવેશ થાય છે.
વ્યાપાર સૂત્રોના અનુસાર ભારતે ચાલુ વર્ષે ૫૫૦૦૦થી ૬૦૦૦૦ ટન મેન્થા તેલનું ઉત્પાદન કરશે તેમ મનાય છે. પાછલા વર્ષે ઉત્પાદન ૫૦૦૦૦થી ૫૫૦૦૦ની ટનની વચ્ચે હતું. ભારત દર વર્ષે ૭૦ ટકા નિકાસ ૧૧૪થી વધુ દેશોમાં કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે ૨૦૨૦-૨૧માં એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ૧૯૯.૮૪ મિલિયન ડોલર્સની નિકાસ કરી હતી. જ્યારે વોલ્યુમોની દ્રષ્ટિએ ૧૨,૬૦૦ મેટ્રિક ટન થવા જાય છે.
ભારતમાં અગ્રણી ઉત્પાદક રાજ્યોમાં ઉત્તરપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે. જ્યારે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને પંજાબ ઓછું યોગદાન આપે છે. મેન્થા તેલને ડિસ્ટીલ્ડ સ્વરૂપમાં ખેડૂતો/ઉત્પાદકો દ્વારા ટ્રેડિંગ કેન્દ્ર સુધી લાવવામાં આવે છે અને કમિશન એજન્ટોને વેચવામાં આવે છે. વધુમાં પાકની કિંમતમાં થયેલો વધારો તેમજ મેન્થા તેલના પ્રોસેસિંગ કેન્દ્રોની થયેલી સ્થાપનાને કારણે ખેડૂતોને મેન્થાનોપાક વધુને વધુ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડયુ છે. ઉત્તરપ્રદેશમાં મેન્થાના કુલ ઉત્પાદનમાં ૮૦-૯૦ ટકાનું યોગદાન આપે છે.
છેલ્લાં ચાર વર્ષમાં ફુદીના ઉદ્યોગ માટે મેન્થા તેલે સુવર્ણયુગનો અનુભવ કર્યો છે. આ વર્ષોમાં કિંમતમાં નોધપાત્ર વધારો થયો છે, જેના કારણે સ્ટોકિસ્ટો અને ભારતીય ખેડૂતોને સુંદર રિટર્ન આપ્યું છે. ચંડૌસી માર્કેટમાં મેન્થાના હાજર ભાવ હાલમા કિલોદીઠ રૂ.૧૦૫૫-૧૦૬૦ છે જે ભૂતકાળના ભાવને જોતા અત્યંત નીચા સ્તરે છે.
હાલમાં વાયદા બજાર રેન્જ બાઉન્ડ છે પરંતુ એક વખત લોકડાઉન અને સરહદી વેપાર પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે તે પછી ટ્રેડ વોલ્યુમ્સમાં વધારો થશે અને આમ લાંબા ગાળે સારા ભાવ મળવાની આશા સેવાઇ રહી છે.