Magazines

વિશ્વની મહાન શક્તિ - કુદરત .

By GS TEAM
29 Apr 20262 mins read
વિશ્વની મહાન શક્તિ - કુદરત                                   .

માનવી ભલે આકાશને આંબી શકતો હોય, ચંદ્રની ધરતી પર ફરતો હોય કે તમામ ગ્રહોની પ્રદક્ષિણા કરતો હોય, આકાશના તારા તોડી શકતો હોય, ધરતી પર સ્વર્ગનું સર્જન કરતો હોય તો પણ કુદરત આગળ ઘણો વામણો કહેવાય છે. ઘડીના છઠ્ઠા ભાગમાં પૃથ્વી પર પાણી અને પાણીમાં પૃથ્વી કરી દેનાર કુદરત સામે પામર માનવીના કેટલા ટકા ? આપણે એક થપાટ મારીએ અને અસંખ્ય મચ્છરો મરી જાય છે તેમ કુદરતની એક થપાટમાં શક્તિશાળી અસંખ્ય માનવીઓ મચ્છરની જેમ મરી જાય છે.

કાળના સપાટા આગળ આપણે કમજોર છીએ. કુદરત સામે કલેક્ટરનો પાવર કે ડીએસપીની રાઈફલ કામ લાગતી નથી. આપણે તો સમય અને સંજોગોના ઇશારે નાચતાં રમકડાં છીએ. કુદરતને ઓળખનાર અને કુદરત સાથે ચાલનાર માનવીને દુ:ખ ઘણા સહન કરવા પડશે. આ નિયમ છે આ કારણ હજુ મળ્યું નથી. સમય અને સંજોગો પ્રમાણે માનવીએ સ્વભાવ બદલવો જોઈએ. કુદરતની વિરૂદ્ધ ન જવું એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શાંત, નિર્મળ અને નમ્ર સ્વભાવના માનવીને શોધવો પડે છે. તેમના દ્વારા જગતનું સમતોલન સચવાઈ રહ્યું છે. માનવીને સાચો રાહ, સમજણ અને જ્ઞાન આપનાર માનવી જ છે. તેમનું આચરણ, વિચાર, વાણી, વર્તન એક સરખું છે. તેઓ પૂજનીય છે. જ્ઞાની છે તત્વજ્ઞાની છે તેઓ સાચા સંત, સૂફી, પયગંબર છે. સમયાંતરે અનીતિ, અધર્મ અને દૂષણો વધી જાય છે ત્યારે કુદરત એકાદ ફરિશ્તાને કે મહામાનવને પૃથ્વી પર મોકલી આપે છે. તે માનવ ઉત્થાન, ધર્મસ્થાપન અને પરમાર્થના કાર્ય કરી ધર્મ અને અધર્મના પલ્લાંને સરખાં કરે છે. સમતોલ રાખે છે.

ધર્મ સામે અધર્મ, નીતિ સાથે અનીતિ, સત્ય-અસત્ય અને હિંસા સાથે અહિંસા હોય જ છે. બેમાંથી એક વધી જાય તો જગતનો વહેવાર બગડે છે. સંસારચક્રને સરળ અને નિયમિત બનાવવા કુદરત હંમેશા સજાગ રહે છે.

- ભગુભાઈ ભીમડા