'દેવી હ્વેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે, માયાએતાં તરન્તિ તે'

- જેવી રીતે રણમાં જળનો આભાસ થાય છે, પણ પાણી ત્યાં હોતું નથી એમ આ સંસારનું સુખ ઝાંઝવાના જળસમાન ગણવું
ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુનને કહે છે આ અલૌકિક અદ્ભુત, ત્રિગુણમયી મારી માયાને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ મને જે નિરંતર ભજે છે, તે આ માયાને પાર કરી જાય છે. ભગવાનની આ ત્રણ ગુણ સત્વ, રજ અને તમ્ એવી ત્રિગુણી માયાને તરવી કઠિન કહી છે.
કારણ ! આ માયામાં ભલભલા ફસાઈ જાય છે, મોટા મોટા સિદ્ધો, ભિક્ષુઓ, જ્ઞાનીને પણ આ માયા છોડતી નથી. 'સમજવી કઠીન છે, આ સંસારની માયા.' તેને જાણી શકવાનું, સમજી શકવાનું અને તેમાંથી પાર થવાનું અતિશય કઠીન છે. તો ભલભલા જેમાં ભુલા પડી જાય છે તેવી ભગવાનની આ માયા છે, શું? સંત તુલસીદાસ કહે છે 'મેં અરૂ મોર, તોર તે માયા, જિન્હે બશ કીજે જીવ નિકાયા'. અર્થાત્, 'હું અને મારું' એ જ માયા. આ 'હું અને મારું' મટી જાય તો જીવ માયાથી પર થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ 'વચનામૃત'માં કહે છે. 'દેહમાં અહમ્બુદ્ધિ' થવી અને જડ પદાર્થમાં મમત્વબુદ્ધિ થવી એ જ માયા. જ્ઞાનીજનોએ આ સંસારને માયાવી કહ્યો છે. કારણ? અહીં કશું સ્થિર નથી. પ્રત્યેક ચીજ, અહીં નિરંતર પરિવર્તિત થઈ રહી છે. જે આજે છે, તે કાલે નહિ રહે. અહીં બધું જ ક્ષણભંગુર છે. 'પાનીકેરા બુદબુદા અસ માનસકી જાત' અહીં માણસ એક દિવસ જન્મે છે, અને એક દિવસ મૃત્યુ પામે છે. બધું જ ક્ષણભંગુર, પાણીના પરપોટા સમાન, 'જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ' જેનો જન્મ છે. તેનું મૃત્યુ પણ નિશ્ચિત્ત.
સત્વ, રજ અને તમ્, પ્રકૃતિના આ ત્રણ ગુણ, સમસ્ત પ્રાણી જગત, ત્રણ ગુણોનું મિશ્રણ છે. આ ત્રણ ગુણોનું પ્રમાણ બધામાં એક સરખું હોતું નથી. બધામાં અલગ અલગ રહેલું છે. કોકમાં સત્વ ગુણ વળી કોઈકમાં રજોગુણ, કોઈકમાં તમોગુણનું પ્રધાનપણું રહેલું હોય છે અને આ ગુણને આધારે વ્યક્તિ આ સંસારને પોતાની નજરે જુએ છે તે મુજબ તેમનું જીવન હોય છે. તમોગુણી વ્યક્તિના જીવનમાં જડતા હોય છે તેના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે. રજોગુણી વ્યક્તિનાં જીવનમાં વાસના, તરહ તરહની ઇચ્છાઓ હોય છે. તેને પામવા તે ભટકતો રહે છે. જ્યારે 'સત્વગુણી' વ્યક્તિ, જ્ઞાની હોય છે. સદ્બુદ્ધિ, દયા, દાન, ઉપકારની વૃત્તિ, તેનામાં હોય છે. જેથી તેઓ 'આત્મકલ્યાણ' વિષે વિચારી શકે છે. માયારૂપી આ સંસાર વ્યક્તિને કેવળ ભ્રમિત કરે છે. સુખ પામવા જાતજાતના પ્રલોભનોમાં અટવાય છે.
- ધનજીભાઈ નડીઆપરા








