શિવ-પૂજાના મહાપર્વ 'શ્રાવણ'નો મહિમા .

શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિભૂતિયોગ (૧૦/૨૩)માં ભગવાન શ્રીકૃષ્ણે ''રૂદ્રાણાંશંકરી અસ્મિ'' એમ કહીને શંકર ભગવાનને પોતાના વિભૂતિ કહ્યા છે.
ઋગ્વેદમાં ''રુદ્ર'' શબ્દનો ઉલ્લેખ અનેક સૂકતો અને મંત્રોમાં થયો છે. ઇન્દ્રની જેમ રુદ્રદેવને પણ મરુત અને ઝંઝાવાતના ''પ્રેરકદેવ'' માનવામાં આવ્યા છે.
યદુવૈદમાં રુદ્રની પ્રચંડશક્તિનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન રુદ્રની વિનાશકારી શક્તિનું દ્યોતક છે.
ઉપનિષદોમાં રુદ્રને સ્પષ્ટપણે બ્રહ્માથી અભિન્ન માનવામાં આવ્યા છે.
આમ પ્રાચીનકાળથી આપણે ત્યાં રુદ્રને ''રાષ્ટ્રદેવ'' તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
એક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે શિવલિંગ પૂજા એ ભારત સિવાયના દૂરના દેશોમાં પણ પ્રાચીનકાળથી થતી આવી છે. રોમ દેશમાં રોમન લોકો ''પ્રિયેપસ'' નામથી શિવની ઉપાસના કરતા હતા. યુનાન દેશમાં ''ફલ્લુસ'' નામે શિવપુજા થતી. મિસર દેશમાં ''ઇશી'' નામે આ પૂજા થતી.
સિંધુ સંસ્કૃતિમાં શિવલિંગ પૂજા થતી એમ ત્યાંની સંસ્કૃતિના ગ્રંથો દ્વારા જાણવા મળે છે. ''હડપ્પા'' અને 'મોહેન-જો-દડો''ની ખોદાઇમાંથી પ્રાચીનકાળના શિવલિંગો નીકળ્યા છે. જે આજે પણ સંગ્રહસ્થાનોમાં સાચવવામાં આવ્યા છે. આમ આ બધા પ્રમાણો દ્વારા શિવપૂજાની પ્રાચીનતા જાણી શકાય છે.
શિવલિંગની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે શિવપૂરાણમાં જણાવ્યું છે કે જે જે સ્થળે ''ભગવાન શંકરની દિવ્ય જ્યોતિનું સ્થાપન થયું છે તે તે સ્થળે આવેલા શિવલિંગને જ્યોતિર્લિંગ'' તરીકે ઓળખવામાં આવે છે.
''લિંગપુરાણ''માં કથા આવે છે કે એક વખત ''પરમેશ્વર'' કોણ એવો વિવાદ બ્રહ્મા અને વિષ્ણુના સાનિધ્યમાં ઉભો થયો ત્યારે બન્ને પોતપોતાને ઇશ્વર માનવા લાગ્યા. તેમાંથી થોડો કલહ પણ થયો. એવામાં તેઓ બન્નેની વચ્ચે એક, અતિ પ્રકાશિત એવું ''જ્યોતિર્લિંગ'' પ્રગટ થયું. એ જોઇ બન્નેએ સમાધાન કર્યું કે આ લિંગના છેડાનો જે સ્પર્શ કરે તે પરમેશ્વર. બ્રહ્માએ હંસનું રૂપધારણ કર્યું અને વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કરી લિંગની નીચે પ્રવેશ કર્યો. બન્નેએ હજારો વર્ષ પર્યટન કર્યું પણ નિષ્ફળતા મળી ત્યારે છેવટે ઁકારનો નાદ સંભળાયો અને શિવદર્શન થયા અને બન્નેને સમાધાન મળી ગયું કે શિવ એ જ મહાદેવ છે.
કેટલેક સ્થળે શિવજીની મૂર્તિનું પણ પૂજન થાય છે અને કેટલેક સ્થળે શિવલિંગનું પણ પૂજન થાય છે. ગરુડપુરાણ અને શિવપુરાણમાં શિવલિંગના વિવિધ ભેદ જણાવ્યા છે તેમ તે પાષાણનું કહેતા પથ્થરનું, સ્ફટીક લિંગ, ચંદનલિંગ, પુષ્પલિંગ, યવ-ગોધુમલિંગ, રત્તલેટ તરફ હોય છે. માટીનું લિંગ, પારંદ (પારાનું લિંગ) લિંગ, વાલુકા કહેતા રેતીનું લિંગ જેના પરથી વાલકેશ્વર વિસ્તારનું નામ પડયું છે. બરફનું લિંગ (અમરનાથમાં છે) સોનાનું લિંગ રજત અને અન્ય ધાતુનું લિંગ આમ વિવિધ લિંગોની પૂજા થાય છે.
લિંગના મુખ્યત્વે બે પ્રકાર કહ્યા છે. ''ચલ'' અને ''અચલ'' જ્યોતિર્લિંગની સંખ્યા ૧૨ ગણવામાં આવે છે. આમ એક યા બીજા સ્વરૂપે શિવ-પાર્વતીનું પૂજન કરવામાં આવે છે.
પ્રાચીન સમયની એક કથા મુજબ કહેવાય છે કે એક દિવસ કૈલાસ પર્વત પર એક વિશાળ શિલા પર શિવજી તથા પાર્વતીજી વિનોદ ખાતર પાસાઓથી રમી રહ્યા હતા. ક્યારેક પાર્વતીજીના પાસા પોબાર પડતા તો ક્યારેક મહાદેવજીના. રમત ઘણી લાંબી ચાલી.
હવે રમતનો અંત લાવવાનો હતો. પણ હાર-જીતનો નિર્ણય કેમ કરવો? કોણ ક્યારે જીતે એ કહી શકાય તેમ નહોતું. આમ છતાં પાર્વતીજી ઘણાં આગળ હતા. જીતવાના એંધાણ પૂરેપૂરા હતા. એવામાં મહાદેવજીએ રમત ઉલાળી અને કહી દીધું, ''દેવી, આ રમતમાં તમે હાર્યા. પાર્વતીજી એકદમ ચોંકી ઉઠયાં. અરે, આમ એકાએક નિર્ણય કેમ આવી ગયો? હજુ રમત અધૂરી છે. મહાદેવજી હારવાની અણી પર છે. અને મને કેવી રીતે કહી શકે કે તમે હાર્યા છો?'' એમ વિચારી તેમણે પણ સામે દલીલ કરી, ''નહીં તમે હાર્યા છો.''
બન્નેનો વિવાદ લાંબો ચાલ્યો. મહાદેવજી પણ ઢીલું મૂકતા નહોતા. તેઓ લીલા કરતા હોય કે ગમે તે હોય, તેમણે તો કહ્યા જ કર્યું તમે જ હાર્યા, તમે જ હાર્યા! પાર્વતીજી પણ મક્કમ રહ્યા.
આ આખી રમત સામેના શિખર પર બેઠેલો ચિત્રનેમી નામનો એક ગંધર્વ જોતો હતો. મહાદેવજીએ તેના તરફ અંગૂલિનિર્દેશ કર્યો અને પાસે બોલાવ્યો. તેના ખભે હાથ મૂકીને મહાદેવજીએ કહ્યું, ''સાચું કહે તું ક્યારનો અમને જોતો હતો. આખી રમત તે જોઇ છે, હવે તું જ કહે કે આમાં મારી જીત થઇ કે પાર્વતીની? હાર-જીતની નિર્ણય હું આપી શકે તેમ છે.''
મહાદેવની બીકથી કે અન્ય કોઇ કારણથી તે ગંધર્વ અસત્ય બોલ્યો, ''પાર્વતીજી હાર્યા છે, મહાદેવજી જીત્યા છે.''
પાર્વતીજીથી આ અસત્ય ન જીરવાયું. તેમને થયું આ ગંધર્વ કેવો અન્યાયી છે! પાખંડી છે. નજરોનજર બધું જોયું. મારી જીત થઇ તેની તેણે ખાતરી કરી છે છતાં અત્યારે જુઠું બોલ્યો.
પાર્વતીજીને ક્રોધ ઉપજ્યો. કડવા વેણ સંભળાવ્યા અને શાપ પણ દીધો. હવે ચિત્રનેમીની આંખ ઉઘડી. તેને થયું કે આ મેં ખોટું કર્યું. હાથે કરીને દેવીનો કોપ વહોરી લીધો. મારી મુક્તિ ક્યારે થશે? તેણે પાર્વતીજીની માફી માગી પરિણામે પાર્વતીજીને દયા આવી. તેમણે કહ્યું, જે વખતે પૃથ્વી પર રહેલા એક સુંદર સરોવર પર તું ફરતો હોઇશ, તે વેળા સ્વર્ગની અપ્સરાઓને ત્યાં આવેલી જોઇશ. એમને જોતાંવેંત તુ શાપ રહિત થઇશ.'' દેવીના શાપથી તે પૃથ્વી પર પડયો. પછી ઘણા વર્ષો સુધી તે કૃષ્ણાનંત નામના સરોવર પર કાળો ભીલ જેવો થઇને રહ્યો. એક સમયે સ્વર્ગની અપ્સરાઓ તેને દેખાઇ. તેણે પૂછ્યું, ''હે દેવીઓ, તમે કોના પૂજન માટે અહીં આવ્યા છો? તેનાથી કયું ફળ મળે?''
અપ્સરાઓએ કહ્યું, ''અમે આ લોકમાં તથા પરલોકમાં ઇષ્ટ સિદ્ધિ થાય તે માટે શિવપાર્વતીના સ્વરૂપનું પૂજન કરીએ છીએ. શિવલિંગનું પૂજન કરીએ છીએ. એમાં શિવજીની શક્તિનો અવિર્ભાવ થયો છે તેમ માનીએ છીએ.'' શિવ અને પાર્વતીને જગતના માતા-પિતા સમાન ગણવામાં આવ્યા છે. એમનું એક યા બીજા સ્વરૂપે પૂજન સર્વ પ્રકારે સ્વીકારાયું છે. સાચા અર્થમાં શિવો ભૂત્વા શિવ યજેત શિવ થઇને શિવની ઉપાસના કરવી જોઇએ. એવા બનવાની પ્રેરણા એમના ત્યાગ, વૈરાગ્ય, બળ, નિસ્પૃહીપણું વગેરે ગુણો વિચારવાથી જ મળે છે.
શિવ ઉપાસનાનું સૌથી પ્રાચીનરૂપ ''લિંગપૂજા'' ગણાયું છે. ઋગ્વેદના મત પ્રમાણે લિંગ, શબલિંગ જાણવું. એ ધાતુ પરથી આવેલો છે. લિંગ એટલે જ્ઞાાન, આત્મજ્ઞાાન અથવા પરમેશ્વર જ્ઞાાન એવો કરવામાં આવ્યો છે. અગ્નિપુરાણ, લિંગપુરાણ, કર્મપુરાણલિંગ એટલે પરબ્રહ્મનું મૂર્ત સ્વરૂપ કહ્યું છે.








