ઉદ્ધારનો મહિમા .

આપણાં જીવનમાં સુખ દુ:ખ હંમેશા આવ્યાં કરતાં હોય છે. માનવ જીવન જ દુ:ખ પ્રધાન તથા સુખ અલ્પ થકી ભરેલું છે. જીવનમાં ઘોર નિરાશા, હતાશા કે લાંબી અને ગંભીર બીમારી સમયે માણસ જ્યારે કંટાળી જાય છે ત્યારે બોલી ઉઠે છે, ''હે ભગવાન હવે મારો ઉદ્ધાર થાય તો સારૃં.'' આપણાં જીવનમાં ઉદ્ધારનો મહિમા જાણવા તથા સમજવા જેવો છે. રામાયણ કાળમાં પ્રભુશ્રી રામે પોતાનાં ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર કરેલો. નિર્જીવ પથ્થરની જેમ સ્થિર પડી રહેલ અહલ્યાને પુન:જીવન મળેલું. આ સિવાય શબરી, કેવટ તથા છેવાડાના માનવીઓનો ઉદ્ધાર રામજીએ કર્યો હતો. પ્રભુ યુગે યુગે અવતાર ધારણ કરે છે તેની પાછળ પણ આવો જ હેતુ રહેલો છે. સાધુઓનાં પરિત્રાણ તથા રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ અર્થે, ધર્મની સંસ્થાપના કરવા માટે ઈશ્વર અવતાર ધારણ કરીને સજીવોનો ઉદ્ધાર કરે છે.
આપણાં વિવિધ સ્તોત્રો તથા પ્રાર્થનાઓમાં પણ ઉદ્ધારની વાતો આવે છે. રામરક્ષા સ્તોત્રમાં ભો રામ મામુદ્ધર જેવા શબ્દો આવે છે.
પ્રભુશ્રી રામ તથા લક્ષ્મણે હવનમાં હાડકાં નાખતા રાક્ષસોનો વધ અને નાશ કરીને ઋષિઓનો ઉદ્ધાર કરેલો અને રાક્ષસોના ત્રાસમાંથી તેમને મુક્તિ અપાવેલી. કૃષ્ણાવતારમાં દ્રૌપદીનાં ચીર હરણ સમયે દ્રોપદીનાં ચીર પુરી તેની લાજ બચાવીને ઉદ્ધાર કરેલો મહારાષ્ટ્રનાં આજનાં કોલ્હાપુર નગરમાં કોલાસુર નામના રાક્ષસનો માતા લક્ષ્મીએ વધ કરેલો. કોલાસુરની અંતિમ ઈચ્છા પ્રમાણે કોલાસુરનાં નામની યાદમાં નગરનું નામ કોલાસુર પડેલું જે પાછળથી કોલ્હાપુરથી ઓળખાયું.
માતાજીની એક જાણીતી સ્તુતિના શબ્દો છે. : ''જય દેવી (૨) મામિહ જનનિ સમુદ્ધર પતિતંભવ કૂપે'' અર્થાત્ હે માતા ભવ રૂપી કુવામાંથી મારો ઉદ્ધાર કર. મને ભવબંધનથી છોડાવ. શ્રમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૬ઠ્ઠાનો પાંચમો શ્લોક છે. ''ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્'' એટલે કે પોતાના વડે પોતાના સંસાર સાગરથી ઉદ્ધાર કર અને પોતાને અધોગતિમાં ન નાખ. કારણ માણસ પોતે જ પોતાનો શત્રુ તથા પોતાનો મિત્ર છે. તેથી જ કહ્યું છે આપ દીપો ભવ, તું તારો દીવો થા. પોતાના ઉદ્ધાર માટે માણસે અથાગ પ્રયાસો કરવા જોઈએ.
આપણે ત્યાં ગજેન્દ્ર મોક્ષની એક ખુબ જ જાણીતી કથા છે. તળાવમાં એક મગર હાથીનો પગ પકડી રાખે છે, તેને છોડતો નથી. હાથી તેના પગને પોતાની તરફ ખેંચે છે. તો મગર હાથના પગને તળાવ તરફ ખેંચે છે બન્નેના ગજ ગ્રાહમાં છેવટે હાથી કંટાળીને પોતાની મુક્તિ કે ઉદ્ધાર માટે શ્રી કૃષ્ણને પ્રાર્થના તથા વિનંતી કરે છે અને પ્રભુ તે સાંભળીને ગજરાજને મુક્ત કરાવે છે અહીં ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર છે. પૌરાણિક કથાઓ પ્રમાણે દેવતાઓએ પણ ઘણીવાર પોતાનાં દુ:ખ કે રાક્ષસોના ત્રાસથી બચવા બ્રહ્માજી કે અન્ય દેવી દેવતાઓને વિનંતી કરેલી.
આપણે ત્યાં સ્વર્ગસ્થ વડીલોની મુક્ત કે ઉદ્ધાર માટે તર્પણ, શ્રાદ્ધ કે અન્ય વિધિઓ કરવામાં આવે છે. કાશીમાં જો મૃત્યુ થાય તો તે જીવને મોક્ષ મળે છે કે જન્મ મરણના ફેરામાંથી ઉદ્ધાર થઈ જાય છે.
જાણીતા લેખક સ્વ પૃથુલાલ હ. શુકલના શબ્દો છે. ગંગાનું પતન અને જગતનો ઉદ્ધાર કોણ કહે છે કે પતન એ પાપ છે ? ગંગાજીનાં અવતરણથી ભારતના લોકોનો ઉદ્ધાર થયો છે.
આપણે ત્યાં ઘણી નદીઓ, તીર્થો કે મંદિરોની ધજાનાં દર્શન માત્રથી જીવનો ઉદ્ધાર થઈ જાય છે.
આમ, ઉદ્ધાર ઉછરંગ લાવે છે. ભગવાન પણ ઉદ્દામવાદીના ત્રાસથી લોકો કે ભક્તોનો ઉદ્ધાર કરે છે. લોકોનાં કલ્યાણ માટે, ઉદ્ધાર માટે તથા આતતાયીઓના ત્રાસથી બચાવવા માટે આ જગતમાં પ્રભુ અવતાર ધારણ કરતાં રહે છે. ભક્ત પણ પાહિમામ, પાહિમામની પ્રાર્થના કરે છે.
માનવ જીવનમાં ઉદ્ધાર થકી ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. આવો, આપણે પણ આપણા આત્માનાં કલ્યાણ તથા આપણા દુ:ખોની મુક્તિ માટે પ્રભુને વિનંતી તથા પ્રાર્થના કરીએ, તે જ આજના સમયની માંગ છે. હરિ ઓમ.
- ભરત અંજારિયા








