Magazines

તપનો મહિમા અને પાર્વતી માતાજીની તપસ્યા

By GS TEAM
30 Jul 20254 mins read
તપનો મહિમા અને પાર્વતી માતાજીની તપસ્યા

શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા એ શિવ મહાપુરાણનું હૃદય છે. જેમાં મહાદેવજીના સગુણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન સદાશિવના વિવાહ સતી સાથે થયાં એ જ સતી પાર્વતી માતાજી સ્વરૂપે હિમાચલ મહારાજને ત્યાં પ્રગટ થયાં. જ્યારે પાર્વતી માતાજીનું પ્રાગટય થયું તે સમયે દેવર્ષિ નારદજીએ હિમાચલ મહારાજ અને મૈના દેવીને કહ્યું કે, 'તમારી દિકરી યુગે-યુગે પુજાશે અને ઉમા, અંબિકા આ સ્વરૂપે પ્રગટી જગતનું કલ્યાણ કરશે. પણ તમારી દિકરીને જે પતિ મળશે એ પતિ એવો હશે કે જેને માતા-પિતા નહિં હોય, જે અગુણ હશે, ઉદાસીન હશે.' પણ, દેવર્ષિ નારદજીએ કહ્યું કે, -મેં જે ગુણો વર્ણવ્યા છે એ ભગવાન શિવજીની અંદર છે. તમારી દિકરી જો તપ કરશે તો એમને મહાદેવજી પતિના રૂપમાં પ્રાપ્ત થશે.' દેવર્ષિ નારદજી વિદાય થયાં. એ પછી પાર્વતી માતાજીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં બ્રાહ્મણે તપનો મહિમા પ્રગટ કર્યો. પાર્વતી માતાજીને બ્રાહ્મણે કહ્યું કે, 'આ શ્રૃષ્ટિ એ તપ આધારિત છે. બ્રહ્માજી તપના પ્રભાવથી શ્રૃષ્ટિનું સર્જન કરે છે, તપના પ્રભાવથી જ ભગવાન વિષ્ણુ શ્રૃષ્ટિનું પાલન કરે છે અને તપના પ્રભાવથી જ મહાદેવજી સંહારનું કાર્ય સંભાળે છે માટે તમે પણ તપસ્યા કરવા જાવ.' આ કથા પ્રસંગ છે. પણ, આજના સંદર્ભમાં જો તપનો અર્થ સમજીએ તો ગીતાજીમાં ભગવાને કહ્યું કે, 'સ્વાધ્યાય કરવો એ તપસ્યા.' સ્વાધ્યાય એટલે વ્યક્તિ જે ક્ષેત્રમાં કાર્ય કરતો હોય એમાં ઉંડાણ પુર્વક અભ્યાસ કરી પોતાના કાર્ય દ્વારા સંતોષ આપે એ પણ તપ છે. પછી વાણીનું તપ. આપણે આપણી વાણી ઉપર સંયમ રાખીએ એ પણ તપસ્યા છે. અહિંસા, વાણીથી પણ કોઈની હિંસા ન કરીએ એ તપસ્યા છે. આવી રીતનું આપણે જીવન જીવીશું તો જ આપણે શાસ્ત્રોને જાણ્યા કહેવાશે અને તોજ આપણે ખરા અર્થમાં તપસ્વી બની શકીશું. 

મહાદેવજીને મેળવવા માટે પાર્વતી માતાજીએ પાંચ હજાર વર્ષ સુધી તપસ્યા કરી. એ પછી મહાદેવજીએ માતાજીનો સ્વીકાર કર્યો. આપણે ત્યાં પ્રાચિન લગ્ન ગીતોમાં પંક્તિ છે કે, 'પાર્વતીએ તપ કર્યાં ત્યારે શંકર સરખા સ્વામિ મળ્યાં; આ વર કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો.' આ સમગ્ર જગત શિવ અને શક્તિમય છે. પુરુષ શિવ છે તો પ્રકૃતિ શિવા છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે નવદંપતીને આપણે લક્ષ્મી-નારાયણ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. લગ્ન મંડપમાં જ્યારે વર આવે છે ત્યારે વર એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને આપણી દિકરી લક્ષ્મી સ્વરૂપા છે. પણ, એ લગ્ન વિધિમાં જ્યારે અખંડ સૌભાગ્યવતીની વિધિ આવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે, 'ઉમા-મહેશ્વરનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થાય. અર્થાત્ ઉમા-મહેશ્વર જેવું દિવ્ય સુગંધિત દાંપત્ય તમારું રહે.'

આ પ્રસંગના મૂળમાં પાર્વતી માતાજીની તપસ્યા છે. તપ દ્વારા એમણે મહાદેવજીને મેળવ્યાં અને એક આધ્યાત્મિક અર્થ એ પણ થઈ શકે કે, કોઈપણ વ્યક્તિ કર્મ કરે તો તેનું ફળ આજે નહિં તો કાલે એને પ્રાપ્ત થાય જ; એ પણ આ પ્રસંગનો આધ્યાત્મિક અર્થ છે. પાર્વતી માતાજીએ જ્યારે તપસ્યા કરી ત્યારે અન્ન-જળ-ફળ બધાયનો ત્યાગ કર્યો. માતાજીનું નામ અપર્ણા પડયું. માતાજીનું તપ જોઈ ભગવાન નારાયણે પાર્વતી માતાજીને કહ્યું કે, 'તમારો મનોરથ પૂર્ણ થશે. તમને ભગવાન શિવ પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા પિતાજી જ્યારે બોલાવે ત્યારે તમે ઘરે પધારજો.' 

માતાજીનું નામ છે શૈલપુત્રી. શૈલ એટલે શ્રદ્ધા. આપણી અંદર જે શ્રદ્ધા છે એ પાર્વતી માતાજીનું સ્વરૂપ છે અને વિશ્વાસ એ મહાદેવજીનું સ્વરૂપ છે. એ શ્રદ્ધા-વિશ્વાસને ટકાવી ભગવત પરાયણ બનીએ એ જ અભ્યર્થના...!

માતા પિતા પ્રત્યે સદાય લાગણી રાખજો

- માતા પિતાના આશિર્વાદ એજ સંતાનોની સાચી મૂડી છે.

- તારો જન્મ થયો ત્યારે તું રડતો હતો અને ''મા'' હસતી હતી હવે તુ હસતો હોય ત્યારે ''મા'' રડતી ન હોય તેનું ધ્યાન રાખજો.

- જ્યાં સોદાબાજીનું સ્થાન નથી જ્યાં સ્વાર્થનું જ્ઞાન નથી

- જ્યાં વ્હાલનો દરીયો કદી સૂકાતો નથી ત્યાં છે માતૃ હૃદય

- જેની ગોદમાં દીકરાંને શાંતિ મળે તે ''મા'' જેના મિલનથી ''મા''ની અશાંતિ ટળે તે દીકરો.

- કંઈ બોલું કંઈ ચાલુ તો ઘેલી ઘેલી થતી કેવી છે દયાળું ''મા''

- પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેવો તમારા રાહ પર એ માતાપિતાના રાહ પર કંટક બનશો નહીં.

- માતા પિતાની ઉત્તમ જોડી એટલે બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની મૃદુતા તળેના કઠોર માતા.

- સહુ સઘળા સહન કરીને મમતા મનમાં ધારે માતા જેવું અંતર મળજો એજ તમન્ના અમારી

- ભગવાનને ભજવાથી ''માતાપિતા'' નથી મળતા પણ માતાપિતાને ભજવાથી (સેવા-કરવાથી ભગવાન અવશ્ય મળે છે.)

- ''મા'' વગરનું બારણું એટલે સાંકળ વગરનો દરવાજો

- મંદિરની શોભા ભગવાન રાત્રિની શોભા ચંદ્ર દિવસની શોભા સૂર્ય, છોડની શોભા ફૂલ, ઘરની શોભા માતાપિતા

- જ્યારે દિલમાંથી નીકળી જાય છે ''મા'' ત્યારે દિવાલ પર આવી જાય છે ''મા''

- ''મા'' નો કોઈ વિકલ્પ નથી ''માતા પિતા'' માટે સંતાન હૈયાનો હાર માથાનો મુગટ અને કાળજાનો કટકો છે સાથે આશાનું કિરણ પણ છે.

- કવિ કવિતા લખીને પોતાનું નામ આપે છે. ચિત્રકાર ચિત્ર રચીને પોતાનું નામ આપે છે. પરંતુ સમગ્ર

- વિશ્વમાં ''મા'' જ એક એવું પાત્ર છે જે બાળકને જન્મ આપીને નામ પિતાનું આપે છે.

- તમારી હાલતની ખબર માતા અને પત્ની બંનેને પડી જાય છે. પત્નિ એનું કારણ શોધે છે. માતા  તેનું નિવારણ.

- ''માતા પિતા'' ની ઉત્તમ જોડી એટલે બહારની કઠોરતા તળેના મૃદુ પિતા અને બહારની મૃદુતા તળેના કઠોર ''માતા''.

- ભગવાનને જ્યારે માનવીના ઘરમાં આવવાનું મન થયું ત્યારે ''મા'' બનીને આવ્યા.

- ''માતા પિતાની'' આંખો આંસુથી બે વખત ઉભરાય છે દીકરી જ્યારે સાસરે જાય છે ત્યારે અને દીકરો જ્યારે તરછોડે ત્યારે.

- ચાર પાંચ સંતાનો ''મા'' ઉછેરી મોટા કરે પણ ચાર પાંચ સંતાનો એક ''મા'' ને સાચવી શકે નહી તે કેવી કરૂણતા.

- અજ્ઞાત