માનવ અસ્તિત્વનો મહિમા .

ઇટાલીની પાવન ભૂમિ પર જન્મેલા, વિદ્યાવંત, અનુકંપાશીલ, નિષ્ઠાવાન તબીબી, સ્નેહાળ જીવનસંગિની અને વત્સલ માતા- તે છે સંત તરીકે પંકાયેલા ડો.જીઆના બેરેટા મોલા.
આ સંતમાતા બાળપણથી જ ભગવાન ઇસુમાં અખંડ શ્રધ્ધા ધરાવતાં હતાં. તેમણે જીવનના હર પડાવે ખ્રિસ્તપ્રેમને જ કેન્દ્રમાં રાખ્યો હતો. દાકતરીને તેમણે રોજગાર મેળવવાનો વ્યવસાય માન્યો નહિ. હકીકતમાં તેમના માટે ઇસ્પિતાલ તો પીડાઈ રહેલા દર્દીઓની સેવા કરવા કાજેનું એક સદન હતું.
સમયના વહેણમાં તેમનું દામ્પત્યજીવન આત્મીયતામાં અને પ્રસન્નતામાં પાંગરતું રહ્યું. તેઓ ત્રણ સંતાનોની માતા બન્યા જાણે માતૃત્વ એમનામાં ટહુકવા લાગ્યું. પણ કટોકટીની વેળા આવી. તેમણે ચોથા સંતાનનો ગર્ભધારણ કર્યો.
તેમની ગર્ભાવસ્થાનું નિદાન કરતા તબીબે ગંભીર અવાજે કહ્યું,
'જુઓ મેડમ, તમે ડોક્ટર છો, મારી વાત સમજો, તમારા ગર્ભાશયમાં જીવલેણ ગાંઠ છે. ગર્ભપાત કરાવશો તો તમારું જીવન બચી જશે. સંમતી આપો. હું ગર્ભપાતની તૈયારી કરું ?'
એક ક્ષણ માટે સમય થંભી ગયો, શૂન્યતા છવાઈ ગઈ, પણ છેવટે માતાનાં મુખમાંથી આ ઉદ્દગાર નીકળ્યો :
'ડોક્ટર, મારા જીવનનો ભોગ ભલે લેવાય, પણ મારું સંતાન બચવું જોઈએ. આ બાળક તો મને ભગવાન ઇસુ તરફથી મળેલી અણમોલ ભેટ છે.'
દિવસો વીતતા ગયા. જોતજોતામાં જીઆનાઓ સાડા આઠ મહિના પસાર કર્યા, પણ વિધિના વિધાન કોણ બદલી શકે ? તે કાળરાત્રિ આવી પહોંચી.
ડો.જીઆનાને પ્રસૂતિપીડા ઉપડી, તેમને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા. ડોક્ટર વિના વિલંબે તેમને પ્રસૂતિકક્ષમાં લઈ ગયા.
પ્રસૂતિખંડ નવજાત બાળકીના રુદનથી ભરાઈ ગયો. જાણે, જીવનનો કલશોર સંભળાવ્યો, બીજી બાજુ જન્મ આપનારી માતાના હૃદયના ધબકારા વધી ગયા, જાણે હૃદયે મૃત્યુનો મરસિયો ગાયો. જીવન અને મૃત્યુની બે પળે હાથમાં હાથ પરોવ્યા.
ડો. જીઆનાએ છેલ્લીવાર પોતાની નવજાત દિકરીને નિહાળી, તેમની નજરમાં ન હતી વ્યથા, ન હતો ખેદ, પણ કાંઈ હતું તો તે જીવનની પૂર્ણતા અને સાર્થકતા. હોઠ પર મધુર સ્મિત રેલાયું ને એમણે અંતિમ શ્વાસ લીધા.
અહીં આ વિધાન સાર્થક ઠર્યું 'માતા માત્ર જન્મ આપે છે, મૃત્યુ નહિ.' પણ અહીં આ ઘટનાનો અંત આવતો નથી.
૪૨ વર્ષો બાદ વેટિકન સીટીના સંત પીતરના વિશ્વમંદિરમાં સંતપ્રતિષ્ઠાનો ભવ્ય વિધિ ચાલી રહ્યો હતો. વિશાળ પ્રાંગણમાં માનવ મહેરામણ છલકાતો હતો.
પોપશ્રી સંત જ્હોન પોલ દ્વિતીય સમક્ષ એક તબીબ મહિલા આવીને બોલે છે,'ક્યારેક જીવન કઠિન સવાલો ખડા કરે છે, એનો જવાબ બુદ્ધિથી નહિ પણ હૃદયથી આપવા પડે છે. હા મેં આ અનુભવ્યું છે, બે જિંદગી વચ્ચે એકની પસંદગી કરવાનો નિર્ણય.'
અશ્રુભીની આંખે મહિલા તબીબ આગળ બોલે છે.
'મારા જીવનનો પ્રથમ પ્રાણ મારા માતાના અંતિમ પ્રાણની કિંમત છે.'
અહીં માનવના અસ્તિત્વની દાસ્તાન અપૂર્વ તેજથી ઝળહળી ઉઠી.
- અનોશ પરેશકુમાર મેકવાન








