કૃપાનો મહિમા .

આપણાં ધર્મ શાસ્ત્રો, દર્શનશાસ્ત્રો તથા ગ્રંથોમાં પ્રભુની કૃપાનો મહિમા વિવિધ રીતે દર્શાવવામાં આવ્યો છે. અજ્ઞાનરૂપી અંધકાર દુર થાય છે અને ભગવત્પ્રાપ્તિ પણ થાય છે. એક સુપ્રસિદ્ધ વાક્ય છે. 'ગુરૂ કૃપા હી કેવલમ્ ' ગુરૂની કૃપા જ શિષ્ય માટે આશીર્વાદ સમાન હોય છે. નવધા ભક્તિથી ભગવાનની કૃપાના અધિકારી થવાય છે. રામજી અહેતુક કૃપા વરસાવે છે તેથી તેઓ કરૂણાનિધાન કહેવાય છે. એક સુંદર ચોપાઈમાં પણ કહ્યું છે,' કોમલચિત અતિ દીનદયાલ કારન બીનુ રઘુનાથ કૃપાલા ' શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું : મારી કૃપાથી તું, મારૃં અવિચળ શાશ્વત ધામ પામીશ.' આજના ધમાલ ભર્યા તથા તણાવ ભર્યા જીવનમાં પરમશાંતિ મેળવવાનું સાધન પ્રભુની કૃપા જ છે.
ઇતિહાસ પર નજર કરીએ તો અનેક દૃષ્ટાંતો જોવા મળે છે. જેમાં ઇશ્વરની કૃપા થકી ભક્તનો ઉદ્વાર થયો હોય. મહાદેવજીની કૃપાથી જ ભક્ત નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં હતાં. ભગવાન શ્રી રામચંદ્રજીએ શબરી, કેવટ તથા અહલ્યા પર પોતાની કૃપા ઉતારી હતી. પ્રભુ શ્રી રામે છેવટના માનવી પર તેમનું હેત વરસાવ્યું હતું. મીરાંબાઈ ભક્ત પ્રહલાદ, ભક્ત ધૃવ પણ ઇશ્વરની અનુકંપાના દૃષ્ટાંતો છે.
આપણે ત્યાં એક કહેવત પણ છે. ' મનુષ્ય યત્ન, ઇશ્વર કૃપા' આપણે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ. ઇશ્વરની કૃપા થાય તો પ્રયત્નો સફળ અવશ્ય થાય છે. મન શુદ્ધ હોય છળકપટ વિનાનું હોય તો ઇશ્વર જરૂર કૃપા ઉતારે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે,' સંત કૃપાથી સુખ મળે છે, મનનાં ધાર્યા બધાં કામ થાય છે. સન્મતિ મળે છે અને છેવટે પુરૂષોત્તમ ધામની પ્રાપ્તિ થાય છે.'
વિવિધ ગ્રંથો, ચોપાઈઓ, સ્તોત્રો તથા ભજનોમાં કૃપાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અથવા જ્યાં જ્યાં કૃપા શબ્દ આવે છે તેનાં કેટલાંક દૃષ્ટાંતો નીચે આપેલ છે.
૧) જા પર કૃપા તુમ્હારી હોઈ
તા પર કૃપા કરે સબ કોઈ
(ગાયત્રી ચાલીસા)
૨) જય જય જય હનુમાન ગોંસાઈ
કૃપા કરહુ ગુરૂ દેવકી નાઈ
(હનુમાન ચાલીસા)
૩) એવી તારી કૃપા અગાધ !
કેમ સુણે ના મારો સાદ?
(દત્ત બાવની)
૪) સ્મર્તગામી કલિતાર કૃપાળ
હાર્યો ધોબી છેક ગમાર
(દત્ત બાવની)
૫) શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
(રામજીની સ્તુતિ)
૬) બીનુ સતસંગ વિવેક ન હોઈ
રામકૃપા બીનુ સુલભ ન સોઈ ।। (ચોપાઈ)
૭) અબ મોહિભા ભરોસ હનુમંતા
બીનુ હરિકૃપા મિલહી નહીં સંતા ।। (રામચરિત માનસ)
૮) મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરી હી
ઉર અપરાધ ન એક ઉ ઘર હી ।।
(માનસ)
૯) ગો દ્વિજ સાધુ દેવ હીતકારી
કૃપાસિંધુ માનુષ તનુ ધારી (ચોપાઈ)
૧૦) ગરૂડ સુમેરૂ સેતુ સમ નાંહી
રામકૃપા કરિ ચિતવા નાંહી ।।
(માનસ)
૧૧) રામકૃપા બિનુ સપનેહું
જીવન લહ વિશ્રામ (ચોપાઈ)
૧૨) મિલત કૃપા તુમ્હ પર કરિહી
ઉપર અપરાધ ન એક ઉ ઘરહી ।।
૧૩) મુકં કરોતિ વાચાલં, પંગુ, લંઘયતે ગિરિમ્
યત્કૃપા તમહ વંદે પરમાનંદ માધવ (ગીતા ન્યાસ)
૧૪) હરિકી કૃપા હોય જબ જહાં
ગંગા હુ ચલી આએ તહાં
હરિ હરિ હરિ હરિ સુમિરન કરો. (ભજન)
શીખ સંપ્રદાયના ગુરૂ ગ્રંથ સાહેબમાં પણ કૃપાનું માહાત્મ્ય જોવા મળે છે. ભગવાન જેની પર કૃપા કરે છે તેના દોષ જોતા નથી અને ક્ષમા કરી દે છે. કૃપાથી લૌકિક લાભની પ્રાપ્તિ પણ થાય છે. કૃપાના કેટલાક પર્યાય પણ છે જેમકે, દયા, કરૂણા, કારૂણ્ય, અનુગ્રહ, અનુક્રોશ, અનુકંપા, પ્રસાદ, ઇત્યાદિ, અતુટ શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રભુના કૃપાપાત્ર થવાય છે. આવો આપણે પણ ઇશ્વરની કૃપા મેળવવા ભાગ્યશાળી થઈએ.
- ભરત અંજારિયા








