મહેનતનું ફળ .
શ્યામે વિચાર્યું, 'આ શેઠ પણ કંઈ સમજતા નથી. આ છન્ના મારફતે કંઈ પાણી થોડું નીકળી શકે? એમ કહી તે ખાખરાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યો
એક ગામ હતું. આ ગામમાં બે મિત્રો રહેતા હતા. રામ અને શ્યામ. બંનેનું નામ પ્રમાણે જ કામ હતું. બંને નાનપણથી સાથે રમતાં, સાથે જ બધા કામ કરતા. પણ કામ કરવામાં શ્યામ આળસુ હતો. રામ બધાં કામ ઝડપથી કરી લેતો. શ્યામ એટલો જ સમય આરામ કરતો. તેથી તેની આ આદત દિવસે ને દિવસે વધી ગઈ. તેથી શ્યામ આળસુ હોવાથી તેઓ બધું જ કામ રામ પાસે મનાવી ફોસલાવીને કરાવતો.
એક દિવસ બંને પાસેનાં ગામે નોકરી શોધવા ગયા. નોકરી શોધતાં-શોધતાં તેઓ એક શેઠ પાસે આવ્યા. આ શેઠ ઘણાં જ ધની હતા. રામે શેઠને કહ્યું ''શેઠજી ! અમે બંને દૂર ગામથી આવ્યા છીએ, તમે અમને કોઈ કામ આપશો તો તમારી ઘણી મહેરબાની થશે. શેઠે કહ્યું સારું ! હું તમને કામ આપું છું. એમ કહી શેઠે મનોમન બંનેની પરીક્ષા લેવાનું વિચાર્યું.''
શેઠે બંનેને અનાજ સાફ કરવાની છન્ની આપી. બંનેને છન્ની આપતા કહ્યું આ છન્ની છે. તમારે આ છન્ની મારફતે સાંજ સુધીમાં કૂવામાનું બધું જ પાણી ખાલી કરવાનું છે.
ગામમાં બંનેને બે અલગ અલગ કૂવા આપી દીધા. રામ તો કૂવામાંથી પાણી કાઢવા લાગ્યો. શ્યામે વિચાર્યું, 'આ શેઠ પણ કંઈ સમજતા નથી. આ છન્ના મારફતે કંઈ પાણી થોડું નીકળી શકે ? એમ કહી તે ખાખરાના ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. સૂર્યાસ્ત થઈ ગયો હતો. રામ પાણી કાઢતાં કાઢતાં તેને કૂવામાંથી ખણ... ખણ... અવાજ આવ્યો. તેણે કાઢીને જોયું તો સોનાનાં કેટલાક સિક્કા હતા. તેણે સોનાનાં સિક્કા કાઢીને શેઠને આપ્યા. શેઠે સિક્કા લીધા અને કહ્યું તું ઈમાનદાર છે. બસ, મને તારા જેવો જ માણસ જોઈતો હતો. તેણે રામને તેના કામ માટે રાખી લીધો.'
શ્યામને નોકરી ન મળી. કારણ કે તેણે આરામ કરવામાં જ સમય વેડફી નાખ્યો. અને તેણે પાછું ગામમાં જવું પડયું. તો વાચક મિત્રો, મહેનતનાં ફળ મીઠા હોય છે. શ્યામને આરામ કરવામાં સમય વેડફવાથી તેને નોકરી ન મળી જ્યારે રામને મહેનત કરવાથી નોકરી મળી ગઈ. તેથી આપણે મહેનત કરીને ફળની આશા રાખવી જોઈએ.