Get The App

સફળતાના પાયો - નિયમિતતા

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News
સફળતાના પાયો - નિયમિતતા 1 - image


સચીન તેંડુલકરે દરરોજ સવારે ૬.૦૦ વાગે મેદાન ઉપર પહોંચીને લગભગ ૪૦૦-૫૦૦ બોલ રમવાની પ્રેક્ટીસ ૨૦ વર્ષ સુધી કરી હતી

જ્યારે કાર્લ લ્યુઈસના પ્રતિસ્પર્ધી સુતા હતા, ત્યારે તેઓ પરસેવો પાડતા હતા

જીવનમાં જે નિયમિતતાથી કાર્ય કરે છે તે સફળતા શિખરો સર કરી શકે છે. આ દુનિયામાં જે જે માણસોે સફળ થયા છે, એમના જીવનમાં નિયમિતતાનો ગુણ પાયા રુપે રહેલો જોવા મળે છે. સૂર્ય દરરોજ ઉગે છે તો પૂજાય છે. તેમ જીવનમાં કાંઇક પ્રાપ્ત કરવું છે, તો નિયમિતતાનો ગુણ આપણે કેળવવો જ પડશે.

નિયમિતતાનો ગુણ કેળવીને લેન્સ આર્મ સ્ટ્રોંગ વિશ્વ વિખ્યાત થઈ ગયા. તેઓ સફળ સાયકલ રેસર હતા. જેઓ બે વાર ઓલમ્પિક ચેમ્પિયન બન્યા હતા. પાંચ વાર ફ્રાંસની અંદર રેસ વિજેતા બન્યા. આ લેન્સ આર્મસ્ટ્રોંગ પાછા કેન્સર પીડીત હતા. છતાં દરરોજ ૧૨ કલાકની પ્રેક્ટીસ કરતાં હતા અને સફળ બન્યા.

દોડવીરોની અંદર આજેય સૌ કોઈ એક અવાજે કાર્લ લ્યુઈસનું નામ બોલે છે કેમ કે, તેમણે ૧૯૮૪ની ઓલમ્પિકની અંદર ૪ ગોલ્ડમેડલ જીત્યા હતા. દરરોજ તેઓ ૧૦ કલાકની પ્રેક્ટીસ કરતાં હતાં. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સુતા હતા, ત્યારે તેઓ પરસેવો પાડતા હતા. કેમ તેઓ આવી સિધ્ધિને પામ્યાં ? કેમ કે, તેમણે જીવનમાં નિયમિતતા કેળવી હતી.

આજે ઊંચે આકાશમાં કુદકો મારવાની અંદર સૌ કોઈ સરગી બુબકાને યાદ કરે છે. જેઓએ એક બે કે પાંચ વખત નહીં પરંતુ ૩૫ વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે.

કેમ એ સફળ થયા ? નિયમિતતાને ગુણને કારણે.

કાર રેસની અંદર માઈકલ સ્યુમેકર સૌના માટે આજે પ્રેરણારુપ છે કારણ કે, તેઓ એક કલાકની અંદર ૩૫૦થી ૩૮૦ કીલોમીટરની સ્પીડે ગાડી ચલાવતા હતા. અને એમણે ૭ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા હતા. દરરોજ તેઓ સફળ થવા માટે એક એક ડગલું આગળ વધતાં હતાં.

ફૂટબોલની રમતની અંદર પેલેને કિંગ કહેવામાં આવે છે. દરરોજ નિત્ય પ્રેક્ટીસ કરવાના નિયમે જ તેમને ફૂટબોલની દુનિયાના તેમને રાજા બનાવ્યા હતા.

સચીન તેંડુલકરે દરરોજ સવારે ૬.૦૦ વાગે મેદાન ઉપર પહોંચીને લગભગ ૪૦૦-૫૦૦ બોલ રમવાની પ્રેક્ટીસ ૨૦ વર્ષ સુધી કરી હતી માટે તે વિશ્વના મહાન ક્રિકેટર બન્યા છે.

લેન્સ આર્મસ્ટ્રોંગ, કાર્લ લ્યુઇસ, સરગી બુબકા, માઇકલ સ્યુમેકર, પેલેનેકિંગ, સચિન તેંડુલકર આદિ સફળતા મેળવી શક્યા તેનું મુખ્ય કારણ જીવનમાં નિયમિતતાનો ગુણ હતો.

બાળમિત્રો, તમારે પણ જીવનમાં કાંઇક અલગ કરવું છે ને ? કાંઈક મેળવવું છે ને ? સફળતાના શિખર ઉપર પગ મૂકવો છે ને ? તો તમારે પણ જીવનમાં નિયમિતતાનો ગુણ કેળવવો જ પડશે. સફળતાનો કોઈ શોર્ટ કટ હોતો નથી. જે શોર્ટ કર્ટ શોધે છે તે કટ થઇ જાય છે. તેથી વિદ્યાભ્યાસ નિયમિત કરજો. તમે જે જીવનનો ધ્યેય નક્કી કર્યો હોય તેને પ્રાપ્ત કરવા પ્રતિદિન પુરુષાર્થ કરશો, તો અવશ્ય તમે તમારા સપનાં સાકાર કરી શકશો.

Tags :