Get The App

માથું ઊંચક્યું ફૂલોએ .

Updated: Jun 13th, 2025

GS TEAM


Google News
Google News
માથું ઊંચક્યું ફૂલોએ                                      . 1 - image


- જો આ નાજુક નમણાં ફૂલો સંજોગોનો મુકાબલો કરી શકે છે ત્યારે હું તો માનવી છું. મારે વળી પરિસ્થિતિથી શું ડરવાનું હોય?

- બેન્જામીન ફ્રેન્કલીન

નિષ્ફળતા!

નિષ્ફળતા!! નિષ્ફળતા!!!

બદનામી અને બેકારી.

કામ હતું નહિ અને કામ મળતું પણ ન હતું. સામે બેસીને ફૂલઝાડ જોયા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો.

તેમાંય આફત અરરર! આ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ્રરો પોતાના મનમાં સમજે છે શું?

બગીચામાં અમુક પ્રકારનાં બારમાસી ફૂલો થતાં હતાં. સુંદર અને માથું ઊંચકીને ડોલનારાં.

તેને એ ફૂલો ગમતાં હતાં પણ બાંધકામના માણસોએ ચારે બાજુ માટી, ઇંટ રોડાં પાથરવાં શરૂ કરી દીધાં. એક ફૂલનો છોડ દબાઈ ગયો.

દબાયેલી પરિસ્થિતિમાં તેને વધારે દુ;ખ થયું. એ છોડ પર પછી રોડાં અને માટીના થર આવ્યા.

કુમળા છોડનું આવી જ બન્યું.

છતાં બેકારીમાં બીજું કામ શું હોય? ત્યાં બેઠા સિવાય બીજો છૂટકો ન હતો. રોજ એ ત્યાં બેસીને બધું નિહાળતો.

અને થોડા દિવસમાં ચમત્કાર થયો.

જે છોડ દબાયો હતો એ છોડે માથું ઊંચક્યું. માટી અને રોડાંની વચમાંથી પણ એણે હાર સ્વીકારી નહિ. પોતાની જિંદગીની ઝુંબેશ ચાલુ રાખી.

પછી તો ફરી પાછું એક સરસ મજાનું ફૂલ ઊગ્યું. અને એમ ફૂલ ઊગતાં જ રહ્યાં.

તેને પ્રેરણા મળી ગઈ. જો આ નાજુક છોડ અને નમણાં ફૂલો સંજોગોનો મુકાબલો કરી શકે છે ત્યારે હું તો માનવી છું, પુરૂષ છું. મારે વળી પરિસ્થિતિથી શું ડરવાનું હોય? અને બેકારી શું લઈને આવી છે?

તેણે પોતાના મનમાં દબાયેલા પ્રયોગો શરૂ કર્યા. ઉદ્યોગને માર્ગે પોતાની શક્તિની દિશા શરૂ કરી અને રાજકારણ તથા જાહેર જીવનમાં પણ રસ લેવા માંડયો.

જોતજોતામાં એ માનવી એટલો આગળ વધી ગયો કે અનેક દિશામાંની તેની સેવાઓ નોંધપાત્ર બની રહી.

એક જમાનાનો એ બેકાર માનવી તે બેન્જામીન ફ્રેન્કલીન.

ફૂલોએ સંજોગો સામે માથું ઊંચકવાની પ્રેરણા આપી અને આજે સેંકડો વર્ષ બાદ પણ આપણે એને યાદ કરીએ છીએ. 

Tags :