Magazines

માનવજીવનમાં પ્રથમ - ભૂખ .

By GS TEAM
27 Aug 20252 mins read
માનવજીવનમાં પ્રથમ - ભૂખ                                          .

- માનવજીવનની ત્રણ અવસ્થામાં ભૂખ સામાન્ય છે. જન્મ થયા બાદ બાળપણમાં ભૂખ લાગે છે. ભૂખ સંતોષવા માટે કામ ધંધો કરવો પડે છે. ભૂખ સાથે ભક્તિ, સત્સંગ અને તીર્થયાત્રાની ભૂખ હોવી જરૂરી છે. જે ઘડપણમાં જીવનનું ભાથું સમાન છે

માનવીનો જન્મ થાય કે તરત જ તેનું રડવાનું શરૂ થાય છે. રૂદન એ ભૂખનું લક્ષણ છે. પૃથ્વી પર તમામ જીવો ભૂખની શોધમાં હોય છે. પંખીડાં પોતાના બચ્ચાંને ચણ આપે છે. ગાય વાછરડાને ધવરાવે છે. ગરીબ માણસ સખત મજુરી કરીને પણ પોતાના કુટુંબને બે ટંક રોટલો ખવડાવે છે. સર્વ કાર્ય પછી ભૂખ મુખ્ય છે. તમામ જીવ ભૂખને સંતોષવા મહેનત મજુરી કરે છે. ભૂખ દરેકના જીવનનું અવિભાજ્ય અંગ છે. જેનાથી જીવન કાર્યરત અને ધબકતું રહે છે. "પેટ કરાવે વેઠ" કહેવત અનુસાર આપણે પેટનો ખાડો પૂરવા માટે મહેનત કરીએ છીએ. સંતાનોને પહેલા ધોરણથી માંડીને કોલેજ કરાવી અને વિશેષ ભણાવવા પાછળ ભૂખનું કારણ છે. યોગ્યતા અનુસાર નોકરી ધંધો મેળવીને ખાઈ પી ને સુખી થશે એવી આપણી મહેચ્છા હોય છે. આશા અરમાનો છે. આપણે કોઈકને આશીર્વાદ પણ આપીએ છીએ કે તું ખાઈ પી ને સુખી રહેજે.

માનવજીવનની ત્રણ અવસ્થામાં ભૂખ સામાન્ય છે. જન્મ થયા બાદ બાળપણમાં ખૂબ ભૂખ લાગે છે. યુવાનીમાં ભૂખ સંતોષવા માટે કામ ધંધો કરવો પડે છે. પરિવારનું પોષણ કરવું પડે છે. યુવાનીમાં ભૂખ સાથેસાથે ભક્તિ, સત્સંગ અને તીર્થયાત્રાની ભૂખ હોવી જરૂરી છે. જે ઘડપણમાં જીવનનું ભાથું સમાન છે. ઘડપણમાં ભૂખ ઓછી હોય છે પણ ભક્તિ રૂપી ભૂખ હોવી જરૂરી છે. ભૂખના ઘણા પ્રકાર છે. કોઈકને ભણવાની ભૂખ, ધનની ભૂખ, પ્રેમની ભૂખ, માન સન્માનની ભૂખ, ભક્તિની ભૂખ, આધ્યાત્મિક શાંતિની ભૂખ પરંતુ સર્વ ભૂખમાં પેટનો ખાડો પૂરવાની ભૂખ મુખ્ય હોય છે. કારણ કે "બુભુક્ષાજના: કિમ્ ન કરોતિ પાપમ્". એટલે કે ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો. ભૂખ્યો માણસ પેટ માટે ગામ બાળે છે. ગમે તેવું પાપ કરતાં તે અચકાતો નથી. ભૂખ્યા પેટે ભક્તિ ન થાય. ભૂખને સંતોષવી પછી અન્ય કાર્ય કરવું. એક કવિએ કહ્યું છે કે "ગાયે મકોડા ભરખિયા, ઝાડવે સૂકાયાં પાન" ભૂખને સંતોષવા માટે દુષ્કાળમાં ગાય માતાએ મકોડાથી ભૂખને સંતોષી છે. ભૂખ ભૂંડી છે. માનવી ભૂંડો નથી. પેટનો ખાડો પૂરવો પડે છે.

- ભગુભાઈ ભીમડા