નેટફ્લિક્સ જનરેશનને જલસો પડે એવી ફિલ્મ એટલે રામ ગોપાલ વર્માની સત્યા

- દાસ્તાન- એ-સિનેમા
- ફિલ્મનાં તમામ કેરેક્ટર કામ અસત્ય કરી રહ્યા છે અને ફિલ્મનું નામ છે 'સત્યા'. ફિલ્મનું ટાઈટલ જાણે કહે છે કે, દરેક ગુનેગાર, દુરાચારી, અત્યાચારીને એમ જ હોય કે, હું જે કરી રહ્યો છું તે બરાબર જ છે...
- છેલ્લા કેટલાક મહિનાઓથી એક જ ફિલ્મની વાત થઈ છે. આ ફિલ્મ છે આદિત્ય ધરની 'ધૂરંધર'. તેનો પહેલો પાર્ટ રિલીઝ થયો ત્યારબાદથી રામ ગોપાલ વર્મા તેના વખાણ કરતા આવ્યા છે. હવે, આદિત્ય ધરે કહ્યું કે, રામ ગોપાલ વર્માની 'સત્યા' અને 'કંપની' ન હોત તો આજે 'ધૂરંધર' ન હોત. સોશિયલ મીડિયા સાઈટ્સ પર તો 'ધૂરંધર'ના રહેમાન દકૈટ અને 'સત્યા'ના ભીખુ મ્હાત્રેના પાત્રોને સરખાવતી રીલ્સ અને મીમ્સ વાયરલ થયાં છે. તો આજે વાત રામ ગોપાલ વર્માની 'સત્યા'ની.
હરિયાણાનો એક સિંગર છે. નામ છે માસૂમ શર્મા. તેનાં સોંગ્સ સાંભળીને ચોક્કસ કહી શકાય કે, માસૂમના નામ પ્રમાણે ગુણ નથી. હરિયાણા પોલીસે તેના એક-બે નહીં છ સોંગ્સને બૅન કર્યા છે. આરોપ છે કે, આ ભાઈ સોંગ્સના માધ્યમથી ગન કલ્ચર, ગેંગ વોર અને એક રીતે હિંસાને આડકતરું પ્રોત્સાહન આપી રહ્યા છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા સાઈટ પર તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં, હરિયાણા પોલીસે તેની કોન્સર્ટ અધવચ્ચે રોકી. કારણ એ કે, તેણે બૅન કરવામાં આવેલું સોંગ 'ખટોલા' ગાવાનું શરૂ કર્યું હતું. આ વીડિયોમાં જોવા મળ્યું કે, પોલીસના કહેવા પર તેણે સોંગ તો ગાવાનું બંધ કરી દીધું, પણ ઓડિયન્સને ઈશારો કર્યો. એટલે, પછી ઓડિયન્સ 'ખટોલા' ગાવા લાગી. માસૂમ શર્માના સોંગ તો બેન થયા પણ હાલમાં ઈન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ સોંગની જ વાત કરીએ. તેમાં હીના, પ્રદીપ સોલંકી અને વિરાટ (કોહલી નહીં)નું હરિયાણવી સોંગ ખૂબ ચાલ્યું છે. 'ઓ સુન મૈં થારા પૈર પૈર પર બૈરી બૈઠા હૈ, ઓ બેરિઆ ને ગોડી મે ઘના લપેટ હૈ, મૈં કરુંગી થારો બાલમ સંગ જઈઓ બાત ને, ઓ દિન મે તો મન્ને ઢૂંઢે પુલિસિયા આઉંગા આધી રાત મૈ..'
હવે, સવાલ થાય કે, આ સોંગ પર પ્રતિબંધ કેમ નથી? તેના શબ્દો કંઈ પ્રેરણાદાયક તો નથી જ, પણ આવું પહેલી વાર નથી જ્યારે, ગડબડ ગીતો પોપ્યુલર બન્યાં હોય. ૧૯૯૮ની વાત લઈ લો. ઓડિયો કેસેટ્સના જમાનામાં એક સોંગ ખૂબ વાયરલ થયું. તેના શબ્દો હતા, 'ગોલી માર ભેજે મેં....તો ભેજા શોર કરતા હૈ...'આ ગીતમાં પણ કોઈ 'સૌહાર્દ'ની વાત નહોતી કરવામાં આવી. પરંતુ, ચાલ્યું અને ખૂબ ચાલ્યું. માનવામાં નહીં આવે પરંતુ, આ સોંગને ગુલઝારે લખ્યું છે. હા, એ જ ગુલઝાર કે જેમણે, 'શામ સે આંખ મેં નમી-સી હૈ, આજ ફિર આપ કી કમી સી હૈ...', 'દિન કુછ ઐસે ગુઝારતા હૈ કોઈ, જૈસે એહસાન ઉતારતા હૈ કોઈ....', 'હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હે નહીં તોડા કરતે...' જેવી અસંખ્ય ગઝલ લખી છે.
વિશાલ ભારદ્વાજે મ્યુઝિક આપવાની સાથે સાથે આ વિવાદાસ્પદ ગીતને (ગોલી માર ભેજે મેં) લખવામાં પણ મદદ કરી છે. કદાચ આ સોંગને એટલે લીલી ઝંડી મળી, કારણ કે આ સોંગ જે ફિલ્મનું છે તેમાં મુંબઈના અંડરવર્લ્ડની સાચી તસવીર બતાવવામાં આવી. ફિલ્મના અંતમાં કહેવામાં આવ્યું કે, ગેંગ ત્યાં સુધી જ ચાલે જ્યાં સુધી રાજનેતાઓની રહેમ નજર હોય. બાકી, અંત નિશ્ચિત છે. આ જે ફિલ્મની વાત થઈ રહી છે તે આજકાલ ચર્ચામાં છે. તેનું કારણ અન્ય એક ફિલ્મ છે. વાત એમ છે કે, રામ ગોપાલ વર્માએ 'ધૂરંધર' ફિલ્મના ભરપેટ વખાણ કર્યા. તેના જવાબમાં ફિલ્મના ડિરેક્ટર-રાઈટર આદિત્ય ધરે કહ્યું, 'સત્યા' અને 'કંપની'એ જ 'ધૂરંધર'ને રસ્તો બતાવ્યો. મેં તો આ બંને ફિલ્મોને મિક્સ કરીને તેમાં દેશભક્તિનો તડકો ઉમેરી દીધો છે.
રામ ગોપાલ વર્માની પ્રેરણા
જેમ આદિત્ય ધરે અન્ય ફિલ્મ પરથી પ્રેરણા લીધી તેવી જ કહાણી રામ ગોપાલ વર્માની છે. તેમણે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ફિલ્મ 'શિવા' માટે તેમણે બુ્રસ લીની 'રિટર્ન ઓફ ધ ડ્રેગન' અને સની દેઓલની 'અર્જુન' પરથી પ્રેરણા લીધી હતી, જ્યારે ફિલ્મ 'સત્યા' હોલિવુડની 'ધ ગોડફાધર' અને 'ધ ગૂડફેલાસ'નું મિશ્રણ છે. રામ ગોપાલ વર્માએ આ બંને ક્લાસિક ફિલ્મો પરથી મુંબઈના અંડરવર્લ્ડની વાસ્તવિકતાની કહાણી લખવાનું કામ અનુરાગ કશ્યપ અને સૌરભ શુક્લા (ફિલ્મના કલ્લુમામા)ને સોંપ્યું હતું, જે સમય જતાં જાણીતા ફિલ્મ મેકર અને એક્ટર બન્યા. મ્યુઝિક વિશાલ ભારદ્વાજે આપ્યું, જે સમય જતાં જાણીતા ડિરેક્ટર બન્યા. આ ફિલ્મમાં ભીખુ મ્હાત્રેનો રોલ નિભાવનાર મનોજ વાજપેયી જાણીતા એક્ટરની શ્રેણીમાં આવ્યા. એટલે, કહી શકાય કે, રામ ગોપાલ વર્માની આ સ્ટાર્ટઅપ સુપર સક્સેસફૂલ રહી. જે નામ તેની સાથે જોડાયા તે મહાન થઈ ગયા. ફિલ્મમાં સત્યાનું પાત્ર ભજવનાર જે. ડી. ચક્રવર્તી થોડા સમય માટે ખોવાઈ ગયા હતા, પરંતુ તાજેતરમાં ઓટીટી સિરીઝ 'દયા', 'ગૃહ પ્રવેશ' અને ભુવન બામ સાથેની 'તાઝા ખબર' સાથે તેમણે કમબેક કર્યું છે.
ભીખુ મ્હાત્રે ઉર્ફે મનોજ વાજપેયી
ફિલ્મોમાં ખૂબ ઓછી વખત જોવા મળે જ્યારે અભિનેતા માત્ર એક પાત્ર નથી ભજવતો પણ તે પોતે એ પાત્ર બની જાય છે. માર્લોન બ્રાન્ડોની વાત કરવામાં આવશે ત્યારે તે હંમેશા વિટો કોર્લિયોન તરીકે યાદ રહેશે. 'ધ ગોડફાધર' પહેલાં તેમણે ઘણી ફિલ્મો કરી, પરંતુ દરેકમાં તે ભૂલાઈ ગયા. અલ પચીનોના જીવનમાં આવા બે રોલ આવ્યા. એક 'ધ ગોડફાધર'માં માઈકલ કોર્લિયોનનો રોલ અને બીજો 'સ્કારફેસ'માં ક્યુબન ડ્રગ લોર્ડ ટોની મોન્ટેનાનો રોલ. રોબર્ટ ડી નીરોને પણ આપણે 'ટેક્સી ડ્રાઈવર'માં ટ્રેવિસ બિક્લ તરીકે અને 'રેજિંગ બુલ'ના રિયલ લાઈફ બોક્સર જેક લામોટા તરીકે ઓળખીએ છીએ. આવી જ રીતે મનોજ વાજપેયીની ઓળખ 'સત્યા'ના ભીખુ મ્હાત્રે તરીકેની બની ગઈ છે. તેમણે જે રીતે આ રોલ નિભાવ્યો છે તેને જોઈને એક સેકન્ડ પણ ન કહી શકાય કે, આ માણસ ભીખુ મ્હાત્રે નહીં હોય. એ જ ગલીના ગેંગસ્ટરની બોલવા, ચાલવા, હસવા, બેસવા, ઉઠવા, કપડાં પહેરવાની રીત. ક્યારેક અમુક ફિલ્મોમાં એવું બને કે, કોઈ એક્ટર ખૂબ વધુ પડતો પ્રયાસ કરે અને તે જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે વધુ પડતા રોલમાં ઘુસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આ ફિલ્મમાં મનોજ વાજપેયીને જુઓ તો ખ્યાલ આવે કે, સામે પડદે અન્ય કોઈ નહીં પણ ભીખુ મ્હાત્રે જ છે.
ફિલ્મના નામમાં જ વિરોધાભાસ
માણસના જીવનમાં સૌથી મોટું કોઈ ફેક્ટર હોય તો તે છે, વિરોધાભાસ. અહીં તો વાતે વાતે વિરોધાભાસ જોવા મળે. આપણે આગળ જોયું તેમ નામ માસૂમ હોય અને ગીતો હિંસાને લાગતા-વળગતાં. હિંદીમાં કહેવત પણ છે કે, 'મુખ મે રામ બગલ મેં છુરી'. આ વિરોધાભાસને ફિલ્મના કેન્દ્ર સ્થાને લેવામાં આવ્યું છે. ફિલ્મનાં તમામ કેરેક્ટર કામ અસત્ય કરી રહ્યા છે અને ફિલ્મનું નામ છે 'સત્યા'. આ ફિલ્મનું ટાઈટલ જાણે કહી રહ્યું છે કે, દરેક ગુનેગાર, દુરાચારી, પાપી, અત્યાચારીને એમ જ હોય કે, હું જે કરી રહ્યો છું તે બરાબર જ છે. એ તો છેલ્લે હિસાબ થાય ત્યારે ખબર પડે.
કેસેટ્સના જમાનામાં નેટફ્લિક્સ જેવી ફિલ્મ
આજકાલ એઆઈનો ઉપયોગ કરીને ફિલ્મોને ફરી રિલીઝ કરવામાં આવી રહી છે. જો એઆઈનો ઉપયોગ કરીને 'સત્યા'ને ફરી રિલીઝ કરવામાં આવે અથવા તેની રિમેક બનાવીને તેમાં પણ નેટફ્લિક્સ લેવલનાં દ્રશ્યો ઉમેરવામાં આવે તો ભારતની સાથે સાથે 'સત્યા' વિશ્વભરમાં પ્રચલિત બને. 'સત્યા' વિશે કહી શકાય કે, ભલે જે-તે સમયે પણ તે પોપ્યુલર રહી, અનેક ફિલ્મફેર એવોર્ડ્સ અને એક નેશનલ એવોર્ડ પણ જીતી. તેમ છતાં, તે સમય કરતા વહેલી બનેલી ફિલ્મ છે. તે એવા સમયે રિલીઝ થઈ જ્યારે, દર્શકો કદાચ એટલા તૈયાર નહોતા, અભિનેતાઓને સામાન્ય કપડાંમાં જોવામાં. તેઓ કદાચ તૈયાર નહોતા કે, ફિલ્મમાં કોઈ આઈટમ સોંગ ન હોય. તેઓ કદાચ તે જોવા તૈયાર નહોતા કે, ફિલ્મના હીરોનું પણ એન્કાઉન્ટરમાં મોત થાય. થોડા સમય બાદ રામ ગોપાલ વર્માની જ ફિલ્મ 'કંપની'એ ગુંડાઓને 'ગ્લોરિફાઈ' કર્યા, પણ, આ ફિલ્મે તો અરીસો બતાવ્યો અને કીધું કે, ભગવાનને ભજનાર રાવણ ખોટાં કર્મો બાદ ન રહ્યો તો ગલીના ગુંડાઓની શું વિસાત..?









