હિંદી ફિલ્મોમાં ક્રાઈમ થ્રિલરનો યુગ શરૂ કરનાર ફિલ્મ: સી.આઈ.ડી.

- દાસ્તાન-એ-સિનેમા
- સામાન્ય રીતે કહેવામાં આવે કે, તીન તીગાડા કામ બિગાડા, પરંતુ જ્યારે ગુરુ દત્ત, રાજ ખોસલા અને દેવ આનંદ મળ્યા ત્યારે ઈતિહાસ રચાયો. ૧૯૫૬માં એક એવી ફિલ્મ બની જેણે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાર્તા કહેવાની સ્ટાઈલને બદલી અને સિનેમાને વહીદા રહેમાન, મેહમૂદ જેવાં સ્ટાર્સ આપ્યાં. આ ફિલ્મ તે જમાનામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. તેના 'આંખો હી આંખો મેં ઈશારા..', 'લે કે પહેલા પહેલા પ્યાર..' , 'એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં' , 'કહીં પે નિગાહેં, કહીં પે નિશાના' જેવાં ગીતો આજે પણ લોકપ્રિય છે.
ગુરુ દત્ત, દેવ આનંદ, રાજ ખોસલા અને વહીદા રહેમાન
મનોરંજન જગતમાં 'સી.આઈ.ડી.'ની વાત કરો તો મગજમાં એક જ ચિત્ર સામે આવે. 'કુછ તો ગડબડ હૈ, દયા' કહેતા એસીપી પ્રદ્યુમ્ન, 'એ હાલો...'ની જગ્યાએ દરવાજા તોડતો ઇન્સપેક્ટર દયા અને ફોરેન્સિક એક્સપર્ટ ડોક્ટર સાલુંકે અને તેમની આખીય ટીમ. આ ટીવી સીરિયલ એટલી હદે ચાલી કે તેના ૧૬૫૧ એપિસોડ્સ ટેલિકાસ્ટ થયા. તે ભારતીય ટેલિવિઝન ઈતિહાસની લાંબી ચાલનારી સીરિયલમાંની એક બની. આખી પેઢીને તેણે ઈન્વેસ્ટિવગેટિવ થ્રિલર સ્ટાઈલ સાથે પરિચય કરાવ્યો. જોકે હિંદીમાં આ કહાણી સ્ટાઈલની શરૂઆત બ્લેક એન્ડ વ્હાઈટમાં થઈ હતી.
૧૯૫૦નો દાયકો હિન્દી સિનેમા માટે સુવર્ણ યુગ હોવા છતાં 'પ્રિડિક્ટેબલ' યુગ હતો. થિયેટરોમાં એનો એ જ મેલોડ્રામા, પૌરાણિક કહાણીઓ, સામાજિક કથાઓ અને રોમેન્ટિક મ્યુઝિકલ્સ જોવા દર્શકો ટેવાઈ ગયા હતા. આ બધી એવી સ્ટાઈલ્સ હતી કે જેની ફોર્મ્યુલા બધાને લગભગ મોઢે હતી. રાજ કપૂર તેમની કાવ્યાત્મક ફિલ્મોમાં વ્યસ્ત હતા. દિલીપકુમાર ટ્રેજડીની તેમની કળાને નિખારી રહ્યા હતા. ત્યારે અચાનક ગુરુ દત્તની એન્ટ્રી થઈ. અને બદલાવ આવ્યો. એક એવા ફિલ્મમેકર કે જેમની વાર્તા કહેવાની શૈલી હટકે હતી. 'બાઝી' (૧૯૫૧) અને 'આરપાર' (૧૯૫૪) જેવી અંડરવર્લ્ડ થ્રિલર સાથે તેમણે હોલિવુડનો ટચ ઉમેર્યો. ૧૯૫૬માં તેમના બેનર 'ગુરુ દત્ત ફિલ્મ્સ પ્રા. લિ.' હેઠળ બનેલી ફિલ્મ 'સી.આઈ.ડી.'માં અલગ પ્રયોગ કરવામાં આવ્યો. તેઓ નિયો-નોઇર (નોઈરનો ફ્રેન્ચ ભાષામાં અર્થ બ્લેક થાય છે) કહાણી લઈને આવ્યા. એક એવી સ્ટાઈલ કે જેમાં ભરપૂર સસ્પેન્સ હોય.
ભવિષ્યના સ્ટાર્સની ફિલ્મ
'સી.આઈ.ડી.' ના કલાકારોની પસંદગી પાછળ મિત્રતા અને વફાદારી જોવા મળી હતી. ગુરુ દત્ત અને દેવ આનંદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાથે મોટા થયા હતા. ફ્રેન્ડ્સ એકબીજાને કોઈ પ્રોમીસ કરે તે રીતે તેમણે એકબીજાને વચન આપ્યા હતા. દેવ આનંદે વચન આપ્યું હતું કે, તેઓ ગુરુ દત્તને નિર્દેશન માટે ફિલ્મ આપશે. બીજી તરફ, ગુરુ દત્તે વચન આપ્યું હતું કે, તેઓ નિર્માતા બનશે તો દેવને હીરો તરીકે લેશે. પહેલાં દેવ આનંદે પોતાનું વચન પાળ્યું. તેમણે ગુરુ દત્તને 'બાઝી'નું નિર્દેશન સોંપ્યું. બીજી તરફ, ગુરુ દત્તે તેમના વચન મુજબ દેવ આનંદને 'સી.આઈ.ડી.'માં મુખ્ય ભૂમિકા આપી. આમ મિત્રોની વફાદારી દર્શકો વચ્ચે માસ્ટરપીસ બનીને આવી. ઇન્સ્પેક્ટર શેખર તરીકે દેવ આનંદ સૌને પસંદ આવ્યા. ડિરેક્શન રાજ ખોસલાને સોંપવામાં આવ્યું.
મુંબઈની સુંદરતા વર્ણવતા જ્હોની વોકર ફિલ્મનો આત્મા બન્યા. ભવિષ્યમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોમેડિયન બનનારા મેહમૂદ આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યા, જ્યારે વહીદા રહેમાને ગ્રે શેડ્સનું કેરેક્ટર કામિની પ્લે કર્યું. ગુરુ દત્તે તેમને તેલુગુ ફિલ્મ 'રોઝુલુ મારાયી'માં જોયા હતા અને 'પ્યાસા' (૧૯૫૭)માં લેવાનું વિચારી રહ્યા હતા. આ વચ્ચે તેમણે વિચાર્યું કે, મોટી ફિલ્મ પહેલા વહીદાની અભિનયક્ષમતાને પારખવી જરૂરી છે. તેમણે વહીદાજીને 'સી.આઈ.ડી.' માં સહાયક ભૂમિકા આપી. જેથી તેઓ આગળના ચેલેન્જિંગ રોલ માટે તૈયાર થઈ શકે. 'સી.આઈ.ડી.' આગળ જઈને મહાન બનનારા કલાકારો માટે લોન્ચિંંગ પેડ બન્યું. એક એવી જગ્યા, જ્યાં તેમની ક્ષમતાઓને ખીલવાની તક આપવામાં આવી હતી.
ટાઈમલેસ મ્યુઝિક
આ ફિલ્મને લગભગ ૭૦ વર્ષ જેટલો સમય થયો છે, પરંતુ આજે પણ તેનાં ગીતો સાંભળવા ગમે છે. કદાચ કોઈ અંતાક્ષરીની રમત એવી નહીં હોય જેમાં આ ફિલ્મનું કોઈ એક ગીત ગાવામાં ન આવ્યું હોય. મ્યુઝિક ડિરેક્ટર ઓ.પી. નૈયરે મજરૂહ સુલતાનપુરી અને જાં નિસાર અખ્તરે સાથે મળીને કમાલ કરી હતી. આ જાં નિસાર અખ્તર એટલે જાવેદ અખ્તરના પિતાશ્રી. તેમણે ફિલ્મનું સુપરહિટ ગીત 'આંખો હી આંખો મેં ઈશારા હો ગયા...' લખ્યું હતું, જે મોહમ્મદ રફી અને ગીતા દત્તે ગાયું હતું. આ ડયુએટ આજે રોમેન્ટિક ફિલ્મી ગીતોનું પોપ્યુલર ટેમ્પલેટ છે. તેની શરૂઆતની લાઈનો શબ્દોની તાકાત વર્ણવે છે. જાણે એક જ લાઈનમાં આખો નિબંધ કહી દીધો હોય : 'આંખો હી આંખો મેં ઇશારા હો ગયા, બૈઠે બૈઠે જીને કા સહારા હો ગયા...'
આ સિવાય મોહમ્મદ રફી, શમશાદ બેગમ અને આશા ભોંસલેએ ગાયેલું 'લે કે પહેલા પહેલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર, જાદુ નગરી સે આયા હૈ કોઈ જાદુગર' પણ જાદુ સમાન હતું... અને હા, તેમાં પણ પાછી આંખોની વાત. અને પછી એ ગીત જેણે 'સી.આઈ.ડી.' ફિલ્મને અમર બનાવી દીધી. 'એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં, ઝરા હટકે, ઝરા બચકે યે હૈ બોમ્બે મેરી જાન...' આ ગીતમાં, હાર્મોનિકા વગાડનાર મિલોન ગુપ્તાએ અમેરિકન ગીત 'ઓહ માય ડાર્લિંગ, ક્લેમેન્ટાઈન' પર આધારિત ધૂન વગાડી હતી. આ સિવાય શમશાદ બેગમની સ્ટાઈલમાં ગાવામાં આવેલું 'કહીં પે નિગાહેં, કહીં પે નિશાના' સોને પે સુહાગા સમાન હતું.
વાર્તા કહેવાની નવી રીત
'સી.આઈ.ડી.'ની કહાણી એક અખબારના સંપાદકની હત્યાથી શરૂ થાય છે. તેઓ એક પાવરફુલ વ્યક્તિના ગુનાહિત ઈતિહાસનો પર્દાફાશ કરવાના હતા. ઇન્સ્પેક્ટર શેખર ઘટનાસ્થળે પહોંચે છે. હજુ માંડ તપાસ શરૂ કરે છે, ત્યાં તેમને એ જ કેસમાં ફસાવી દેવામાં આવે છે. કદાચ હિંદી ફિલ્મમાં પહેલી વાર હતું કે ફિલ્મનો હીરો જ ભાગતો ફરે. બીજી તરફ, પ્રેક્ષકોને તો પહેલાથી જ ખબર હતી કે, આ હત્યા પાછળ કોણ હતું. ફિલ્મમાં રહસ્ય કોણે કર્યુંં તે નહીં, પરંતુ કેવી રીતે હીરો આમાંથી બહાર આવશે જેવા સવાલથી ઊભું થતું હતું. આ વાર્તા કહેવાની સ્ટાઈલ હિંદી ફિલ્મ માટે એકદમ નવી હતી.
૧૯૫૬ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ
'સી.આઈ.ડી.' ૧૯૫૬ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી, જે ૩૦ જુલાઈના રોજ બોમ્બેના સ્ટ્રેન્ડ, મિનરવા અને કોહિનૂર થિયેટરોમાં હાઉસફુલ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસના આંકડા આવ્યા ત્યારે ગુરુ દત્તે ફિલ્મના દિગ્દર્શક રાજ ખોસલાને એક નવી 'ડોજ કન્વર્ર્ટિબલ' કાર ગિફ્ટમાં આપી હતી. આ પ્રકારની ગિફ્ટ એ માણસ જ આપી શકે જે સાચા અર્થમાં કોઈને બિરદાવવા માંગતો હોય. આ ફિલ્મે તે જમાનામાં રૂપિયા ૨.૫ કરોડની કમાણી કરી હતી.
કોસ્ચ્યુમ ડિઝાઈનનો ટ્રેન્ડ
આ ફિલ્મે અન્ય એક શરૂઆત કરી હતી. કોસ્ચ્યુમ ડિઝાઈનની ક્રેડિટ ભાનુમતીને આપવામાં આવી હતી. જે પાછળથી ભાનુ અથૈયા તરીકે જાણીતી બની. ભાનુ અથૈયાએ ૧૯૮૨ની તેમની ફિલ્મ 'ગાંધી' માટે ભારતનો પહેલો ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.
ફિલ્મમેકિંગની સ્કૂલ
આ ફિલ્મમાં ડિરેક્ટર રાજ ખોસલાના બે મદદનીશ દિગ્દર્શક તરીકે પ્રમોદ ચક્રવર્તી અને ભપ્પી સોનીને તક આપવામાં આવી હતી, જેઓ પાછળથી સફળ ફિલ્મ નિર્માતા બન્યા. આ રીતે 'સી.આઈ.ડી.' નવી ટેલેન્ટ માટે એક સ્કૂલ સમાન બની હતી.
૧૯૫૬ની ફિલ્મ અને અનુરાગ કશ્યપ
વહીદા રહેમાનનું ગીત 'જાતા કહાં હૈ દીવાને'ને સેન્સર બોર્ડના વાંધા બાદ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ગીતને અનુરાગ કશ્યપની 'બોમ્બે વેલ્વેટ' (૨૦૧૫)માં લેવામાં આવ્યું હતું. હવે, વિચાર કરો ગીતકારની કેટલી દીર્ઘ દ્રષ્ટી હશે કે, આજના જમાનામાં પણ ગીત લોકપ્રિય છે. આ ફિલ્મનું અન્ય એક ગીત કરણ જોહરની રોમેન્ટિક ડ્રામા 'એ દિલ હૈ મુશ્કિલ' (૨૦૧૬)નું ટાઈટલ બન્યું હતું.
ગુરુ દત્ત : એક લેજન્ડ
એક લીડર, એક લેજન્ડની એક ખાસિયત હોય કે તે પોતાની પાછળ એક એવી મજબૂત ટીમ બનાવે કે જે ઈતિહાસ રચે. જ્યારે પણ દેવ આનંદ, વહીદા રહેમાન, મેહમૂદ, રાજ ખોસલાની સફળતાની વાત કરવામાં આવશે ત્યારે તેમાં ગુરુ દત્તની હાજરી દેખાશે. ગુરુ દત્તે હિંદી સિનેમાની પ્રતિભાને મન મૂકીને આશીર્વાદ આપ્યા. એક મહાન લીડરને એટલા માટે યાદ રાખવામાં આવતા નથી કે તેઓ તેમની આસપાસ જે કોઈ હતા એમના કરતાં વધુ ચમક્યા, પરંતુ એટલે કે તેમણે એવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું કે, પોતાની છાયા નીચે મહાનતા શક્ય બને. ગુરુ દત્તની છાયા હેઠળ રાજ ખોસલાને તેમનો અવાજ મળ્યો. વહીદા રહેમાનને તેમનો પાયો મળ્યો. જ્હોની વોકરને તેમની સૌથી આઇકોનિક ક્ષણોમાંની એક ક્ષણ મળી. મેહમૂદને એક તક મળી, ભલે તે પછી નેગેટિવ રોલમાં કેમ ન હોય. મહાન લીડરની આ જ ખાસિયત છે કે એ પ્રતિભાને દબાવે કે બાજુ પર ન રાખે. તે એવાં રત્નોને પારખે કે, જે ઝળકી ઉઠે. તેના મનમાં હર-હંમેશ સવાલ હોય કે, કલ્પના કરો આ શું કરી શકે..? તેની આ કલ્પનાશક્તિનો જ ફાયદો ભવિષ્યની પેઢીઓને મળે. ગુરુ દત્તે પોતે એવી ફિલ્મો બનાવી કે જેને આજે પણ ફિલ્મ ઇન્સ્ટિટયૂટસમાં ભણાવવામાં આવે છે. તેમણે એવા કલાકારો આપ્યા કે જે પોતે જ એક ઇન્સ્ટિટયૂટ બન્યા. એટલે કહી શકાય કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહાનતાનો પર્યાય એટલે, ગુરુ દત્ત.








