Magazines

જગત-જનની મા અંબાની આરાધનાનું પર્વ - નવરાત્રી

By GS TEAM
17 Sep 20252 mins read
જગત-જનની મા અંબાની આરાધનાનું પર્વ - નવરાત્રી

''હે મા-જગત-જનની સુખ દેતી-દુ:ખ હરતી. પુજન-અર્ચન કરીએ અમે. દર્શન આપો મારી માત રે...

ભારતીય સંસ્કૃતિમાં તહેવારો-ઉત્સવો જીવનને માંગલ્ય ઉન્નતિ તરફ લઈ જવાનો માર્ગ ચીંધે છે. સાંસ્કૃતિક પરંપરા મનુષ્યને ઉન્નતિ તરફ લઈ જાય છે. આવો જ શિરમોર પર્વ-જગત જનની માં અંબાની આરાધનાનું પર્વ એટલે - આસો નવરાત્રી. નવરાત્રી એટલે ચેતનાનો ઉત્સવ. અસ્તિત્વને ઉજવવાનો પરમ આનંદ રૂપ આરોગ્ય શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ... નવરાત્રી

યા દેવી સર્વભૂતેષુ ચેતનેત્યમિ ધીયતે.... સર્વત્ર ચેતનાના રૂપમાં મા વ્યાપ્ત છે. આ દેવીશક્તિ બ્રહ્માંડના નવગ્રહ અને પૃથ્વીના નવખંડમાં સર્વત્ર છે. મા ના અનેક રૂપો છે.

નવરાત્રી દરમ્યાન મા ના નવ સ્વરૂપોની પૂજા-આરાધનાના વ્રત-ઉપવાસ-ભજન-જપ તથા ચરિત્રોનું સ્મરણ જીવનને દિવ્યતા તરફ લઈ જાય છે. અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રીના પાવક પર્વ દરમ્યાન કુમારીકાઓને પૂજન અને ભાવથી ભોજન કરાવવાથી અનેક ગણા પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કુમારીકા દેવીસ્વરૂપ છે. આપણા શાસ્ત્રમાં કન્યાઓના વિવિધ રૂપો વર્ણવેલ છે. જેમકે, બે વર્ષની કન્યાકુમારી, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ષની કલ્યાણી, પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની કાલિકા, સાત વર્ષની ચંડિકા, આઠ વર્ષની શાંમ્ભવી, નવ વર્ષની દુર્ગા, અને દસ વર્ષની કન્યાને શુભદા કહે છે. આમ કુમારીકાના આ નવ સ્વરૂપના પુજનથી કષ્ટનાશ, ઐશ્વર્ય, સુખ-સમૃદ્ધિ, સામર્થ્ય, આધિ-વ્યાધિ-ઉપાધિનું નિવારણ તથા સર્વ મનોરથો સિદ્ધ થાય છે. નવદિવસીય નવરાત્રીમાં વિશેષરૂપે મા-દુર્ગા, લક્ષ્મી-સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે. તો ચાલો આ નવરાત્રીમાં માતાજીના ગુણાનુવાદ કરી અંતરથી પ્રાર્થના કરીએ.

''હે મા જગતજનની જગદંબા શક્તિરૂપે, આત્મબળ આપજે. લક્ષ્મીરૂપે સુખશાંતિ અને સમૃદ્ધિ આપજે. સરસ્વતીરૂપે સદ્બુદ્ધિ, સત્કાર્ય કરવાની પ્રેરણા આપજે.''

- વિનોદ એમ. મકવાણા