Magazines

સંસ્કૃતનાં સુંદર સુભાષિતોનો સાર .

By GS TEAM
24 Jun 20262 mins read
સંસ્કૃતનાં સુંદર સુભાષિતોનો સાર                                .

૧. સરસ્વતી (વિદ્યા), સંપત્તિ, સજ્જનની કૃપા, સારાં સંતાન, સત્તા, સત્ય, સંસ્કાર અને સુકૃત (પુણ્ય) સામગ્રી ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે.

૨. જનની (માતા), જન્મભૂમિ, જાહ્નવી (ગંગા), જનાર્દન (ભગવાન) અને જનક (પિતા) - આ પાંચ જકારવાળાનું દરેકે આજીવન જતન કરવું.

૩. મન, મધુકર (ભ્રમર), મેઘ (વાદળ), માનિની, મદન, મરૂત, મદ, મર્કટ અને માછલું - આ નવ અતિ ચંચળ હોય છે.

૪. લક્ષ્મી સત્યને, કીર્તિ ત્યાગને, વિદ્યા અભ્યાસને, ભાગ્ય પુરૂષાર્થને, બુદ્ધિ કર્મને અને પુણ્ય દાનને અનુસરનાર હોય છે.

૫. બધાં પાપોનું મૂળ લોભ છે, બધા રોગોનું મૂળ સ્વાદના ચટાકા છે, દુ:ખોનું મૂળ વાસના (ભોગો) છે અને અશાંતિનું મૂળ ઇર્ષ્યા છે.

૬. હાથનું ભૂષણ દાન છે, કંઠનું ભૂષણ સત્ય છે, કાનનું ભૂષણ કથાશ્રવણ છે, આંખનું ભૂષણ પ્રભુદર્શન અને પગનું ભૂષણ પદયાત્રા છે.

૭. અગ્નિહોત્ર, પોતાનું ઘર, મિત્ર, રાજા, દેવ, ગુરૂ, બેન, બ્રાહ્મણ, વૃદ્ધ આટલાંની પાસે ખાલી હાથે ન જવું. યોગ્ય વસ્તુ લઈને જવું.

૮. રાજાની પત્ની, ગુરૂ પત્ની, ભાઈની પત્ની, પત્નીની માતા અને પોતાની માતા - શાસ્ત્રમાં આ પાંચને માતાતુલ્ય કહેલ છે.

૯. દરેક માણસનું આયુષ્ય, કર્મક્ષેત્ર, ધન સંપત્તિ, વિદ્યા, સુખ દુ:ખ અને મૃત્યુ (કર્માનુસાર) ગર્ભમાંથી જ નક્કી થઈ જાય છે.

૧૦. નદીઓ, ઋષિમુનિ, સંત-મહાત્મા, સ્ત્રીઓ, અગ્નિ, ઝેર અને દુરાચારી - આટલાનાં પારખાં (પરીક્ષા) ક્યારેય કરવાં નહિ.

૧૧. તીર્થ, દેવ, ગુરૂ, મંત્ર, બ્રાહ્મણ, ઔષધ, જ્યોતિષી અને નસીબ - માં માણસની જેવી ભાવના હોય તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

૧૨. જે માણસ વાંચે છે, લખે છે, જૂએ છે, પૂછે છે, સાંભળે છે અને વિચારે (મનન) છે તેની બુદ્ધિ પ્રતિદિન વિકાસ પામે છે.