Get The App

આનંદાત્મક અને ભાવાત્મક માર્ગ: પુષ્ટિમાર્ગ

Updated: Sep 25th, 2019

GS TEAM

Google News
Google News

ઠાકોરજીને રીઝવવાનું મુખ્ય સાધન ભક્તની ઠાકોરજી પ્રત્યેની પ્રીતી છે. તનુવિત્તજા સેવાથી કરેલી સેવા અને ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ જ્યારે મનમાં સ્થાયી બની જાય ત્યારે ભગવદ્દીયને માનસી સેવા કરવી પડતી નથી. 

અખિલ સૃષ્ટિનાં પાલનહાર અને દેવોના દેવાધિદેવ પરભ્રમ પરમાત્માને લીલા કરવાની મહેચ્છા થઈ એટલે આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વે ભગવાને વ્રજમાં કૃષ્ણરૂપે અવતાર ધારણ કરીને બાલ લીલા. અગિયાર વર્ષ અને બાવન દિવસ ધર્મી સ્વરૂપે પુષ્ટિલીલા કરીને જગતને ધર્મનો સંદેશો આપ્યો  તે લીલાને શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગમાં સમાવીને પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું.

શ્રી મહાપ્રભુજીએ ભક્તોને શ્રીયશોદા નંદનના લાલનની સેવા વ્રજભક્તોના ભાવથી સેવા કરવાની આજ્ઞાા કરી અને સર્વ વ્યવહાર ભક્તિના અંગરૂપ અને ઠાકોરજીના પ્રીયાર્થે અને સ્નેહના માધ્યમથી સેવા કરવાનું કહ્યું અને પુષ્ટિજીવની મહત્તા ફલ નથી. જો પુષ્ટિજીવનું ધ્યાન ફલ પર રાખે તો એનો સાધન માટેનો આગ્રહ ખંડિત થઈ જાય એટલે શ્રીમહાપ્રભુજી સિદ્ધાંતમુક્તાવલી ગ્રંથમાં કહે છે કે 'માનસી સાં પરા મતા'

જો વૈષ્ણવ માનસી ફલનું ચિંતન કરશે તો તેના મનમાં ચિંતા થશે કે માનસી ફલ ક્યારે મળશે. એટલે શ્રીમહાપ્રભુજીએ સાધનની મહત્તા વ્યકત કરતાં સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં કહ્યું કે

'તત: સિદ્ધયૈ તનુવિત્તબા

માનસી સિદ્ધિ માટે તનુવિતજા સેવાના સાધનમાં જરૂરી માને છે તનુ સેવા કે વિતસેવાને નહીં આપણી 'તનુજા'(શરીર)સેવાથી જીવની અહંતા અને વિત્તજા (ધન)ની સેવાથી જીવનું સમર્પણ થાય છે. આવી વિનિયુક્ત સેવા પુષ્ટિભક્તિના અંગરૂપ છે. અને ભક્ત પ્રભુ પાસે અચળ ભક્તિ માંગે છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે સાધનને પણ ફૂલ જેટલો આનંદ માણવો જોઈએ. સિદ્ધિ અને સાધન બંને દશામાં આપણી સમર્પિત અહંતા અને મમતાનો ભગવાન ઉપભોગ કરે છે. સાધનદશામાં પણ સમર્પણનો આનંદ માણવો જોઈએ આવી સાધનાત્મિક સેવા અને ફૂલદશામાં ભગવદીય મિઠાશ માણે છે એટલે સુરદાસજી ગાય છે કે 

'સેવા મદ્દનગોપાલ કી મુક્તિ હુ તે મીઠી '

શ્રી મહાપ્રભુજી સેવાને ફલ કહે છે. સેવાની સાધનદશામાં આનંદની મીઠાશ માણનાર પુષ્ટિજીવને આગળ જતા માનસી સેવા, સેવાપયોગી દેહ અને વ્યસનદશા વેગેરેની સિદ્ધ મળવાનો અવકાશ રહે છે. જો આપણે તનુવિતજા સેવાથી આપણે આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીનું લાલન-પાલન અને તેના શ્રીઅંગની સેવા અને ઠાકોરજી આપણા પરિવારના સભ્ય માનીને અને વાણી (કિર્તન)થી લાડ લડાવીએ, શણગારથી સમજાવીએ આવી આપણી આનંદાત્મક સેવાથી ઠાકોરજીને લાડ લડાવશું તો સેવા કરતા આપણને ઠાકોરજીના આનંદની સતત અનુભૂતિ થાશે.

સાધન સેવા જેમ-જેમ કરતા રહીશું તેમ તેમ આપણે ઠાકોરજીને ઓળખતા અને આનંદ માણતા રહેશું તેમ- તેમ સેવા કરવાથી સર્વજ્ઞા ઠાકોરજી પણ આપણને પહેચાનતા થશે અને સેવાથી ઠાકોરજી પણ અતિસુખ માણતા રહેશે. આપણે ઠાકોરજીના સુખની ભાવનાથી સેવા કરવાની છે.

જેમ કોઈ નાનાં બાળકનું કોઈપણ વ્યકિત તેનું ધ્યાન રાખે અને લાડ લડાવે તો તે બાળક તે વ્યકિત તરફ સહુજ ઢળી જાય છે. તેવી રીતે પુષ્ટિમાર્ગમાં બાલભાવની સેવામાં આપણે સર્વસમર્થ અને પૂર્ણકામ એવા ઠાકોરજીને આપણે તેની ભૂખ, નિંદ્રા, ખેલવાની ઇચ્છાઓ વગેરેને પૂર્ણ કરીએ એમ તે આપણા પર વિશેષ મમત્વ રાખતા જાય છે. અને આપણા તરફ ઢળતા જાય છે.

સેવા કર્યા પછી અનોસરમાં તેમનું ભગવદ્ગુણગાન અને ભાગવતજીની કથા વાંચીને મનન કરીશું ત્યારે આપણને એમ થશે કે મારા ઘરના ઠાકોરજીની કથા અને લીલા છે. એટલે આપણને સેવા વખતે ઠાકોરજી પ્રત્યે સહજ લાડ અને સ્નેહ આવી જાય અને આપણા ભાવમાં અભિવૃદ્ધિ થતી જશે. આવી સેવાથી શ્રી મહાપ્રભુજીની પણ કૃપા વરસે છે.

સેવામાર્ગમાં આપણા કૃપાના ભંડાર એવા શ્રીમહાપ્રભુજીની પુષ્ટિ સૃષ્ટિ પર એવી અનહદ કૃપા છે કે જે ઠાકોરજી પોતાની માયાથી અહંત-મમતા દ્વારા જીવને બાંધે છે તે ઠાકોરજીને શ્રીમહાપ્રભુજી પોતાના પુષ્ટિજીવની અહંતા- મમતાને ભગવત્સમર્પિત કરીને ઠાકોરજીને પણ બંધનમાં બાંધી લે છે.

વૈષ્ણવનું મન જ્યારે ઠાકોરજીમાં લાગે ત્યારે પૃષ્ટિજીવનું રૂપ લીધેલ ઠાકોરજી પણ પોતાના પૂર્ણાનંદ માણવાનો અભિગમન કરતા થાય છે. પરંતુ જીવનું મન તો ચંચલ અને રાજસ છે તો તે સેવા સમયે નવીનતા ચાહે છે. તો આવા જીવનાં ચંચલ મનને અનુલક્ષીને શ્રીમહાપ્રભુજીએ પોતાના પુષ્ટિજીવનું મન સેવામાં આનંદ માણતુ થઈ જાય માટે ઠાકોરજીને ધરાતા નૂતન શણગારો નિત્યનવી સામગ્રી, અષ્ટસખાના લીલાત્મક કીર્તન, ફુલમંડળી, બંગલા, હીંડોળા આવી અનેક વિવિધતાથી પુષ્ટિજીવ ભગવત્સેવામાં ઓતપ્રોત થઈ જાય છે. આવી સ્નેહપૂર્ણ સેવાથી ઠાકોરજીનું પોતાનું મન સેવકમાં પરોવતા થઈ જાય છે. સેવાની આવી વિવિધતાથી શ્રીમહાપ્રભુજીએ સેવામાર્ગમાં જીવના મનને લલચાવ્યો તેમ રસો વૈ સઃ ઠાકોરજીને પ્રેમ અને સ્નેહથી ભક્ત પણ ઠાકોરજીને લલચાવી રહ્યો છે.

ઠાકોરજીને રીઝવવાનું મુખ્ય સાધન ભક્તની ઠાકોરજી પ્રત્યેની પ્રીતી છે. તનુવિત્તજા સેવાથી કરેલી સેવા અને ઠાકોરજી પ્રત્યેનો સ્નેહ જ્યારે મનમાં સ્થાયી બની જાય ત્યારે ભગવદ્દીયને માનસી સેવા કરવી પડતી નથી. પણ અનાયાસ  થઈ જાય છે. ત્યારે ઠાકોરજી પોતાનાં કરતાં પોતાના જીવને વિશેષ હોદો આપે છે. અને ભક્ત જ્યારે ઠાકોરજીની માનસી સેવા કરે છે ત્યારે એ માનસીમાંથી પુષ્ટિભક્ત રસભાવાત્મક પુરુષોતમને પ્રકટ કરે છે. એટલે પુષ્ટિના ઠાકુર માટે ભક્ત ગાય છે કે,

'ભક્તવત્સલ તિહારો નામ'

દોષોથી ભરેલ જીવ એક નાના પાયાથી શરૂ કરેલી ભગવત્સેવા જ્યારે ઉચ્ચ કક્ષાએ પહોંચે ત્યારે ભક્તવશ નિર્દોષ પ્રભુ એવા અનંત કોટી બ્રહ્માંડના નાથ પર ભક્તના પ્રેમની મોહિની એવી છવાઈ જાય છે કે પ્રભુ પોતાનું  આત્મારામત્વ છોડીને ભક્તના આવેશમાં વિહરતા થઈ જાય છે. અને ઠાકોરજી મર્યાદાના બંધન તોડીને ભક્ત સામે પ્રકટ થઈ જાય એટલે પરમાનંદ ગાય છે કે  परमानंद वेदसागर की मर्यादा गई है तूट |

શાસ્ત્રો સંસારનો ત્યાગ કરી સન્યાસ લેવાનું કહે છે. હિન્દી ભાષામાં સંસાર શબ્દ દુનિયાના અર્થમાં વપરાય છે. ગુજરાતીમાં પણ કુટુંબ વ્યવસ્થા માટે સંસાર શબ્દ વપરાય છે. માટે એ સબંધોનો ત્યાગ કરી સંન્યાસ લેવાની વાત થઈ.

શ્રી મહાપ્રભુજી કહે છે કે સંસાર શબ્દનો સાચો અર્થ દુનિયા અથવા કુટુંબ જીવન નથી. સંસાર એટલે આપણી અહંતા અને મમતા આપણામાં આ વૃત્તિઓ સદાને માટે રહેલી છે. આપણે જે કરીએ છીએ તેમનું અભિમાન સેવીએ છીએ તેના કર્તા તરીકે પણ આપણે આપણી જાતને માનીએ છીએ આ આપણુ અજ્ઞાાન છે. આ વૃત્તિને અહંતા કહેવામાં આવે છે. આ પ્રકારે આપણામાં મમતાની વૃત્તિ પણ રહેલી છે.

આપણે જન્મ્યા ત્યારે જગતમાં એકલા આવ્યા હતા સાથે કશું લાવ્યા ન હતા જગતમાંથી જઈશુ ત્યારે પણ તેમ એકલા જ જઈશું સાથે કશું લઈ જવાના નથી છતાં જગતની ઘણી વસ્તુઓ મારી છે એવી માલિકીની ભાવના રાખીએ છીએ તેમ ઘણી વ્યકિતઓમાં મમત્વ ધરાવીએ છીએ મારાપણાની આ માલિકીની ભાવના પણ સત્ય નથી. મિથ્યા છે તેને મમતાની વૃત્તિ કહેવામાં આવે છે. આ 'અહંતા' અને 'મમતા'ની વૃત્તિઓ અસત્ય હોવાથી મિથ્યા છે. માટે તેમનો ત્યાગ કરવો જોઈએ.

જગતનો કે કુટુંબનો ત્યાગ કરવાની જરૂર નથી. સંન્યાસ લઈ વેશ, કેશનો ત્યાગ કરવાની જરૂર નથી. જરૂર છે કેવળ અહંતા-મમતાની ખોટી વૃત્તિઓનો ત્યાગ કરવાની અને જગતના કર્તા- હર્તા પરમાત્મા છે. તેમની ઇચ્છા વિના એક પાન હાલી શકતું નથી એ સત્યને આપણે સમજીએ છતા આ મારુ છે હું બધુ કરુ છું એવો ખ્યાલ મનમાંથી કાઢી નાખવો જોઈએ પરમાત્માની ઇચ્છાનો સ્વીકાર કરીને પરમાત્મા આપણી પાસે જે કંઈ કાર્ય કરાવે તે વિનમ્ર ભાવે કરવા જોઈએ આપણી જાતને નિમિતમાત્ર માનવી જોઈએ.

- પ્રવીણભાઈ  મેંદપરા

Tags :