વોર ઈફેકટથી વૈશ્વિક અર્થતંત્રને પડેલો મોટો ફટકો

- ટ્રમ્પની ટેરીફ પછી ઈરાન અમેરિકાના યુધ્ધના પગલે આ વર્ષે વિશ્વના વેપાર ઉદ્યોગમાં ચાલુ રહેલો સતત વ્યાપક અજંપો
વર્તમાન ૨૦૨૬નું વર્ષ દેશના તથા દરીયાપારના વિવિધ બજારો માટે વ્યાપક ચડઉતરવાળું અત્યાર સુધીના ગાળામાં જોવા મળ્યું છે. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ શરૂ થયું એ પૂર્વે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આકરી ટેરીફ નિતી તથા છાશવારે ટેરીફ વિશે ટ્રમ્પ દ્વારા કરાતાં તથા બદલાતા વિવિધ નિવેદનોની અસર વિશ્વના વિવિધ બજારો પર દેખાઈ હતી અને ત્યારબાદ અમેરિકા તથા ઈરાન- ઈઝરાયલ વચ્ચે યુધ્ધ શરૂ થતાં બજારો માટે ટેરીફ પછી નવું કારણ ઉમેરાતાં વિવિધ બજારોના ખેલાડીઓમાં અજંપો વધતો જોવા મળ્યો છે. ટ્રમ્પની ટેરીફ વિષયક છાશવારે બદલાતી નિતી વખતે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધઘટ વચ્ચે એકંદરે નીચા ઉતરતા દેખાયા હતા અને ત્યારબાદ યુધ્ધ શરૂ થતાં યુધ્ધનાં માહોલમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ઝડપી ઉછળી બેરલના ઉંચામાં તાજેતરમાં ૧૨૦થી ૧૨૧ ડોલર સુધી ટ્રેડ થતા પણ જોવા મળ્યા હતા. યુધ્ધના માહોલમાં વૈશ્વિક જહાજી રુટમાં ખુબ જ મહત્ત્વની ગણાતી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝનો માર્ગ રુંધાતાં ક્રુડતેલની હેરફેર તથા વૈશ્વિક સપ્લાયને પ્રતિકુળ અસર પડી છે. ઈરાન તથા અમેરિકા વચ્ચે તાજેતરમાં યુધ્ધ વિરામની વાતો શરૂ થતાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી એક તબક્કે ઘટી બેરલના ૧૦૦ ડોલરની અંદર પણ જતા રહ્યા હતા. જોકે યુધ્ધ શાંતિની મંત્રણાઓ યોગ્ય દિશામાં આગળ નહિં વધતાં ક્રૂડતેલના ભાવ ફરી ઉછળી ઉંચામાં તાજેતરમાં બેરલના ૧૦૮ ડોલર ઉપર પણ જતા જોવા મળ્યા હતા. ક્રૂડતેલના ઉંચા જતા ભાવોના પગલે વિશ્વના વિવિધ દેશોના અર્થતંત્રને ફટકો પડયો છે. વિવિધ દેશોની સરકારો પોતાના દેશોમાં ક્રૂડતેલ તથા ઉર્જાનો બચાવ કરવાના મુડમાં જોવા મળી છે. આ ઉપરાંત વિવિધ દેશોની કરન્સીઓ તાજેતરમાં ડોલર સામે તૂટી જતાં આ દેશોની સરકારે પોતાની કરન્સીઓને બચાવવા તથા હુંડિયામણની અનામતોને સાચવવા વિવિધ પગલાંઓ ભરતી પણ જોવા મળી છે. ભારત સરકારે તાજેતરમાં સોના, ચાંદી તથા પ્લેટીનમની ઈમ્પોર્ટ ડયુટી વધારી આ દિશામાં પહેલ કરી છે.
ભારતના કરન્સી બજારોમાં રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ઉછળી ઉંચામાં રૂ.૯૬ નજીક પહોંચી ગયા હતા. દરમિયાન, ઈરાન તથા અમેરિકા- ઈઝરાયલ વચ્ચે યુધ્ધના માહોલમાં આરબ દેશો પર પણ અસર પડતાં યુનાઈટેડ આરબ અમિરાતના દેશોએ તાજેતરમાં ઓપેક સંગઠનથી છેડો ફાડી નાંખતાં વિશ્વના બજારોમાં ખાસ્સી ચકચાર જાગી હતી. આ દરમિયાન અમેરિકાની સરકારે દેશોમાં ક્રૂડતેની સપ્લાય વધારવા સરકાર હસ્તકના ક્રૂડતેલના વ્યુહાત્મક સ્ટોકમાંથી આશરે ૫૩૨થી૫૩૩ લાખ બેરલ્સનો ક્રૂડનો જથ્થો એનર્જી કંપનીઓ માટે છૂટો કર્યાના સમાચાર મળ્યા હતા. અમેરિકામાં ફુગાવો વધ્યો છે. ત્યાં હવે વ્યાજના દરમાં ઘટાડાના બદલે વધારો કરવાની વાતો પણ અમુક વર્ગમાં ચર્ચાઈ હતી. ત્યાં ફેડરલ રિઝર્વમાં પોવેલની જગાએ હવે નવા ચેરમેન આવી રહ્યા છે ત્યારે તેઓ પરિસ્થિતિને કઈ રીતે સંભાળે છે તેના પર હવે વિશ્વના બજારોની નજર રહેનાર છે.
ભારતમાં ઉર્જા- ફયુઅલ બચાવવા ઘરેથી કામ કરવાની હાકલ પણ સરકારે કરી છે. દરમિયાન, જૂનથી ક્રૂડનું ઉત્પાદન વધારવાનો નિર્ણય તાજેતરમાં ઓપેક સંગઠન દ્વારા લેવામાં આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. ક્રૂડના ભાવ વધતામાં ભારતમાં ઈમ્પોર્ટ બિલ તથા વેપાર ખાધ વધવાની શક્યતા વચ્ચે રૂપિયો બેકફૂટ પર જતો રહ્યો છે. દરમિયાન, ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈઈએના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનામાં ગ્લોબલ ક્રૂડ ઓઈલ સપ્લાયમાં દૈનિક ધોરણે વધુ આશરે ૧૮ લાખ બેરલ્સનો ઘટાડો થયો છે.








