આનંદનું અર્થતંત્ર: ખુશી વર્સીસ ખિસ્સું .

- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ
- આવનારાં થોડાં વરસોમાં શક્ય છે કે થિયેટર અને ઓટીટી માટેની ફિલ્મોની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થાય. મેકર્સ માટે, એક્ઝિબિટર્સ, ઓટીટી પ્લેટફોર્મ્સ માટે અને આપણા માટે...
- ઓટીટીના દર્શકો બીજા શું કહે છે એના કરતાં મોટું મન રાખીને 'મને શું લાગ્યું' એના આધારે ફિલ્મનું સ્વતંત્રપણે મૂલ્યાંકન કરતા હોય છે.
હૅ'લાપતા લેડીઝ', 'મૈદાન', 'સુપરબોય્ઝ ઓફ માલેગાંવ', 'દેવા', 'ધડક ટુ', 'ધ ભૂતની' અને આવી ઘણી ફિલ્મો વચ્ચે શું સામ્ય છે?
આ ફિલ્મો બોક્સ ઓફિસ એટલે મોટા પડદે આવીને પછડાઈ ગઈ. પછી એ નાના પડદે એટલે ઓટીટી પર આવી અને છવાઈ ગઈ. કેમ? કારણ એ ક્યાં જોવાઈ રહી છે એના આધારે ફિલ્મ વિશે લોકોનો બદલાતો પ્રતિસાદ અને અનુભવ. ઓટીટી પહેલાં આવું થતું ફિલ્મની સિનેમાઘરોમાં અને પછી, સેટેલાઇટ ચેનલ પર થતી રજૂઆત વખતે. એનો એક અપ્રતિમ કિસ્સો એટલે અમિતાભ બચ્ચનવાળી ફિલ્મ 'સૂર્યવંશમ'. બોક્સ ઓફિસ પર નિસ્તેજ રહેલી એ ફિલ્મે સેટેલાઇટ ટીવી પર વરસોનાં વરસ સુધી લોકચાહના મેળવી. એ દર્શાવનારી ચેનલ, સોનીને એવી ચિક્કાર કમાણી થઈ કે આજ સુધી એની વિગતો ઇન્ડસ્ટ્રીના લોકોને આભા કરી દે છે.
ફિલ્મની મોટા અને નાના પડદે રજૂઆત વચ્ચેનો ફરક ઘણાં કારણોસર છે. સિનેમાઘરમાં ફિલ્મ જોવાનો અર્થ આથક અને સમયનું ભારણ સામે ચાલીને સ્વીકારવું. ઘરેથી થિયેટર જવું, ચોક્કસ સમયે ફિલ્મ જોવી, ઇન્ટરવલમાં પોપકોર્ન, સમોસાં, ઠંડું ખરીદવાં, વાહનના પાકગ માટે પૈસા આપવા... એક પરિવાર માટે થિયેટરમાં ફિલ્મ જોવી એટલે નહીંનહીં તોય બે-ત્રણ હજારનો સીધો ખર્ચ. એમાં જો ફિલ્મ ખરાબ નીકળી (એવું દસમાંથી આઠ-નવ વખત થાય, રાઇટ?) તો એવો કાળ ચઢે કે...
ઓટીટીના કિસ્સામાં અનેક બાબતો બદલાઈ જાય. સૌપ્રથમ સમયની અનુકૂળતા. દર્શકને મન થાય ત્યારે, ઘરમાં કે બહાર, એક બટન દબાવે એટલે ફિલ્મ હાજર. ઓટીટીનું લવાજમ ભરેલું હોય એટલે બચ્યો ખર્ચ. ફિલ્મ સારી કે ખરાબ લાગી તો મન થાય ત્યારે, 'બેકાર છે, જવા દે' કહીને એના પર તવાઈ મૂકી શકાય. નાસ્તો-પાણી નો ટેન્શન કેમ કે થિયેટરની કેન્ટીન કરતાં ક્યાંય સસ્તામાં એનો નિવેડો થઈ જાય.
થિયેટરમાં ફિલ્મ જોવાનો નિર્ણય લેતી વખતે મનગમતા સ્ટાર, મેકર વગેરે કારણો જોઈએ. ઓટીટી પર, 'એકવાર ચાલવા દે પછી જોઈએ આ એક્ટર કેવો છે,' એવો અભિગમ સહ્ય અને માન્ય છે. દર્શકોના આ અભિગમે સાઉથના અનેક સિતારાઓને ડબ્ડ ફિલ્મોથી દેશભરમાં લોકપ્રિયતા અપાવી છે.
થિયેટરમાં ફિલ્મ જોવાના નિર્ણયમાં રિલીઝ પહેલાંની પબ્લિસિટી મોટો ભાગ ભજવે છે. 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' યાદ કરો. આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ, યશરાજ... કેટકેટલાં કારણો હતાં જેણે એ નબળી ફિલ્મને ફર્સ્ટ વીકએન્ડમાં તડાકો કરવામાં મદદ કરી હતી. એ અલગ વાત કે પછી ફિલ્મ વિરુદ્ધ હવા ફેલાઈ અને એ તળિયે બેસી ગઈ. ઓટીટી પર ફિલ્મ જોવી કે નહીં એનો નિર્ણય એક્સાઇટમેન્ટમાં લેવો જરૂરી નથી. ક્યારેક કુતૂહલવશ, ક્યારેક બીજું કાંઈ જોવા માટે નથી તેથી જે સામે આવે એ, ક્યારેક કોઈકે ભલામણ કરી છે એટલે અને ક્યારેક, થિયેટરમાં જવાનો ખર્ચ બચાવીને, 'ઓટીટી પર જોઈ લેશું' એવો વિચાર કર્યો હોય એમ, ઓટીટી પર ફિલ્મ જોવાય છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કે ખરાબ પરફોર્મ કર્યું હોય એની જાણ તો હોય જ. એટલે નિર્ણય લેવાની પ્રકિયા સાવ અલગ બની રહે છે.
થિયેટરમાં ફિલ્મ જોતી વખતે દર્શક ન્યાયાધીશ હોય છે. ફિલ્મ ગમી કે નહીં ગમી એનો એ મનસ્વી નિર્ણય લે છે. એ એનો અબાધિત અધિકાર છે. ઓટીટી પર ફિલ્મ જોતી દર્શક સંશોધક હોય છે. મેં એક સારી ફિલ્મ શોધી કાઢી એનો આનંદ પણ માણવાનો હોય છે. થિયેટરમાં દર્શક ફિલ્મનો ગુલામ હોય છે. અંધારાની આકરી બેડીઓમાં, ચોક્કસ સીટ પર જકડાઈને એણે એ જોવું જ પડે જે સામે દેખાતું હોય. પોઝ લેવાનો, ફાસ્ટ ફોરવર્ડ કરવાનો, રિવાઇન્ડ કરવાનો અધિકાર નથી હોતો. ઓટીટી પર બધું શક્ય છે. વચ્ચેથી ફિલ્મ પડતી મૂકી દેવા સુધી બધું શક્ય છે.
માનસિકતાની મજા છે. થિયેટરમાં ફિલ્મ ક્યારેક ધીમી, અનેક પડ ધરાવતી અને ધીમેધીમે હૈયે પહોંચતી, ક્યારેક કંટાળાજનક લાગી શકે છે. ઓટીટી પર એની એ ફિલ્મ અલગ લાગે છે. દર્શક એને બ્રેક લેતા લેતા જુએ, ના સમજાય એને રિવાઇન્ડ કરીને પાછું જુએ છે, ત્યારે વાત વધુ સારી રીતે ગળે ઊતરે છે. દર્શકનું ફોકસ માગતી ફિલ્મો એટલે ઓટીટી પર વધુ સારી લાગે છે.
થિયેટરમાં ફિલ્મ આવે કે ગણતરીના કલાકોમાં એના પર હિટ કે ફ્લોપનું લેબલ લાગી જાય છે. એના આધારે એની કમાણી સહિત એના વિશે સાર્વજનિક મત ઘડાય છે. ઓટીટી પર ફિલ્મ એવા ભારથી મુક્ત હોય છે. દર્શકો પણ, બીજા શું કહે છે એના કરતાં, મને શું લાગ્યું એ આધારે ફિલ્મને સ્વતંત્ર ધોરણે મૂલવવા મોટું મન ધરાવતા હોય છે.
આજના સમયમાં સ્થિતિ એવી છે કે બધી ફિલ્મ મોટા પડદાને લાયક ગણી શકાય એવી નથી હોતી. મોટા પડદે હવે એ ફિલ્મો વધુ શોભે જેમાં ભવ્ય દ્રશ્યો હોય (જે નાના પડદે જોવામાં મજા ના આવે), જેમાં જબરદસ્ત એક્શન હોય, ટોચના કલાકારો હોય અને એમને મોટા પડદે જોવા એક અનુભવ હોય. નાના પડદે એ ફિલ્મો વધુ સારી લાગે જેમાં દમદાર ડ્રામા અને ભારેખમ ડાયલોગબાજી હોય, પ્રયોગાત્મક કથાકથન હોય અને પાત્રોને સમજવા માટે ઊંડા ઊતરવું પડતું હોય.
ઘણી ફિલ્મો સીધી ઓટીટી પર આ કારણોસર આવે છે. દરેક ઓટીટી પ્લેટફોર્મ અને હવે નિર્માતા કઈ ફિલ્મ ક્યાં રિલીઝ કરવી વધુ યોગ્ય રહેશે એ સમજ્યા પછી આગળ વધે છે. એટલે, જે ફિલ્મ મોટા પડદે અપીલ કરવાની તાકાત ના ધરાવતી હોય એને સીધી ઓટીટી પર મોકલાવી દેવાય છે.
થિયેટરમાં ફિલ્મની આવરદા ટૂંકી હોય છે. બે-ચાર અઠવાડિયાં. ઓટીટી પર એ મર્યાદા નથી. 'ધમાલ' જેવી ફિલ્મ બોક્સ ઓફિસે ચાલી એનાથી વધુ ઓટીટી પર ચાલી. ઓટીટી પર એકની એક ફિલ્મ વારંવાર જોવાય છે. કટકેકટકે જોવાય છે. આ શરૂઆત છે. આવનારાં થોડાં વરસોમાં શક્ય છે કે થિયેટર અને ઓટીટી માટેની ફિલ્મોની વ્યાખ્યા વધુ સ્પષ્ટ થાય. મેકર્સ માટે, એક્ઝિબિટર્સ માટે, ઓટીટી પ્લેટફોર્મ્સ માટે અને આપણા માટે.








