Magazines

મારા 'હુંપણા'ના ભ્રમનું નિરસન .

By GS TEAM
20 May 20263 mins read
મારા 'હુંપણા'ના ભ્રમનું નિરસન                                  .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

રાવણ દ્વારા હરણ કરાયા બાદમાં સીતાજી અશોકવાટિકામાં જ રહ્યાં હતાં. રાવણના મહેલની આ અશોકવાટિકા સુંદર અશોકવૃક્ષોથી ભરેલી હતી. રાવણ અને રાક્ષસીઓના પહેરા વચ્ચે પણ સીતાજીએ ધૈર્ય અને પતિવ્રતા ધર્મ નિભાવ્યો. સમગ્ર લંકામાં ફક્ત ત્રિજટા જેવી બહુ જ રાક્ષસીઓ સીતાજી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી હતી.

સીતાજી રોજ શ્રીરામનું સ્મરણ કરતાં એક જ આશાએ દિવસો ગાળતાં હતાં કે,'પ્રભુ શ્રીરામ જરૂર બચાવવા આવશે.' અહીં જ હનુમાનજી પ્રથમવાર સીતાજીને મળ્યા : રામની વીંટી અને સંદેશો પહોંચાડયો.

અશોકવાટિકા જાણે સીતાજીના દુ:ખમાં આશા, ધૈર્ય અને ભક્તિનું પ્રતીક બની ગઈ હતી ! સુંદરકાંડમાં આ પ્રસંગનું અદ્ભુત વર્ણન છે.

જે સમયે રાવણ ક્રોધાયમાન થઈ હાથમાં તલવાર લઈ માતા સીતાને મારવા દોડે છે ત્યારે આ પ્રસંગે હનુમાનજીને થાય છે કે, એની તલવાર એના હાથમાંથી ઝૂંટવી લઈ એની જ તલવારથી એના મસ્તકને ધડથી અલગ કરી દેવું જોઈએ, પરંતુ ક્ષણમાત્રમાં તેમણે જોયું કે, રાવણની પત્ની મંદોદરીએ આવી અને રાવણનો હાથ પકડી લીધો. આ દૃશ્ય જોઈને શ્રી હનુમાનજી ગદગદિત થઈ ગયા અને વિચારે છે કે, 'જો હું આગળ વધ્યો હોત તો મને ભ્રમ થઈ જાત કે, 'જો હું ન હોત તો સીતાજીને કોણ બચાવત ?' શ્રી હનુમાનજીની ચિંતનધારા આગળ ચાલી કે,'પ્રભુ શ્રીરામે આ કાર્ય રાવણની પત્ની મંદોદરીને સોંપી દીધું.'

ત્રિજટા કહી રહી હતી કે, 'મેં સ્વપ્નમાં જોયું કે, એક વાનર લંકામાં આગ લગાવી રહ્યો છે.' શ્રી હનુમાનજી એ સાંભળીને ચિંતિત થઈ ગયા કે, 'પ્રભુએ લંકા બાળવાનું તો મને કહ્યું નથી, તેથી હું કદાપિ સામે ચાલીને લંકાદહનનું કૃત્ય ન જ કરું. ત્રિજટાનું સ્વપ્ન મારે માટે પરમ આશ્ચર્યજનક છે.'

જ્યારે રાવણના સૈનિકો તલવારો લઈને હનુમાનનો વધ કરવા દોડયા ત્યારે શ્રી હનુમાનજીએ જરા પણ તેનો પ્રતિકાર કરવાની ચેષ્ટા ન કરી. વિભીષણે વચ્ચે આવીને કહ્યું કે,'દૂતને મારી શકાય નહીં. દૂતને મારવો તે નીતિ વિરુધ્ધ છે.' ત્યારે રાવણે કહ્યું કે,' આ વાનરને મારવો નથી પણ તેની પૂંછ પર કપડાંઓ લપેટો અને તેના પર ઘી લગાવી અને તે કપડાં પર આગ લગાવી દો.'

સૈનિકોએ પૂંછને કપડાં લપેટી દીધાં. એ કપડાંને ઘીથી તરબોળ કર્યા અને પછી તેના પર આગ લગાવી દીધી. શ્રી હનુમાજીનું વિશાળ પૂંછ એક આગનો દાવાનળ બન્યો ત્યારે એમણે શ્રીલંકાની મહેલાતો અને રાજમહેલ વગેરે ઇમારતો પર કૂદાકૂદ કરી અને શ્રીલંકાના કેટલાય ભાગો આગની લપેટમાં આવી ગયા, ત્યારે એક ઊંચા વૃક્ષ પર પવનપુત્ર શ્રી હનુમાન ક્ષણિક વિશ્રામ લઈ રહ્યા હતા ત્યારે તેમની ભીતર એક ચિંતનધારા ચાલી. ત્રિજટાનું સ્વપ્ન સત્યમાં પરિણમી રહ્યું છે. શ્રીલંકા આગમાં લપેટાઈ ચુકી છે. આખરે શ્રીરામની લીલા અદ્ભુત છે !' હું કઈ રીતે લંકાને બાળી શકું ? હું કપડાં ક્યાંથી લાવું ? ઘી ક્યાંથી લાવું ને મારી પૂંછ પર હું આગ કેમ લગાડું ? લોકોમાં તો એ જ ચર્ચા છે કે સીતાજીને મળવા આવેલ વાનરે લંકામાં આગ લગાડી દીધી. કેવો અદ્ભુત પરાક્રમી વાનર છે !' શ્રી હનુમાનજી પુન:વિચારે છે કે,'આમાં હું ક્યાં પરાક્રમી ? આમાં મારું પરાક્રમ ક્યાં ? મને તો લાગે છે કે શ્રીરામે ખુદ રાવણને પોતાની લંકાને આગ લગાડવાનું કામ સોંપ્યું જેથી તેમણે પૂંછને આગ ચાંપવાની આજ્ઞાા કરી. ભગવાન શ્રીરામ તેમની પાસે ધાર્યું કામ કરાવી શકે. હવે મને લાગે છે કે, અહીં મારા હું નો છેદ ઊડી ગયો અને મારા હુંપણા ના ભ્રમનું વિસર્જન થયું.

અહીં આપણને પવનપુત્ર શ્રી હનુમાનજી પ્રજ્ઞાા વિનમ્રતાનાં દર્શન થાય છે. એમની આ સજાગતા એમના ચિત્તમાં પ્રવેશતાં સૂક્ષ્મ અહંકારના પ્રવેશની સામે ઢાલ બનીને ઉભી રહે છે. આપણા રોજબરોજનાં જીવનમાં આપણને જ્યારે જ્યારે સફળતા મળે ત્યારે ત્યારે આપણને આપણી બુદ્ધિ કે કૌશલ્ય પર ગર્વ થવા લાગે છે. 'હું હતો તો આ કામ થયું, હું ન હોત તો શું થાત ?' આપણે ક્યારેક કાર્ય કારણને અનુબંધને સમજ્યા વિના મિથ્યા અભિમાનમાં રાચતા હોઈએ છીએ. સ્વભાવ કાળ પુરુષાર્થ, નિયતિ અને કર્મ, આ પાંચ સમવાયના સંયોગ વિના કાર્ય સંભવી ન શકે. વળી નિમિત્ત અને ઉપાદાન પણ હાજર હોય છે.

આદિકવિ નરસિંહ મહેતાએ કહ્યું છે- 'હું કરું હું કરું એ જ અજ્ઞાાનતા ! શકટનો ભાર જેમ શ્વાન તાણે.'