Get The App

ગમે તે ગુરૂ પાસેથી યોગાસન શીખવાથી નુકસાન

Updated: Jan 13th, 2020

GS TEAM

Google News
Google News
ગમે તે ગુરૂ પાસેથી યોગાસન શીખવાથી નુકસાન 1 - image


યોગસાધના કોઈ અનુભવી-નિષ્ણાત યોગી કે સાધકના માર્ગદર્શન મુજબ કરવી જરૂરી છે. ઉત્તમ માર્ગદર્શન મુજબ થયેલી યોગ સાધનાથી શરીર અને મન બંનેને ફાયદો થાય

આજકાલ શિયાળાની ઠંડી ઠંડી કૂલ કૂલ મોસમ છે. આમ પણ આરોગ્ય માટે શિયાળો ઉત્તમ ગણાય છે. ઘણાં લોકો વહેલી સવારના ટાઢા બોળ વાતાવરણમાં બહાર ફરવા નીકળે, ખુલ્લી-તાજી હવામાં કસરત અથવા યોગાસન કરીને શરીરમાં તાજગી અને ઉત્સાહનો ભંડાર ભરી દે.

જોકે કસરત અને યોગાસનના અનુભવી નિષ્ણાતો આવાં ઉત્સાહી લોકોને બહુ ઉપયોગી બાબત સમજાવતાં કહે છે, શિયાળામાં કસરત કરવી, યોગાસન કરવાં અને દોડવા જવું જરૂર આવકારદાયક છે. આમછતાં યોગાસન અને કસરત કરવાની અમુક ચોક્કસ પધ્ધતિ છે. ઉપયોગી માર્ગદર્શન મુજબ યોગાસન કે કસરત ન થાય કે પછી કેમ. કઈ રીતે દોડવું તેની સાચી જાણકારી ન હોય તો શરીરને ફાયદો થવાને બદલે ઉલટું નુકસાન થાય. ક્યારેય ગંભીર પરિણામ પણ આવી શકે. ખાસ કરીને યોગાસન અને કસરત કરતી વખતે શરીરનાં અંગ-ઉપાંગો જુદી જુદી સ્થિતિમાં આવે છે. આવી સ્થિતિ કદાચ પણ ખોટી કે આડીઅવળી હોય તો શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. આંતરિક કે બાહ્યરૂપ  અવયવોને ઈજા થઈ શકે છે.

આ રહી ઉપયોગી માર્ગદર્શિકા

યોગાસન-અથવા યોગ-ધ્યાન:

યોગ-ધ્યાન એક વિશિષ્ટ પ્રક્રિયા છે. ભારતીય યોગશાસ્ત્ર એમ કહે છે કે યોગ ફક્ત શારીરિક ક્રિયા કે કસરત નહીં પણ મન, ચિત્ત, વૃત્તિઓને શાંત અને સંયમી બનાવવાની એક ખાસ પ્રકારની સાધના છે. યોગ સાધનામાં મન-હૃદય અને પરમાત્મા વચ્ચે સેતુ સધાય છે. મનને ઈશ્વરમાં લીન કરવાનો શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. સરળ રીતે સમજીએ તો યોગ સાધના દરમિયાન શરીર અને મનનું ઉત્તમ સંયોજન સધાય છે. એટલે ખરેખર તો યોગસાધના કોઈ અનુભવી-નિષ્ણાત યોગી કે સાધકના માર્ગદર્શન મુજબ કરવી જરૂરી છે. આમ ઉત્તમ માર્ગદર્શન મુજબ થયેલી યોગ સાધનાથી શરીર અને મન બંનેને ફાયદો થાય. તંદુરસ્તી વધે. મનની શક્તિ અનેકગણી વધે અને જીવન શિસ્તબદ્ધ બને. નિરાંત, શાંતિ અને આનંદનો અનુભવ થાય. તન-મનમાં ઉર્જા-ચેતનાના ફુવારા ઉડે.

ક્યાં આસન કોણે કરવાં-ન કરવાં

અનુભવી યોગ શિક્ષકો બહુ ભારપૂર્વક કહે છે. યોગાસન કરતી વખતે અમુક બાબતોની ખાસ કાળજી રાખવી જરૂરી છે. એટલે કે બધી ઉંમરનાં લોકો બધાં યોગાસન ન કરી શકે. અમુક વ્યક્તિઓનું શરીર બહુ કડક લાકડા જેવું હોય, જાડું કોથળા જેવું અને ભારે ભરખમ લોખંડ જેવું હોય. આવી વ્યક્તિઓએ શિર્ષાસન હુલાસન, પશ્ચિમોત્તાનાસન વગેરે જવાં થોડાં અઘરાં-કઠીન યોગાસન ન કરવાં. બીજીબાજુ કેટલીક વ્યક્તિઓનાં શરીર કુમળાં અને રબર જેવાં હોય. એટલેકે તેમનાં શરીરમાં સખતપણું નથી હોતું. આવી વ્યક્તિઓ જુદાં જુદાં યોગાસન કરે તો તેમના સ્નાયુઓને અને અંગ-ઉપાંગોને જરાય નુકસાન નથી થતું. પણ તન-મન હળવાં ફૂલ-તરોતાજાં રહે છે. જોકે ભારેખમ વજન ધરાવતાં અને જાડાંપાડાં લોકો અનુભવી-નિષ્ણાત યોગ શિક્ષકના માર્ગદર્શન મુજબ શવાસન, જેવાં સરળ યોગાસનો કરવાં જોઈએ.

શ્વાસોચ્છવાસ-પ્રાણાયમ:

અમુક લોકો નિયમિત રીતે પ્રાણાયમ કરતાં હોય છે. પ્રાણાયમ એટલે શ્વાસોચ્છવાસની તાલબદ્ધ પ્રક્રિયા. જોકે પ્રાણાયમ પણ કોઈ અનુભવી અને નિષ્ણાત યોગ શિક્ષકના માર્ગદર્શન મુજબ જ થાય તો જરૂર ફાયદાકારક બને. પ્રાણાયમની તાલબદ્ધ અને સાચી પ્રક્રિયાથી શરીરમાંનાં પ્રદૂષિત તત્વો બહાર ફેંકાઈ જાય, શરીરને શુદ્ધ-તાજો પ્રાણવાયુ (ઓક્સિજન) મળે, શ્વાસોચ્છવાસની કુદરતી પ્રક્રિયા વધુ શિસ્ત બદ્ધ-નિયમિત બને, મન-ચિત્ત શાંત-સ્થિર બને અને ઉર્જા-ચેતનાનો ભંડાર ભરાય. ઉપરાંત યાદશક્તિ તેજ-ધારદાર બને.

બીજીબાજુ કોઈ અનુભવી યોગ શિક્ષકના માર્ગદર્શન વગર પ્રાણાયામ કરવાથી ઉલટું નુકસાન થઈ શકે. ખાસ કરીને અનુભવી યોગગુરુઓના કહેવા મુજબ યોગ્ય માર્ગદર્શન વગર પ્રાણાયમ કરવાથી યાદશક્તિને ભારે નુકસાન થઈ શકે છે.

વિશેષ માર્ગદર્શન:

અનુભવી યોગ શિક્ષકોના કહેવા મુજબ અમુક લોકો બજારમાં વેચાતી યોગસાધના અને યોગાસન વિશેની સિડી ખરીદીને તેની ફિલ્મ જોઈને યોગ સાધના અને યોગાસન કરે છે. જોકે આવી બિન અનુભવી, તાલીમ નુકસાન કરે. ખાસકરીને 'જલનેતી' પ્રક્રિયા બહુ અટપટી હોય આમછતાં ફાયદાકારક પણ છે. જોકે કોઈ ચોક્કસ યોગગુરુના માર્ગદર્શન વગર 'જલનેતી' કરાય તો તેનાથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને ગંભીર નુકસાન થઈ શકે છે. ઉપરાંત ભોજન કર્યા બાદ ક્યારેય યોગસાધના કે યોગાસન ન કરવાં. પેટમાં આહારનું પાચન ન થયું હોવાથી પેટના આંતરિક અવયવોને ગંભીર નુકસાન થાય. ઉદાહરણરૂપે વજ્રાસન, પશ્ચિમોત્તાનાસન, હલાસન જેવાં કઠીન યોગાસન કરવાથી પેટના સ્નાયુઓ પર ભારે દબાણ આવે. પરિણામે ઉલટી થાય અને પેટમાં બળતરા પણ થાય.

- ઈશિતા

Tags :