શરીરમાં ગરમી આણતો શિયાળાનો શ્રેષ્ઠ આહાર
શિયાળો એટલે ફૂલગુલાબી ટાઢ માણવાની મોસમ. ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જેને શિયાળો ન ગમે. આ ઋતુમાં પહેરવા-ઓઢવા, હરવા-ફરવા,ખાવા-પીવાની જે મોજ પડે તે અન્ય કોઇ સીઝનમાં ન જ પડે.એમ કહેવાય છે કે આ ઋતુમાં તમે ચોક્કસ પ્રકારનું ભોજન લઇને બારે માસ માટે શરીરને તરોતાજા કરી શકો. તો એવી કઇ કઇ વસ્તુઓ છે જે આ મોસમમાં ખાસ લેવી જોઇએ. આના જવાબમાં આહાર શાસ્ત્રીઓ કહે છે....,
આમોસમમાં આપણું શરીર રીતસર આપણી પાસે એવા આહારની માગ કરે છે જેનાથી દેહમાં ગરમાવો આવે.તેનું કારણ એ છે કે શિયાળામાં ટાઢ પડવાને કારણે આપણી ચયાપચયની ક્રિયા મંદ પડી જાય છે. તેને કારણે જ આપણને આ મોસમમાં આળસ આવે છે. આ પરિસ્થિતિ ટાળવા શરીરને હુંફ મળે એવો ખોરાક લેવાથી દેહમાં ઊર્જા જળવાઇ રહે છે. વળી શિયાળામાં ચોક્કસ પ્રકારનો આહાર લઇને આપણે આપણા શરીરને બારે માસ માટે ઊર્જાવાન બનાવવાની તૈયારી કરી શકીએ છીએ.શરીરને સ્વસ્થ કરનારી વસ્તુઓમાં કુદરતી આહાર મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે...,
તુલસી અને આદુ. આ સીઝનમાં ઘણાં લોકોને બ્રોન્કાઇટીસની સમસ્યા સતાવતી હોય છે. તુલસી અને આદુ બ્રોન્કાઇટીસને બ્રેક કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. આ સિવાય શરદી ,કફ, ગળામાં ખરાશ ઇત્યાદિમાં પણ તુલસી અને આદુનો ઉકાળો અક્સીર પુરવાર થાય છે. તેને કારણે શરીરમાં ગરમાવો આવે છે. તેથી ઝાઝી ટાઢ પડતી હોય ત્યારે તુલસી અને આદુનો ઉકાળો પીવાથી ઠંડીમાં રાહત મળે છે. એટલું જ નહીં, તેનાથી ચયાપચયની ક્રિયા અને રક્ત પરિભ્રમણ ઝડપી બને છે અને સાંધાની પીડામાં રાહત મળે છે.
સામાન્ય રીતે આપણે આપણી રોજિંદી રસોઇમાં હળદરનો વપરાશ કરતાં જ હોઇએ છીએ. પરંતુ જે લોકો હળદર ન વાપરતા હોય તેમણે પણ શિયાળામાં તેનો ઉપયોગ અચૂક કરવો. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે,શરીરને હુંફ મળે છે અને લોહી પણ સુધરે છે.
ઠંડીની ઋતુમાં એવોકેડો ઓઇલ પણ શરીર માટે લાભકારક પુરવાર થાય છે. સૌથી પહેલા તો તેમાં પુષ્કળ પ્રમાણમાં મોનો સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે. જ્યારે સેચ્યુરેટેડ ફેટ્સની માત્રા નહીંવત્ હોય છે.તેમાં કોલેસ્ટરોલ લગીરેય નથી હોતું.વાસ્તવમાં એવોકેડો ઓઇલ અત્યંત પૌષ્ટિક હોય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન એ, ઇ અને ડી હોય છે જે એન્ટિઓક્સિડંટની ગરજ સારે છે.તેમાં સમાવિષ્ટ ફેટ્સ, પ્રોટીન્સ, વિટામીન્સ ઇત્યાદિ આપણા શરીરને ભરપૂર ઊર્જા પૂરી પાડે છે. તેમાં રહેલું પ્રોટીન શરીરમાં કોલેજન અને ઇલાસ્ટિન જાળવવામાં મદદગાર બને છે . તેમાં રહેલી ફેટથી આપણું શરીર મોઇશ્ચર રહે છે.
આ રીતે એવોકેડો શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક પુરવાર થાય છે. રોગપ્રતિકારક શક્તિમાં ધરખમ વૃધ્ધિ કરવામાં રેડ બેલ પેપર પણ મહત્વનો ભાગ ભજવે છે. રેડ બેલ પેપરમાં કોઇપણ ખાટાં ફળો કરતાં પણ અનેકગણું વિટામીન સી હોવાથી તે રાગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘી પચવામાં સૌથી સહેલું ફેટ ગણાય છે. તેથી શિયાળામાં રોજિંદા આહારમાં ઘીનો ઉપયોગ અચૂક કરવો. તેનાથી શરીરમાં ગરમી અને ઊર્જાનો સંચાર થાય છે.
સૌથી મહત્વની વાત એ છે કે તે કબજિયાત દૂર કરવા માટે અક્સીર પુરવાર થાય છે. જેમને કબજિયાતની તકલીફ હોય તે ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને લે તો તે ફાયદાકારક પુરવાર થાય છે. તેથી જ આપણે ત્યાં શિયાળામાં બનાવવામાં આવતા વસાણાઓમાં ઘીનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. તમે બીજી કોઇ રીતે ઘી ખાવાનું પસંદ ન કરતાં હો તો ખીચડી કે દાળભાતમાં એક ચમચી ઘી નાખીને ખાઓ. દાળમાં તેલને બદલે ઘીનો વઘાર કરો. રોટલી પર થોડું વધારે ઘી ચોપડો.પણ શિયાળાની ઋતુમાં ઘી અચૂક ખાઓ.
લસણ પણ આપણા શરીર માટે ગરમ ગણાય છે. આપણે ભલે તેનો વધારે પડતો ઉપયોગ સુગંધ માટે કરતાં હોઇએ છીએ. પરંતુ તે શરદી, ચેપ ઇત્યાદિમાં રાહત આપે છે.
મધ પણ આપણા શરીર માટે હુંફાળુ પુરવાર થાય છે.શિયાળામાં નિયમિત રીતે મધનો વપરાશ કરવાથી શરીરમાં ગરમી જળવાઇ રહે છે. તે રોગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરતું હોવાથી ઠંડીમાં થતી શરદી, કફ, તાવ જેવી વ્યાધિઓ દૂર રાખવામાં મદદ મળે છે.
ગાજર, બીટ, લીલા કાંદા જેવી વસ્તુઓ રોજિંદા આહારમાં હોવી જ જોઇએ.આ બધા કંદમૂળ અન્ય શાકભાજીઓની તુલનામાં પચવામાં વધુ અઘરા હોય છે. પરિણામે શરીરમાં ગરમી પેદા કરે છે. ઊનાળા કે વરસાદની મોસમમાં આપણે ચોક્કસ પ્રકારની વસ્તુઓ ખાવાનું ટાળીએ છીએ. પરંતુ શિયાળામાં તમે દરેક પ્રકારનો આહાર આરામથી લઇ શકો છો.
આહાર તજજ્ઞાો કહે છે કે ઘણાં લોકો ટાઢનું બહાનું કાઢીને જંક ફૂડ ખાય છે. પરંતુ કોઇપણ સીઝનમાં જંક ફૂડ ખાવું સલાહભર્યું તો નથી જ. તેથી જે લોકો ટાઢ ભગાડવાના નામે ફાસ્ટફૂડ ખાતા હોય તેમણે શરીરમાં આવો કચરો ઠાલવવાને બદલે અડદિયા, સૂંઠ નાખેલી ગોળપાપડી જેવી દેશી વસ્તુઓ ખાવી જોઇએ. શરીરમાં ગરમી લાવવા માટે એલચી,બદામ ઇત્યાદિ નાખીને ઉકાળેલું દૂધ પણ શ્રેષ્ઠ પુરવાર થાય છે. આ સિવાય વિવિધ પ્રકારના સૂપ પણ લઇ શકાય.
- વૈશાલી ઠક્કર