નમ્રતા અને સમર્પણનો ગુણ પાંગરે ત્યારે શ્રેષ્ઠ ગુરુ મળે છે

- ઇન્દ્રએ અભિમાનથી પ્રેરાઈ દેવગુરૂ બૃહસ્પતિની અવગણના કરી માટે બૃહસ્પતિ અંતર્ધાન થયા અને ઇન્દ્રએ એનું કષ્ટદાયક ફળ ભોગવવું પડયું
પુરૂષોત્તમની ભક્તિમાં, ઘૃણા, તિરસ્કાર, અભિમાન, વેરવૃત્તિને ક્યારેય સ્થાન મળ્યું નથી. અન્યજીવ પ્રત્યે જેના અંતરમાં આદર, સન્માન, અને સમર્પણની સરવાણી કરે છે. તેના જ અંતરમાં પ્રેમભક્તિ ઉદય થાય છે. અને તે જ ઉત્તમ ભક્ત બની શકે છે. કબીર સાહેબ કહે છે કે
પ્રેમ કોઈ વાડી કે ખેતરમાં નથી ઉગતો કે કોઈ બજારમાં વેચાતો નથી પણ મળતો. રાજા હોય કે પ્રજા ઉંચ હોય કે નીચે કોઈપણ વ્યક્તિ શીશ અર્પણ કરી એટલે કે અભિમાન મૂકીને સમર્પણ દ્વારા પ્રેમને પ્રાપ્ત કરી શકે છે. અહીં કુળ-નાત-જાતનું મહત્ત્વ શૂન્ય થઈ જાય છે. કેવળ આત્માની દિવ્યત જ તેને પ્રભુ સમીપ લઈ જાય છે.
વિદુરનીતિમાં કહેવાયું છે કે
નિરંતર પુણ્ય કરનારની પ્રજ્ઞા-બુધ્ધિ વધે છે અને પ્રાણની-પ્રજ્ઞાની વૃધ્ધિ થતા મનુષ્ય સદા પુણ્ય કરતો રહે છે. જે ભક્તને નથી ઓળખી શકતા, સત્ શાસ્ત્રના મહિમા નથી સમજી શકતા તે હિરણ્યાકશિપુનંક પ્રતિનિધિત્વ કરે છે.
ઇન્દ્રની કથા-વ્યથા: સમગ્ર જગતનું ઐશ્વર્ય પ્રાપ્ત કરી ઇન્દ્ર પોતાના દરબારમાં રાજ સિંહાસન પર બિરાજમાન હતો. સભામાં ઘણા વિદ્યાધરો, અવતરાઓ, સિધ્ધો, ચારણો, મુનિઓ, બેઠા હતા. ઇન્દ્રની સભા અતિ શોભાયમાન લાગતી હતી. તે સમયે અંગિરાના પુત્ર દેવગુરુ બૃહસ્પતિ ઇન્દ્રની સભામાં પધાર્યા ઇન્દ્રએ સત્તાના મંદમાં દેવગુરુ બૃહસ્પતિ પ્રતિ દુર્લક્ષ સેવ્યુ, બૃહસ્પતિને સત્કાર્યા પણ નહીં અને તેમને બેસવા આસન પણ આપ્યું નહિ. ઇન્દ્ર દ્વારા બૃહસ્પતિએ પોતાનું અપમાન અને અવગણના થયેલી જાણી તેમણે ઇન્દ્રની સભાનો ત્યાગ કર્યો. અને ઇન્દ્રની સભાનો ત્યાગ કરી ત્યાંથી વિદાય થયા.
ઇન્દ્રનો અફસોસ : થોડા સમય પછી ઇન્દ્રને સમજાયું કે તેણે પોતાના ગુરુ નું અપમાન કર્યું છે. ઇન્દ્રને પોતાના અપકૃત્ય બાદ ઘણો અફસોસ થયો. ઇન્દ્રએ સ્વિકાર્યું કે મેં આ અત્યંત નિદ્યકૃત્ય કર્યું છે. ઐશ્વર્યના મદથી અભિમાની થઈને મેં મારા જ ગુરુનું અપમાન કર્યું છે. પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે ઇન્દ્રએ બૃહસ્પતિની શોધ આદરી પણ બૃહસ્પતિ પોતાની વિદ્યા દ્વારા અંતર્ધાન થયેલા હતા. આથી ઇન્દ્ર દ્વારા આકરી શોધ કરવા છતાં બૃહસ્પતિ મળ્યા નહિ.
યુદ્ધ : બીજી તરફ શુક્રાચાર્યનો આશરો કરી અસુરોએ દેવો ઉપર યુદ્ધનું આક્રમણ કર્યું. અસુરોએ યુદ્ધમાં દેવને ખૂબ જ હાનિ પહોંચાડી. અસુરોએ દેવોના શસ્ત્ર-અસ્ત્રનો નાશ કર્યો. તેમની સાથળ છૂંદી નાખી. મસ્તકો ઘડથી અલગ કર્યા. આમ તેમણે મહા ઉત્પાત મચાવ્યો. દેવો મૂંજાઈ ગયા. તેઓ આ મહાભયંકર મુશ્કેલીનો ઉપાય મેળવવા બ્રહ્માજી પાસે ગયા. અને પોતાની કથની કહી. બ્રહ્માજીએ કહ્યું, 'તમે દેવોએ ઐશ્ચર્યથી છકી જઈ મહા તપસ્વી બ્રાહ્મણ બૃહસ્પતિનું અપમાન કર્યું. જ્યારે અસુરો ભક્તિથી શુક્રાચાર્યને સેવી બળવાન બની રહ્યા છે. જેમની ઉપર બ્રાહ્મણો અને ગાયોની કૃપા હોય તેમનું ક્યારેય અમંગળ થતું નથી.
બ્રહ્માની સલાહને અનુસરીને દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપ બ્રાહ્મણ પાસે જઈ તેમને નમ્રતા પૂર્વક પ્રણામ કર્યા અને દેવોએ તેમને તેમના પુરોહિત પણ સ્વીકારવા માટે પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળી વિશ્વરૂપ બોલ્યો. 'હે દેવો! તમે લોકપાલોએ યાચના કરી છે એટલે હું આપના પુરોહિત પદનો સ્વીકાર કરૃં છું.'
વિશ્વરૂપે દેવોનું પુરોહિતપણું પદનું સ્વીકાર કરી મહાસિધ્ધ અને અમોધ એવું નારાયણ કવચ દેવાને કહ્યું. અતિ અમોધ એવું આ નારાયણ કવચ સ્તોત્ર પ્રાપ્ત કરીને દેવોએ યુધ્ધમાં દેવોને પડકાર્યા અને મહાભયંકર યુધ્ધ કરી દેવોએ અસુરોને પરાસ્ત કર્યા અને વળી પાછુ તે રાજયસુખને પ્રાપ્ત કર્યું.
શુક્રાચાર્ય : ભૃગુઋષિના સુપુત્ર જેઓ અસુરોના આચાર્યપદે બિરાજમાન થયા. નવગ્રહોમાં 'શુક્રગ્રહના તેઓ સ્વામી છે. શુક્રગ્રહ સંબંધો, વૈભવ, વિલાસ,વીર્ય, આનંદકારક છે.
ઇન્દ્રએ સ્વર્ગનું રાજય મેળવ્યું એટલે તેનામાં સર્વજ્ઞાપણાનો ભાવ આવી ગયો. તેણે એમ માની લીધું કે રાજ્યની પ્રાપ્તિ થવાનું કારણ કેવળ પોતાનું સામથ્ય છે. અસલમાં ઇન્દ્રએ પ્રાપ્ત કરેલ વૈભવની પાછળ દેવગુરૂ બૃહસ્પતિનું અદ્વિતીય માર્ગદર્શન હતું. ઇન્દ્રએ અભિમાનથી પ્રેરાઈ દેવગુરૂ બૃહસ્પતિની અવગણના કરી માટે બૃહસ્પતિ અંતર્ધાન થયા. અને ઇન્દ્રએ એનું કષ્ટદાયક ફળ ભોગવવું પડયું.
શિષ્ટ તેમના ગુરૂની જ્ઞાન જ્યોતથી પૂજાય છે.
- ડો.ઉમાકાંત જે. જોષી








