સિક્કીમનું સૌંદર્યધામ બુધ્ધા પાર્ક અને ઇકો-ગાર્ડન
સિક્કીમમાં ભગવાન બુધ્ધની ૨૫૫૦મી જન્મજયંતિ નિમિત્તે બુધ્ધની ૧૩૦ ફૂટ ઊંચી જંગી કદની પ્રતિમાની સ્થાપના થઈ હતી. આ પ્રતિમા અને આસપાસ વિકસાવેલા મનોરમ્ય ઇકોગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સિક્કિમના દક્ષિણ વિસ્તારમાં આવેલા રાવંગ્લા નજીક આવેલો બુધ્ધાપાર્ક ૨૩ એકરમાં ફેલાયેલો છે. બંને તરફ વનરાજીવાળા વિશાળ રસ્તા ઉપરથી પસાર થાવ ત્યારે ત્યારે આસપાસનો પહાડી વિસ્તાર મનોરમ્ય લાગે છે.
પહાડની ટોચે આવેલી ૧૩૦ ફૂટ ઊંચી બુધ્ધની પ્રતિમા સમગ્ર સિક્કિમમાંથી દેખાય છે. મૂર્તિનું મસ્તક ૩.૫ કિલો સોનાથી મઢેલું છે.
ભગવાન બુધ્ધની ધાતુમાંથી બનેલી આ સૌથી મોટી મૂર્તિ છે. મૂર્તિને તથાગત સાલ કહે છે. તેમાં વપરાયેલી ધાતુઓ વિવિધ નવ દેશોમાંથી લાવવામાં આવેલી અને નવ દેશોની પરંપરાગત ડિઝાઇનોથી સજજ છે. આસપાસ ઇકોગાર્ડન અને ચો-જો તળાવ પણ જોવા જેવા છે. આ સ્થળે રાબોંગ ગોમ્પા બૌધ્ધ મઠ બૌધ્ધોનું યાત્રાધામ છે.