નિર્બલ સે લડાઇ બલવાન કી, યહ કહાની હૈ દિયે કી ઔર તુફાન કી

- સિને મેજિક- અજિત પોપટ
- બહુ લોકપ્રિય ભજન છે- 'ગિરધારી રે મ્હને ચાકર રાખો જી, ચાકર રહેશું ને બાગ લગાવીશું, નીત નીત સેવા કરીશું...' અહીં સંગીતકારે ખૂબીપૂર્વક રાજસ્થાની લોકસંગીતનો આધાર લીધો છે અને સર્વ સમર્પણની ભાવનાને પ્રગટ કરી છે.
- 'તુફાન ઔર દિયા'
કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોર)ના એક અજોડ સુભાષિતનો ભાવાનુવાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ નરસિંહ મહેતાના લાડકા ઝૂલણા છંદમાં કર્યો છે. માણો એ સુભાષિત - 'અસ્ત થાતાં રવિ પૂછતાં અવનિને, સારશે કોણ કર્તવ્ય મારાં, સાંભળી શબ્દ એ સ્તબ્ધ ઊભાં સહુ, મોં થયાં સર્વના સાવ કાળાં, એ સમે કોડિયું એક માટી તણું ભીડને કોક ખૂણેથી બોલ્યું, મામૂલી જેટલી મારી ત્રેવડ પ્રભુ, એટલું સોંપજો તો કરીશ હું...' હવે એક ઊર્દૂ શાયરનો આ શેર જુઓ- 'મેરી કોશિશ કો સંવારો, મેરે હમરાઝ ચલો, મૈંને એક શમા જલાઇ હૈ, હવાઓં કે ખિલાફ...'
મરાઠી ભાષાના લબ્ધપ્રતિ કવિ-ગીતકાર, પટકથા લેખક ગ. દિ. (ગજાનન દિગંબર) માડગુળકરની એક વાર્તા પરથી વી. શાંતારામે ૧૯૫૬માં એક ફિલ્મ બનાવેલી- 'તુફાન ઔર દિયા'... દર્શકોમાં બેઠેલી બહેન-દીકરીની આંખો ભીની થાય એવી સામાજિક કથા ધરાવતી આ ફિલ્મમાં આમ તો સાત-આઠ ગીતો હતાં. આપણે બે-ચાર ગીતોનો આસ્વાદ માણીએ. બે-ત્રણ રચના ભક્ત-કવયિત્રી મેવાડની રાજરાણી મીરાંબાઇની હતી. બાકીનાં બધાં ગીતો ભરત વ્યાસનાં હતાં. મથાળામાં જે ગીતનું મુખડું આપ્યું છે એની પ્રેરણા શક્ય છે, ગીતકારને રવીન્દ્રનાથ ઠાકુરના સુભાષિત પરથી મળી હોઇ શકે. અહીં એક ભાઇબહેનના સંઘર્ષની કથા છે. પિતા અકાળે અવસાન પામ્યા છે અને માતા બીમારીના ખાટલે પડી છે. નિયમિત આવકનું કોઇ સાધન નથી. ભાઇબહેન સતત સંઘર્ષ કરે છે, સંજોગો સામે લડે છે. કોડિયાનું પ્રતીક આ બંને ભાઇબહેન છે અને સંજોગો વાવાઝોડાનું પ્રતીક છે એટલે ફિલ્મનું ટાઇટલ રાખ્યું 'તુફાન ઔર દિયા'.
અહીં એક સરસ આડવાત. છેક સામવેદની ઋચાઓથી ચાલ્યા આવતા ભારતીય ક્લાસિકલ સંગીતના વિવિધ રાગરાગિણી અંગે વિદ્વાનોએ સૂચનો કર્યાં છે. કયા રાગથી કયા રસની નિષ્પત્તિ થાય અને એ રાગ કયા સમયે ગવાય એની ચોક્કસ મર્યાદા બાંધી રાખી છે. હિન્દી ફિલ્મસંગીતના સર્જકોએ આવી કેટલીક મર્યાદાની પાળ તોડી નાખીને અનોખું સર્જન કર્યું છે. આપણે અગાઉ વાત કરેલી કે રાગ માલકૌંસ ભક્તિરસ પ્રધાન હોવાનો વિદ્વાનોનો અભિપ્રાય રહ્યો છે. ફિલ્મ સંગીતકારોએ પ્રણયની ભાવના વ્યક્ત કરતાં ગીતોમાં રાગ માલકૌંસનો કલાત્મક ઉપયોગ કર્યો છે. એકાદ બે દાખલા યાદ કરાવું- 'અંખિયન સંગ અખિયાં લાગી આજ, ઝૂમે બાર બાર, મેરે મન મેં પ્યાર, નિત ઐસા તો મૌસમ આયે ના...' (ફિલ્મ 'બડા આદમી', સંગીત ચિત્રગુપ્ત અને ગાયક મુહમ્મદ રફી), 'જાન-એ-બહાર હુશ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ અરે વલ્લાહ કમાલ હૈ...' (ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા', સંગીત રવિ અને ગાયક મુહમ્મદ રફી). આવા બીજા પણ દાખલા છે. આપણે અહીં અટકીએ.
સંગીતકાર વસંત દેસાઇએ ઔર એક પ્રયોગ અહીં કર્યો છે. રાગ માલકૌંસ અને તાલ કહરવા. ગાયક મન્ના ડે. અહીં ટાઇટલ ગીત 'નિર્બલ સે લડાઇ બલવાન કી, યહ કહાની હૈ દિયે કી ઔર તુફાન કી...' ગીતમાં શૌર્ય કે રૌદ્ર રૂપ પ્રગટ કરવા રાગ માલકૌંસનો ઉપયોગ થયો છે. ગીતના શબ્દોમાં રાગ માલકૌંસથી શૂરવીરતા પ્રગટે છે. અંતરામાં ગીતકારે કહ્યું છે, 'ઇક રાત અંધિયારી, થી દિશાયેં કારી કારી, અંધિયારે કો મીટાને, જગ મેં જ્યોત જગાને, ઇક છોટા સા દિયા થા કહીં જલ રહા, અપની ધૂન મેં મગન, ઇસ કી તન મેં અગન, ઉસ કી લૌ મેં લગન ભગવાન કી, યહ કહાની હૈ દિયે કી ઔર તુફાન કી...' છે ને કમાલ ! મન્ના દાએ ગીતમાં પોતાના કસાયેલા કંઠથી પ્રાણ પૂર્યા છે.
કલ્પના સંજોગો સામે લડવાની જ છે. અભિવ્યક્તિ બદલાઇ છે. બાકી વાત એની એ જ છે. 'મેરી આન ભગવાન, મેરી આન ભગવાન, કણ કણ સે હૈ લડી, વો તુમ સે ભી આજ લડેગી, મેરી બાત તુમ્હે રખની પડેગી, દેખો અપનોં પે દુ:ખ, છૂપાઓગે મુખ, આપસ કી રાર બઢેગી, મેરી બાત તુમ્હે રખની પડેગી...' અહીં સંગીતકારે સદા સુહાગિન રાગિણી ભૈરવી વાપરી છે અને તાલ છ માત્રાનો દાદરો છે. અગાઉ જે ભાવના રાગ માલકૌંસના ઉપયોગથી સર્જેલી એ અહીં ભૈરવીથી સર્જી છે.આ ગીત ગીતા દત્તના કંઠે રજૂ થયું છે.
મીરાંની એક અદ્ભુત સાખી લોકપ્રિય છે- 'જો મૈં ઐસા જાનતી કે પ્રીત કિયે દુ:ખ હોય, તો નગર ઢંઢોરા પીટતી, પ્રીત ન કરીયો કોઇ.' આ ગીતની રચના મીરાંબાઇની છે. અહીં પ્રીત કરીને પલાયન કરી ગયેલા પ્રીતમને વિરહિણી નાયિકા કહે છે- 'પિયા તે કહાં ગયો, નિહરા લગા કે, છાંડ ગયા કહા દિખા કે પ્રેમ કી પાતી ફરાર, પિયા તે કહાં ગયો...' અહીં રાગ જૌનપુરીનો આધાર લઇને વિરહરસ પ્રગટ કર્યો છે.
વિરહિણી નાયિકા એ પછી તો પિયુને મનાવવા સમર્પણની ભાવના વ્યક્ત કરે છે. કમ સે કમ મને તમારી સેવિકા તરીકે તો સ્વીકારો. બહુ લોકપ્રિય ભજન છે- 'ગિરધારી રે મ્હને ચાકર રાખો જી, ચાકર રહેશું ને બાગ લગાવીશું, નીત નીત સેવા કરીશું...' અહીં સંગીતકારે ખૂબીપૂર્વક રાજસ્થાની લોકસંગીતનો આધાર લીધો છે અને સર્વ સમર્પણની ભાવનાને પ્રગટ કરી છે. મીરાંનાં બંને ભજનો લતાના કંઠમાં છે.
મીરાંનું વધુ એક ભજન 'મુરલિયાં બાજે રે જમુના કે તીર...' - આ રચનાને ક્લાસિકલ મ્યુઝિકના ટોચના ગાયકોએ જુદી જુદી રીતે પ્રસ્તુત કર્યું છે. ઠુમરી તરીકે પણ આ રચના ધૂમ લોકપ્રિય નીવડી છે. અહીં લતાના કંઠમાં સંગીતકારે ભૈરવી અને રાજસ્થાની માંડનું મીઠ્ઠું સંયોજન કરીને ગવડાવી છે.
ફિલ્મનાં લગભગ બધાં ગીતો ૧૯૫૦ના દાયકામાં ઘેર ઘેર ગવાતાં રહ્યાં. સંગીત સુપરહિટ નીવડયું હતું. જોકે વસંત દેસાઇ વી. શાંતારામની રાજકમલ સંસ્થાના કર્મચારી હતા એટલે એમને હિટ નીવડેલા સંગીતની આવકનો હિસ્સો મળ્યો નહોતો એ સમજી શકાય એવી વાત છે.
વસંત દેસાઇ શુદ્ધ અભિજાત સંગીતને વફાદાર રહીને પણ કર્ણપ્રિય અને હિટ ગીતો આપતા રહ્યા એની પાછળ રહેલા રહસ્યની વાત હવે પછી.








