Magazines

શીખવાની કલા .

By GS TEAM
6 Feb 20262 mins read
શીખવાની કલા                                   .

- ઝોટા સુચી

આનંદ દસમાં ધોરણમાં ભણતો હોવાથી તે આખો દિવસ લખવા અને વાંચવામાં જ રચ્યો-પચ્યો રહેતો. એક વખત તે વાંચીને બહુ થાકી ગયો હતો.

આનંદને ઉદાસ જોઈને દાદાજીએ કારણ પૂછ્યું. આનંદ બોલ્યો, 'દાદાજી, મારી પરીક્ષાઓ નજીક છે એટલે હું રોજ કરતાં વધારે વાંચુ છું, અને કદાચ એટલે જ મારું માથું દુખી રહ્યું છે! પણ અમને શીખવવામાં આવ્યું છે કે આપણે માત્ર પુસ્તકોમાંથી જ શીખી શકીએ એવું ના હોય! બહારની દુનિયા તો પુસ્તકોની દુનિયાથી ઘણી અલગ હોઈ શકે.'

દાદાજી કહે, 'સાવ સાચી વાત. ચાલ, હું તને તળાવની પાળે લઈ જાઉં.' 

દાદાજી અને આનંદ તળાવે ગયા. બંને એક સ્વચ્છ બેંચ પર બેઠા. દાદાજી માછલીઓ માટે થોડા બિસ્કીટ લાવ્યા હતા. આનંદ અને દાદાજી માછલીઓને બિસ્કીટ ખવડાવ્યાં. આનંદ તો ખુશ ખુશ હતો. 

ઘરે પરત જતી વખતે દાદાજીએ આનંદને પૂછયું, 'બેટા, અહીંથી તે શું શીખ્યું?' આનંદએ થોડું વિચાર્યું, પછી કહ્યું, 'દાદાજી, આમા શું શીખવાનું હતું?' 

દાદાજી ખડ ખડ કરતાં હસી પડયા. પછી કહે, 'પહેલી વાત, જ્યારે આપણે અહીં આવ્યા ત્યારે તળાવની આ બાજુ એકેય માછલી નહોતી, પણ આપણે બિસ્કીટ નાખી તેમને બોલાવવાનો પ્રયત્ન  કર્યો. થોડી વાર સુધી માછલીઓ ન આવી, પણ આપણે કોશિશ કરવાનું ન છોડયું. એટલે પછી આટલી બધી માછલીઓ તને મળવા આવી ગઈ. બીજી વાત, તળાવમાં બગલો પણ હતો. માછલીઓ બિસ્કીટ ખાતી હતી અને બગલો માછલી ખાતો હતો! એ જેટલી વાર પાણીમાં મોઢું નાખતો હોત, દર વખતે ધ્યેય ચૂક્યા વિના માછલીને મોંમાં પકડી લેતો હતો. આપણે બીજા પ્રાણીઓની હિંસા કરવાનું શીખવાનું નથી, પણ બગલા પાસેથી આપણે એકાગ્રતા અને ધ્યેય સિદ્ધ કરતાં શીખવાનું છે.'

આનંદ કહે, 'અરે વાહ, દાદાજી! આવું બધું તો મેં વિચાર્યું જ નહોતું. હું એ વાત પણ શીખ્યો કે નાની નાની વાતોમાંથી પણ ઘણું શીખવાનું હોય છે. જો આપણાં આંખ અને કાન ખૂલ્લા હોય, તો આપણે આસપાસ બનતી ઘટનાઓમાંથી સતત શીખી શકીએ છીએ... '

દાદાજી કહે, 'વેરી ગુડ, આનંદ!'

આનંદ અને દાદાજી ઘરે પાછા ફર્યા. તાજોમાજો થઈ ગયેલો આનંદ પાછો વાંચવા બેસી ગયો. આ વખતે બગલા જેવી એકાગ્રતાથી!