શિયાળામાં પણ ત્વચા સુંવાળી અને હાથ-પગ હૂંફાળા રાખવાની કળા
શિયાળાના આગમન સાથે ઠંડીનો ચમકારો શરુ થઇ ગયો છે. એટલે હવે હાથ-પગની ત્વચા સૌથી પહેલા ફાટવા માંડશે. અલબત્ત, આ ઋતુમાં સમગ્ર શરીરની ત્વચા રુક્ષ થઇ જતી હોય છે. પણ સામાન્ય રીતે લોકો ચહેરાની ચામડીની કાળજી વધુ કરે છે અને હાથ-પગની ત્વચા પ્રત્યે દુર્લક્ષ સેવે છે. પરંતુ જો તમારા હાથ-પગની ત્વચા ફાટેલી હશે તો તમારા ચહેરાની સુંદરતાનો કોઇ અર્થ નહીે સરે. અહીં નિષ્ણાતો હાથ-પગનું સૌંદર્ય જાળવવાની માહિતી આપે છે.
પેડીક્યોર કરવાથી પહેલા નખની આસપાસ ક્યુટિકલ ક્રીમ લગાવો. થોડો સમય આ ક્રીમ રહેવા દેવાથી ક્યુટિકલ્સની આજુબાજુની ત્વચા નરમ થઇ જાય છે.
પેડીક્યોરના પાણીમાં થોડું શેમ્પૂ, એક મોટો ચમચો મીઠું, એક નાની ચમચી ગ્લીસરીન નાખીને સારી રીતે હલાવો.આ પાણીમાં પગ બોળવાથી પહેલા ચાહો તો થોડું બ્લીચ એક્ટીવેટર પણ ઉમેરી શકાય. આમ કરવાથી પગની કાળી પડી ગયેલી ત્વચા ઉજળી બની જશે. આ પાણીમાં તમે હાથ પણ ડૂબાડી શકો છો. હાથ-પગ થોડીવાર ભીંજવી રાખ્યા પછી પગની ત્વચા નરમ પડી જાય એટલે તેને પ્યુમિક સ્ટોન વડે હળવા હાથે ઘસો. આમ કરવાથી મૃત ત્વચા દૂર થશે અને એડી સુંવાળી લાગશે.
હવે પાણી બદલી નાખો. ટબમાં હુંફાળુ પાણી લઇને તેમાં થોડીવાર પગ ભીંજવી રાખો. ત્યાર બાદ પગ બહાર કાઢી કોરા નેપકીન વડે લુછીને થોડીવાર સુકાવા દો. હવે ક્યુટિકલ પુશર વડે ક્યુટિકલની મૃત ત્વચાને પાછળની તરફ ધકેલો. ત્યાર પછી ક્યુટિકલ કટરથી મૃત ત્વચા કાપી લો. આ રીતે જ મેનિક્યોર પણ કરો.
સ્ક્રબમાં થોડું મધ ભેળવીને હાથ-પગ પર ૧૦ મિનિટ સુધી સ્ક્રબ કરો. તેનાથી તડકામાં કાળી પડી ગયેલી ત્વચા ઉજળી થશે, મૃત ત્વચા દૂર થશે અને ચામડીનો રંગ ખીલી ઉઠશે.
દહીં અને મુલતાની માટીમાં થોડું ગુલાબજળ ઉમેરીને પેક બનાવો. આ પેક હાથ-પગ પર લગાવીને ૧૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ હાથ-પગ ધોઇ લો. આ પેક તમે ચહેરા પર પણ લગાવી શકો છો.
પગની એડી ફાટી જાય તો નિયમિત રીતે ફૂટ ક્રીમ લગાવતા રહો. તમે ચાહો તો ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુનું મિશ્રણ બનાવીને પણ લગાવી શકો છો.
શિયાળામાં પણ બપોરના સમયે ઘરથી બહાર નીકળો તો સન સ્ક્રીન લોશન લગાવવાનું ન ચૂકો.
જો વાસણ ધોવાથી કે પછી ઘરના અન્ય કામો કરવાથી તમારા હાથની ત્વચા કાળી પડી ગઇ હોય તો લીંબુ, ઓલિવ ઓઇલ અને સાકરનું મિશ્રણ તૈયાર કરીને તમારા હાથ પર ત્યાં સુધી ઘસતા રહો જ્યાં સુધી સાકર પીગળી ન જાય. તેવી જ રીતે લીંબુની છાલ નખની આસપાસની ત્વચા પર ઘસવાથી ત્યાંની કાળાશ દૂર કરી શકાય છે.
રાત્રે સુતી વખતે નિયમિત રીતે હેન્ડ એન્ડ ફૂટ ક્રીમ લગાવવાથી હાથ-પગની ત્વચા મુલાયમ અને સ્વસ્થ રહે છે.
શિયાળામાં હાથ-પગ પર કોપરેલ તેલ લગાવવાથી પણ ત્યાંની ત્વચા નરમ-મુલાયમ રહે છે અને ચામડીને પોષણ મળે છે. હાથ-પગની ચામડીને સુંવાળી રાખવાનો આ સૌથી સસ્તો અને કારગર ઉપાય છે. કોપરેલ તેલ લગાવ્યા પછી થોડીવાર રહીને મોજાં પહેરી લો.
અઠવાડિયામાં એક વખત સ્ક્રબ કરીને સ્ટીમ લો. આમ કરવાથી ચામડી પરની મૃત ત્વચા દૂર થશે અને સ્ટીમ ત્વચામાં અંદર સુધી પહોચવાથી ત્યાં સુધીની ચામડીની પરતને ભીનાશ મળશે. સ્ટીમ લેવાથી પહેલા મોઇશ્ચરાઇઝર લગાવવાથી બમણો ફાયદો થાય છે.
હાથ-પગ પર મોઇશ્ચરાઇઝરથી મસાજ કર્યા પછી તેના ઉપર ગરમ પાણીમાં બોળેલું ટુવાલ વીંટાળી દો. થોડીવાર પછી આ ટુવાલ દૂર કરી દો. તમારી ત્વચા સુંવાળી લાગશે.
હેન્ડ એન્ડ ફૂટ સ્ક્રબઃ પાંચથી છ ભીંજવેલી બદામ, દોઠ કપ ક્રીમ, બે મોટા ચમચા તલનું તેલ, એક નાનો ચમચો તુલસી પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવો. તેને હાથ-પગ પર ૧૫ મિનિટ લગાવી રાખો. હવે તેને હળવા હાથે ધોઇ લો.
પાંચથી છ ભીંજવીને છાલ કાઢેલા શીંગદાણા, અડધો ચમચો મધ, બે મોટા ચમચા જવનો લોટ, એક નાનો ચમચો ફૂદીના પાવડર લઇ તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ હાથ-પગ પર લગાવવાથી પણ તેની ત્વચા સુંવાળી બને છે.
એક મોટો ચમચો બદામની પેસ્ટ,એક મોટો ચમચો મધ, એક મોટો ચમચો બેસન, એક મોટો ચમચો ગુલાબજળ, થોડી હળદર અને ઓલિવ ઓઇલની પેસ્ટ બનાવી તેનો ઉપયાગ કરો.
-ઈશિતા