વરસાદી માહોલમાં ત્વચાને ઓઈલ ફ્રી રાખવાની કળા

વર્ષા ઋતુમાં વાતાવરણ ભેજવાળું હોવાથી આપણી ત્વચા પણ તૈલીય બની જાય છે. કેટલાંક લોકોેને તૈલીય ત્વચાને પગલે ચહેરા પર ખીલ નીકળી આવે છે. વળી ચહેરો આખો દિવસ ચીકણો દેખાય તે જુદું. પરંતુ આ સમસ્યામાંથી છૂટકારો મેળવવાનું નથી અઘરું કે નથી ખર્ચાળ. કેટલાંક ઘરગથ્થુ ઉપાયો જ તમારી ત્વચા પરનું વધારાનું તેલ દૂર કરીને તમારા ચહેરાને ખૂબસુરત બનાવવામાં મદદ કરી શકે. જેમ કે .....
મુલતાની માટી અને ગુલાબજળ
બે ચમચી મુલતાની માટી, બે ચમચી ગુલાબજળ, એક ચમચી દહીં, બે થી ત્રણ ટીપાં લીંબુનો રસ સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. પાંચેક મિનિટ પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણેક વખત કરી શકાય. આ પેસ્ટમાં રહેલા એન્ટિમાઈક્રોબાયલ, મિનરલ, એન્ટિઓક્સિડન્ટ, વિટામીન ત્વચા રના તેલને દૂર કરીને ચામડીને ભીનાશ બક્ષે છે.
લીમડાના પાનની પેસ્ટ
લીમડાના પાન ત્વચા પર ઔષધિનું કામ કરે છે. લીમડાના દસેક પાન પાણીમાં ભીંજવીને પછી તેની પેસ્ટ બનાવી લો. તેમાંત્રણથી ચાર ચપટી હળદર ભેળવીને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ચામડી પર રહેલું વધારાનું તેલ દૂર કરવા સાથે ત્વચા પરના ડાઘ-ધાબા પણ મટાડશે.
સંતરાના છાલની પેસ્ટ
સંતરાની છાલ સુૂકવીને તે દળી લો. હવે આ પાવડરમાં ચાર ચમચી દૂધ, એક ચમચી કોપરેલ તેલ, બેથી ચાર ચમચી ગુલાબજળ મિક્સ કરીને પેક બનાવી લો. અઠવાડિયામાં ચારથી પાંચ વખત આ પ્રયોગ કરી શકાય. આ પેક ત્વચા પરનું વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરશે. વાસ્તવમાં સંતરા ત્વચાને એન્ટિઓક્સીડન્ટ્સથી નવાજે છે.
બદામની પેસ્ટ
બદામ સામાન્ય રીતે મગજ માટે ફાયદાકારક ગણાય છે. પરંતુ શું તમે જાણો છો કે બદામથી ત્વચા પણ હેલ્ધી રહે છે. ત્વચાને સ્વસ્થ - નિરોગી રાખવા બદામને રાત્રે પલાળી રાખો. સવારના તે સારી રીતે પીસી લો. તેમાં થોડું મધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ મિશ્રણ ચહેરા પર લગાવીને થોડીવાર રહેવા દો. ત્યાર પછી સાદા પાણી વડે ચહેરો ધોઈ લો. તમારો ચહેરો ઓઈલ ફ્રી અને ચમકદાર દેખાશે.








