લડાઇ જીત્યો એકલો હાથી
અહમદનગરમાં એક હાથીની સમાધિ છે. એ હાથીનું નામ ગુલામઅલી. એ હાથીની કથા આ પ્રમાણે છે:
અહમદનગરમાં ત્યારે મુસ્લિમ રાજ્ય પૂરેપૂરુ સ્થપાઇ ચૂક્યું હતું. છતાં આજુબાજુના મરાઠા તથા રાજપૂતો એ રાજ્યને ઉખાડી મૂકવાના સતત પ્રયાસો કરતા હતા.
વખતોવખત લડાઇ શરૂ થઇ જતી. ઘણીવાર એ લડાઇમાં મુસ્લિમ રાજ્યો ઘેરાઇ જતાં, કેમ કે તેમની પાસે પૂરતું સૈન્ય રહેતું નહિ.
એના ઉપાય તરીકે દિલ્હીના ફરમાન મુજબ અહમદનગરમાં હાથીઓને તૈયાર કરવામાં આવ્યા. હાથીઓને લશ્કરી તાલીમ અપાતી, લડતાં શીખવાડાતું, હુમલાની પદ્ધતિ સમજાવવામાં આવતી. અરે માણસો ઓળખવાની રીતમાં પણ તેમને પારંગત બનાવવામાં આવતા.
આવો જ એક હાથી હતો ગુલામઅલી. અહમદનગર પર રાજપૂતોએ આક્રમણ કર્યું ત્યારે થોડા સૈન્ય સહિત થોડા હાથીઓને પણ મોકલી આપવામાં આવ્યા.
ગુલામઅલીની સરદારી હેઠળ એ હાથીસૈન્ય યુદ્ધમાં આગળ વધ્યું. ખૂનખાર લડાઇની વચમાંથી હાથીઓ આગળ વધતા જ ગયા. તેમને અનેક તીર અને ભાલાઓ વાગ્યા. હાથીઓએ તેમની પરવા કરી નહિ. ગુલામઅલી તો ઠેઠ શત્રુઓની વચમાં ઘૂસી ગયો. તેણે ઘોડા પર બેઠેલા શત્રુઓના સરદારને ઘોડા પરથી ઉપાડી લીધો અને અધ્ધર આકાશમાં તેને ઝૂલે ચઢાવ્યો.
આ જોઇ રાજપૂત સૈનિકો મૂંઝવણમાં પડયા. મુસ્લિમ સરદારને તક મળી ગઇ. તેણે જાહેરાત કરી, 'તમે શરણે આવશો તો જ હાથી તમારા સરદારને જીવતો મૂકશે, નહિ તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેને મારી નાખશે.'
હાથી ગુલામઅલીએ શત્રુ સરદારને હવામાં ઉછાળ્યે જ રાખ્યો. જ્યારે રાજપૂૂતો તે સમય પૂરતા શરણે આવ્યા ત્યારે જ તેણે સરદારને હેઠો મૂક્યો.
એકલા હાથે લડાઇ જીતેલો આ હાથી પછી ઘણું જીવ્યો. તે હાથીઓનો રાજા મનાયો. હાથી ગુલામઅલીની આ યાદ હજી આજેય અહમદનગરમાં મોજૂદ છે.