ક્ષણને જાણે તે પંડિત .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ઓગણીસમી સદીના વિક્ટોરિયન યુગના પ્રમુખ કલા આલોચક આર્ટ સંરક્ષક વાયલ કોરોલીસ્ટ પરોપકારી જ્હોન રસ્કીન સમાજ ચિંતક હતા. તેમની વિશેષતા એ હતી કે, વિક્ટોરિયન સમયમાં પોલીમેથ રૂપે સમગ્ર યુરોપમાં પ્રખ્યાત હતા. પોલીમેથી એટલે એક એવું વ્યક્તિત્વ કે જે પોતાના એજ્યુકેશન અને ચિંતનના પરિપાકરૂપે મળેલ પ્રજ્ઞાા અન્યના જીવનના જટીલ કોયડા-પ્રોબ્લેમ સોલ્વ કરે.
જ્હોન રસ્કિન ટેબલ પર અને એક સુંદર પથ્થરના ટુકડા પર 'આજ' શબ્દ કોતરેલ હતો. એક દિવસ એક મિત્ર તેમની ઓફિસમાં તેમને મળવા આવ્યો. તેણે આ પથ્થરના ટુકડા પર કોતરેલ 'આજ' શબ્દ વાંચ્યો અને આશ્ચર્યસહ જ્હોન રસ્કિનને પૂછયું કે, 'આ 'આજ' કોતરાવેલ શબ્દ સાથેનો આ પથ્થરનો ટુકડો આપે આપના ટેબલ પર કેમ રાખ્યો છે ?' રસ્કિને જવાબ આપ્યો કે, 'મિત્ર, મારા હાથમાંથી મને મળેલી આજ ન સરકી જાય, ન છટકી જાય એટલે મને આજ માટેની સતત સભાનતા રહે. આજ એટલે વર્તમાનમાં જીવવું. મારા હાથમાંથી મારું વર્તમાનના જીવનની ક્ષણો ન નીકળી જાય તેની મને આ પથ્થર સતત યાદ આપે છે, જેથી હું મારા જીવનની પ્રત્યેક વર્તમાનની ક્ષણેક્ષણનો ઉપયોગ કરી શકું.
સામાન્ય રીતે આપણે આપણા જીવનમાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓને વાગોળતા હોઈએ છીએ. ભૂતકાળમાં આપણી સાથે કોઈએ છેતરપિંડી કરી હોય, કોઈએ આપણું અપમાન કર્યું હોય કે કોઈએ આપણને ત્રાસ આપ્યો હોય તો તેનું વારંવાર સ્મરણ થાય તો તે વ્યક્તિ કે જેણે આપણને અન્યાય કર્યો છે તેના પ્રતિ દ્વેષભાવ જાગશે અને આવી ઘટનાઓનાં સ્મરણને આપણે આગળ જ ખેંચતા રહીએ (એટલે કે કેરી ફોરવર્ડ કરતા રહીએ) તો ઘટના અંગે આપણને આર્તધ્યાન થશે અને આ દ્વેષ ગુણકની ગતિએ વધતાં એ રૌદ્રધ્યાનમાં પણ પરિણમે. છુપાયેલી આવી સ્મૃતિઓ આપણને નિકાચિત કર્મબંધમાં ફસાવી દેશે. આ ભવ કે ભવાંતરે આ કર્મો આપણને ભોગવવાં જ પડે. અહીં ક્ષમાના ભાવ ઉપકારક નીવડે એ જ રીતે ઘણીવાર ભવિષ્યમાં આવનારા જીવન અંગે આપણું ચિંતન સતત ચિંતામાં પરિણમતું હોય છે. ભવિષ્ય માટેનું સુખ, આર્થિક અને કૌટુંબિક સલામતી, પાછલી ઉંમરમાં સંતાનો સાચવશે કે નહીં ? આપણી સામાજિક પ્રતિષ્ઠા અને સંબંધોની જાણકારીની ચિંતા, આરોગ્યની ચિંતા ભવિષ્યના આવા કેટલાય નિરર્થક વિચારોમાં આપણે વર્તમાનના આનંદને લુંટાવી દઈએ છીએ.
અહીં ઇતિહાસ કે ભૂતકાળનો છેદ ઉડાડવાની વાત નથી. જીવનમાં પહેલા કરેલાં સત્કાર્યોની પ્રેરણા લઈ સારાં કાર્યો આપમેળે થશે. ભૂતકાળના દુ:ખદ પ્રસંગોની મેમરીને ડિલીટ કરવાથી અને ભવિષ્યની ચિંતા છોડવાથી આપોઆપ વર્તમાનમાં નકારાત્મક અભિગમમાંથી છૂટકારો મળશે અને સકારાત્મક અભિગમ (પોઝિટીવ થિકિંગ) જીવનને મધુર બનાવશે. ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ 'આગમ'માં જણાવ્યું છે કે, 'ખઅં જાણાહિ પંડિએ) (જ્જદૃછ દ્ર્દૃ્ેંર્ં ક્છેંધચ) એટલે કે ક્ષણને જાણે તે પંડિત. જે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે, એક ક્ષણને જાણે છે તે જ મેઘાવી પંડિત છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગણધર ગૌતમસ્વામી અને ભગવાન મહાવીરના સંવાદમાં ભગવાન કહે છે કે, 'હે ગૌતમ, ક્ષણમાત્રનો પ્રમાદ ના કરીશ'. શાસ્ત્રકાર પરામર્શિક પ્રકાંડ પંડિત, એવા ગૌતમસ્વામીને ભગવાન આવી શીખ આપે છે. પાંચ પાંડવો પાસે ભિક્ષા માગવા જનાર કોઈ ખાલી હાથે પાછા ન જાય. એક વખત એક બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે દાન લેવા ગયા. યુધિષ્ઠિર કામમાં હોવાથી બ્રાહ્મણને કહ્યું કે, આવતીકાલે આવજો. બ્રાહ્મણ નિરાશ થઈ પાછો વળ્યો. રસ્તામાં ભીમ મળ્યો. ભીમે બ્રાહ્મણ પાસેથી વાત જાણી. તેને ખૂબ ખેદ થયો. ભૂમે આયુધશાળામાં જઈ ભંભા વગાડી રાજ્યના નિયમ પ્રમાણે વિજય થાય તો જ ભંભા વગાડી શકાય. ભંભાના અવાજથી પશુઓની દોડાદોડી થઈ. નાગરિકોને આશ્ચર્ય થયું. તપાસ કરતાં યુધિષ્ઠિરે ભીમને પૂછયું, 'ભંભા કોણે વગાડી ?' ભીમ કહે, 'મેં વગાડી'. યુધિષ્ઠિર કહે, 'કેમ ?' ભીમ કહે, 'ભાઈ, કાળ જીતાયો તેથી.' યુધિષ્ઠિર કહે, 'કોણે કાળ જીત્યો ?' ભીમે બ્રાહ્મણની વાત કરી અને કહ્યું કે, 'ભાઈ, આપે બ્રાહ્મણને કાલે આવવા કહ્યું. તેથી મેં માન્યું કે, આપે કાળ જીત્યો છે. આપ તો સત્યના પુરસ્કર્તા છો.' યુધિષ્ઠિરે ભૂલ સુધારી બ્રાહ્મણને તુરંત પાછો બોલાવીને દાન આપ્યું.
આપણા મનમાં કોઈ સત્કાર્ય કરવાનો વિચાર આવે તો તે તરત અમલમાં મૂકવો જોઈએ, કારણ કે આપણું મન ચંચળ છે. વૈચારિક પ્રવાહો બદલાયા કરે જેથી શુભ વિચારની ક્ષણને પકડી વર્તમાનમાં જ તેને ચરિતાર્થ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. લોકગીતો કહે છે-
આજની ઘડી રળિયામણી રે, કાલ કોણે દીઠી છે, આજનો લા'વો લીજીયે રે, કાલ કોણે દીઠી છે રે.
કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ; પલ મેં પરલય હોવેગા, બહુરી કરેંગે કબ ?








