Magazines

વૈશાખ શુકલ તૃતીયાનો એ દિવસ ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો!

By GS TEAM
18 Mar 20265 mins read
વૈશાખ શુકલ તૃતીયાનો એ દિવસ ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો!

- આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

- શ્રી ઋષભદેવ ચરિત્ર-13

પૂર્ણિમાનાં ચંદ્રનું દર્શન થતા જેમ પોયણી ખીલી ઊઠે તેમ ભગવાન ઋષભદેવના મુખચંદ્રનું દર્શન થતા શ્રેયાંસકુમારનું હૃદયકમળ ખીલી ઊઠયું. એક વખત એ આનંદથી નાચી ઊઠયા, કારણકે ઋષભદેવને અને એમને નવ નવ ભવનાં સગપણ હતા. જાણે એ સગપણ સાચું કરવા પધાર્યા લાગે છે, પણ એ પછી તરત જ શ્રેયાંસકુમારની દૃષ્ટિ ઋષભદેવના દેહ પર ગઈ. બીજાઓ એમને મણિ, મુક્તા, હાથી કે રથની ભેટ આપતા હતા, એ જોઈને શ્રેયાંસકુમાર બોલી ઉઠયા.

'અરે, આપણે કેવા મૂર્ખ છીએ ! ભગવાને જેને અસાર સમજીને છાંડયું, તે જ અખાજ આપણે તેમને ભેટ ધરીએ છીએ ! જો એમને એ જ જોઈતું હતું, તો આવા વેશે શા માટે નીકળી પડત ? એમને ખજાને શી ખોટ હતી ? અહા ! પ્રભુએ વર્ષથી ભોજન કર્યું નથી ! પ્રભુને અન્નનો ખપ છે. અન્ન વિના એમનો દેહ આવો શિથિલ બન્યો છે. ચાલો, હું પ્રભુને પારણું કરાવું!'

શુભ કાર્યને સદા શુભ યોગ અનુસરે છે, પુણ્ય જાગતા હોય ત્યારે પુણ્યસાધનાની તક આપમેળે આવી મળે છે, બરાબર આ જ વેળા ખેતરોના કોલુમાં પીલીને કાઢવામાં આવેલ શેરડીના રસના ઘડા લઈ કોઈ નગરજન આવી પહોંચ્યો.

શ્રેયાંસકુમારે જોયું કે નિર્દોષ, નિરવધ આહારને યોગ્ય, બેંતાલીસ દોષથી મુક્ત આ ઇક્ષુરસ પ્રભુને યોગ્ય છે. નિષ્પાપ નિરવધ જીવનને યોગ્ય આ ખરેખર નિરવધ પાપમુક્ત આહાર છે.

શ્રેયાંસે શેરડીના રસનું પાન કરવા પ્રભુને વિનંતી કરી. પ્રભુએ કરપાત્ર લંબાવ્યું. ચારે તરફ જયજયકાર થઈ રહ્યો. કંઈ ન સ્વીકારતા પ્રભુએ સ્વીકાર માટે હસ્ત લંબાવ્યા. અનન્ત એ કરપાત્રમાં શ્રેયાંસકુમારે શેરડીનો રસ ઠાલવવા માંડયો. એ પાણિપાત્ર, એ કરપાત્ર જાણે અફાટ મહાસાગર બની ગયું. એકસો આઠ ઘડા એમાં સમાઈ ગયા. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા, પણ આશ્ચર્ય છે કે શ્રેયાંસના ચિત્ત-પાત્રમાં એટલો હર્ષ ન સમાઈ શક્યો. એણે ઘડો લઈ હર્ષનૃત્ય આરંભ્યું.

દીક્ષા પછી વર્ષાન્તે પ્રભુએ ઇક્ષુરસથી પારણું કર્યું. પ્રભુની સુદીર્ધકાલીન ક્ષુધાનું એ પાવનકારી દિવસે શમન થયું. નગરજનોએ ફરી જયજયકાર વર્તાવ્યો. આકાશમાં પંચદિવ્ય પ્રગટ થયાં. વાતાવરણ  દુંદુભિનાદથી ગાજી ઊઠયું. સામાન્ય એવા શેરડીના રસમાં શ્રેયાંસકુમાર ભવોભવની બાજી જીતી ગયો. વસ્તુની મહત્તા નથી, ભાવની મહત્તા છે, એ વાત જગતે એ દિવસે જાણી. શ્રેયાંસનો આનંદ એના ચિત્તપાત્રમાં છલકાઈ ઊઠયો, એનાં રોમેરોમ રોમાંચિત થઈ ઊઠયાં.

આજે એ નિષ્પાપ જીવનનો આદર્શ અને નિરવધ આહારનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો હતો. એણે ક્યાંય સુધી માથે ઘડો મૂકી નૃત્ય કર્યા કર્યું, એ નૃત્યમાં પ્રજાજનો પણ ભળ્યા. વૈશાખ શુક્લા તૃતીયાનો એ દિવસ ઇક્ષુરસના દાનથી અમર થઈ ગયો. પ્રભુએ વર્ષેદિવસે પારણું કર્યું. ત્રણ જગતના નાથનો અભિગ્રહ પૂરો થયો.

ઘેર ઘેર ઉત્સવ મંડાયો. શેરીએ શેરીએ જયજયકાર વર્તી ગયો. પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધો. દેવોને દોહ્યલું શ્રેયાંસે પ્રભુને દાન દીધું ને દેવોને દોહ્યલું મુક્તિદાન પ્રભુએ શ્રેયાંસને આપ્યું.

આને ઇક્ષુતીજ, અખાત્રિજ અથવા અક્ષયતૃતિયાના નામથી ઓળખાય છે. સર્વપ્રથમ ઇક્ષુરસનું પાન કરવાને માટે ઋષભદેવ કાસ્પય નામથી જાણીતા થયા એમ દશવૈકાલિક સૂત્ર કહે છે, જો કે આચાર્ય જિનસેન મહાપુરાણમાં એમ કહે છે કાસ્ય એટલે તેજ, અને ભગવાન ઋષભદેવ તેજના રક્ષક હોવાથી કાસ્પય કહેવાયા. શેરડીના રસના દાનથી વૈશાખ સુદ ત્રીજનો દિવસ અક્ષય કહેવાયો. ભગવાન ઋષભદેવના એક સંવત્સરની તપશ્ચર્યા પછી દાનધર્મની સ્થાપના થઈ. અવસર્પિણી કાળમાં સર્વપ્રથમ દાન શ્રેયાંસકુમારે આપ્યું. ઋષભના વર્ષી તપના પારણાનો ઇતિહાસ આ દિવસ સાથે જોડાઈ જવાથી વર્ષનો તે મહત્ત્વનો દિવસ ગણાયો. એ પછી તો આ પર્વ સાથે અનેક ઘટનાઓ અને પરંપરાઓ જોડાઈ.

એ પછી એક ઘટના જોઈએ. ચોમાસું ચોધારે વરસી ગયું છે. કારતકમાં કાપણી થઈ છે. માગશરે ડૂંડા પિલાય છે. શું ધાન પાક્યાં છે ! છીપમાં મોતી સમાતા નથી, તેમ ડૂંડામાં કણ માતા નથી. ખળું આખું ભરાઈ ગયું છે. ખેડૂત શંબલને હૈયે હર્ષ માતો નથી!

સહુ પોતાના મન-સુખથી દુનિયામાં ભૂલા પડયા છે. સામે ખળાંમા બળદ પોરો ખાય છે. રોજ તો બળદને બરાબર નીરણ થતી. આજ પોતપોતાના આનંદમાં મગ્ન બનેલા સહુ બળદોને ચારો નીરવાનું ભૂલી ગયા છે!

સુખ એવું છે. એ પોતાને પણ ભુલાવી દે છે. બળદ ખળાનાં ડૂંડાને કદી નહોંતા અડતા, પણ ભૂખ કોનું નામ ! આજ ભૂખ્યા બાળક ડૂંડા ખાઈ રહ્યા છે. ખાવાનો વાંધો નહીં, પણ ઢોરની જાત ખરી ને ! જેટલું ખાય છે એનાથી વધુ બગાડી રહ્યા છે.

અચાનક શંબલ ખેડૂતની નજર ત્યાં ગઈ, અરે! પોતાના સોનાના કણ જેવા પાકને આ નગુણા બળદો ખાઈ જાય છે ! ને ખાય છે એનાથી વધુ બગાડ કરે છે.એ રાશ લઈને દોડયા. ધોળા ઇંડા જેવા જાતવાન બળદોને રાશે ને રાશે સબોડવા લાગ્યો. રાજા રિષભ એ વખતે ત્યાંથી પસાર થતા હતા. એ વખતના રાજા પગે ચાલતા. વાડીને ને વગડે ફરતા. પ્રજાનાં સુખદુ:ખ વિચારતા, એમાં આ રાજા રિષભે તો જંગલ જાનવર જેવા માણસને માણસ બનાવ્યો હતો. ખેતી કરતાં શીખવી હતી. કપડાં વણતાં શીખવ્યું હતું. ઘર બાંધતાં શીખવ્યું હતું. માણસ-માણસ વચ્ચે સંબંધ સાંધ્યા હતા. સમાજ રચ્યો હતો.

એવા રાજા રિષભે ખેડૂતને જોયો. એના ક્રોધને જોયો. રાશે રાશે બળદને સબોડતો જોયો. એમનું અંતર કકળી ઊઠયું,'ભાઈ ! આ અબોલ જીવ છે. એ કાંઈ સમજે છે ? આના કરતાં એના મોં પર મોસરિયું બાંધ ને.' ખેડૂત રાજા રિષભને જોઈ શરમાઈ ગયો. એણે કહ્યું, 'પ્રભુ! મોસરિયું બનાવતાં ને બળદને બાંધતા મને આવડતું નથી ! મહેરબાની કરીને આપ કરી બતાવો.'

રાજા રિષભે પાતળી દોરી લીધી. એને આટાં પાડીને બળદને મોંએ ભરાવી શકાય તેવું મોસરિયું ગૂંથી આપ્યું. ખેડૂતે એ મોસરિયું બળદને મોઢે બાંધ્યું.

ભૂખ્યા બળદોનું મોં હવે બંધાઈ ગયું. હવે તેઓ અનાજ ખાઈ શકતા નહોતા. તેઓ સવારના ભૂખ્યા હતા. તેમણે ભૂખનાં દુ:ખે ને ત્રાસે લાંબા નિસાસા નાખ્યા. ખેડૂત તો ફરી કામમાં મશગૂલ બની ગયો. એને બળદોના નિસાસાની પડી નહોતી, પણ રિષભ તો પશુના આત્માને પણ પિછાણનારા હતા. એમણે નિસાસા સાંભળ્યા, સાંભળીને ગણ્યા -પૂરા ૩૬૫ !

એમણે ખેડૂતને બોલાવ્યો ને કહ્યું : 'બળદ ભૂખ્યા છે એનો વિચાર તો કર ! મોસરિયું બાંધ્યું એટલે બસ તારું કામ પત્યું? અબોલની આંતરડી ન દુભવીશ. અબોલના આશીર્વાદ લઈશ તો તારા ખેતરમાં સોનું પાકશે.' ખેડૂત પોતાની ભૂલ સમજ્યો. એણે બળદને દૂર લઈ જઇને બાંધ્યા ને મોસરિયું છોડી ઘાસ નીર્યું.

દયાળુ રાજા વિચાર કરવા લાગ્યો કે મેં બળદને માર ખાતા બચાવવાની દયાથી મોંબંધણું બતાવ્યું, પણ એ મોંબધણું કોઈ કંજૂસ ખેડૂત બળદોને ભૂખ્યા મારવાના ઉપયોગમાં લે તો ? આમ રિષભ વિચાર કરતા ચાલ્યા ગયા.

વાત પૂરી કરતાં શ્રેયાંસકુમારે કહ્યું,'ભાઈઓ ! મોટા મોટા મુનિઓને પણ કર્યા કર્મ ભોગવવાં પડે છે. રણછોડદાસજી મહારાજ- કર્મ કિયા વો ભુગતના પડતા હૈ- એમાંય ભૂખનું દુ:ખ ભારે છે. પ્રભુએ આ બળદને અનાજ ખાતા રોક્યા. એણે ૩૬૫ નિસાસા નાખ્યા. એક એક નિસાસાએ એમને એક એક દિવસ ભૂખ્યા રાખ્યા. અબોલની આંતરડી કકળાવવી એ પાપાનું કામ છે ! (ક્રમશ:)