Magazines

ખાસ ટીનેજરો માટે હવે ટીન-ક્લિનિક

By GS TEAM
18 Aug 20254 mins read
ખાસ ટીનેજરો માટે હવે ટીન-ક્લિનિક

- તરુણાવસ્થામાં છોકરા-છોકરીઓને યોગ્ય માર્ગદર્શનની સૌથી વધુ જરૂર હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને હવે તેમના માટેનાં સ્પેશ્યલ ક્લિનિક શરૂ થઈ રહ્યાં છે

યૌવનને માનજીવનની વસંતઋતુ કહેવાય છે. જેમ વસંતઋતુમાં વૃક્ષોને નવાં ફળ-ફૂલ ખીલે એમ જુવાનીમાં શરીર અને મગજ ખીલે. બાળપણમાંથી યુવાની તરફ જાય ત્યારે દરેક છોકરા-છોકરીમાં ઘણાબધા શારીરિક અને માનસિક ફેરફારો થાય છે. શરીર અને મગજ વિકાસ પામતાં હોય એ વર્ષોમાં તેઓ જુદા-જુદા  અનુભવોમાંથી પસાર થાય છે. ન સમજાય, ન કહેવાય, ન સહેવાય એવી અનેક પરિસ્થિતિઓ અને દુવિધાઓ આ સમયગાળા દરમ્યાન દરેકને સર્જાય છે. આવા વખતે કોઈ સલાહકાર, મદદનીશ કે ડૉક્ટરનું માર્ગદર્શન મળી રહે તો એ આશીર્વાદરૂપ બની રહે. આ જ હેતુથી ખાસ ટીનેજરો માટે હૉસ્પિટલમાં ટીન-ક્લિનિક શરૂ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે.

આપણે ત્યાં નવજાત શિશુઓ, બાળકો, સ્ત્રીઓ, પુરુષો, વૃદ્ધો માટે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો અને ક્લિનિકો છે, પણ ૧૩ થી ૨૦ વર્ષના વયજૂથ તરફ થોડી ઉપેક્ષા છે. પેરન્ટ્સ માની લે છે કે હવે તો છોકરો કે છોકરી પોતાની સારસંભાળ લઈ શકે અને જવાબદારી સમજી શકે એટલાં મોટાં થઈ ગયાં છે એટલે તેમને સ્વતંત્ર સમજીને છોડી દેવામાં આવે છે. પણ તેઓ નથી નાનાં રહ્યાં કે નથી મોટાં થઈ ગયાં. હજી તેમનામાં વિવેકબુદ્ધિ પૂરેપૂરી આવી નથી હોતી.

આ એટલી અટપટી ઉંમર છે જ્યારે તેમને સાચી સલાહ અને માર્ગદર્શનની ખૂબ જરૂર પડે છે. એટલા માટે જ છેલ્લાં દોઢેક વર્ષથી હીરાનંદાની હોસ્પિટલમાં ટીન-ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. અમે એક મલ્ટિ-ડિસિપ્લિનરી ટીમ બનાવી છે, જેમાં જુદાં-જુદાં ક્ષેત્રોના પાંચ નિષ્ણાતો છે. હું પોતે સાઈકિયાટ્રિસ્ટ તરીકે તેમની માનસિક તકલીફો અને મૂંઝવણો દૂર કરું છું, ગાયનેકોલોજિસ્ટ ટીનેજર છોકરીઓની શારીરિક તકલીફો તપાસે છે, ડાયેટિશ્યન વજન, કસરત અને ખાવા-પીવા પર ધ્યાન આપે છે, સ્કિન-સ્પેશ્યલિસ્ટ કે ટર્મેટોલૉજિસ્ટ ચામડીના રોગો, ખીલ, વાળ વગેરેની સંભાળ લે છે અને એન્ડોક્રિનોલૉજિસ્ટ  સિસ્ટમનો અભ્યાસ કરે છે, જેમાં છોકરા-છોકરીઓના શારીરિક અને માનસિક હૉર્મોનલ ફેરફારનું નિરીક્ષણ કરવામાં આવે છે.

ટીનેજરોએ કારકિર્દીલક્ષી મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. પેરન્ટ્સનાં મહત્ત્વાકાંક્ષી સપનાંઓ, આજુબાજુના લોકોનું દબાણ તેમજ ગળાકાપ સ્પર્ધાત્મક વાતાવરણને પહોંચી વળવા અસમર્થ ટીનેજરની બહુ કફોડી દશા થાય છે. તેમના પોતાનાં સ્વતંત્ર મગજ, વિચારો, અનુભવો, દ્રષ્ટિકોણ અને અભિગમ વિકસે છે. પેરન્ટ્સની બધી વાતમાં 'હા'માં 'હા' નથી મિલાવી શકતાં કે બધુ તેઓ કહે એમ જ નથી કરી શકતાં. બન્ને વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. ઘણી વાર પેરન્ટ્સ અને સંતાનો વચ્ચે જનરેશન ગેપની ખાઈ હોય છે. કોઈ એકબીજાના દ્રષ્ટિકોણ સમજવા તૈયાર ન હોય ત્યાંરે પરિસ્થિતિ વધુ વકરે છે. બન્ને પક્ષે પ્રેમ હોય છે, પણ એકબીજાના ઉંમરસહજ વ્યક્તિત્વને સ્વીકારવાની અને સમજવાની ક્ષમતા નથી હોતી. દરેક ઘરમાં દરેક પેરન્ટ્સને, દરેક ટીનેજરને વધતે-ઓછે અંશે આ બધા પ્રૉબ્લેમ આવતા હોય છે. અમે તેમને આમાંથી રસ્તો કાઢવાનો, પરિસ્થિતિ પર કાબૂ કેમ મેળવવો, તનાવ કઈ રીતે દૂર કરવો, સ્વભાવ સારો-શાંત કેવી રીતે કેળવવો વગેરે માનસિક તકલીફો દૂર કરવામાં મદદ કરીએ છીએ.

બન્ને પેરન્ટ્સ વર્કિંગ હોય તો તેમને સંતાનો માટે ઓછો સમય મળે છે. ઘણીવાર તેઓ પોતાની પ્રોફેશનલ જિંદગીમાં એટલાં ખૂંપેલા હોય કે સંતાનો તરફ ઉપેક્ષા પણ સેવાય છે. ત્યારે તેમને એવા નિષ્ણાતની જરૂર પડે છે જે તેમની માનસિક અને લાગણીશીલ જરૂરિયાતો હળવાશથી સમજી શકે. ઘણા કેસમાં મા-બાપને સંતાનોને સાંભળવાનો સમય તો હોય પણ તેમની સમસ્યાનો અસરકારક  ઉકેલ લાવવાની આવડત ન હોય. ત્યારે સ્પેશ્યલિસ્ટ પધ્ધતિસર તેનો ઈલાજ કરે છે અને જરૂર પડે તો મા-બાપને પણ સમજાવે છે. કાઉન્સેલિંગથી ધાર્યું પરિણામ ન આવે તો ગંભીર કેસોમાં  મેડિકેશન પણ આપવામાં આવે છે.

આ જ ઉંમરમાં છોકરા-છોકરીઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. છોકરાઓને દાઢી-મૂછના વાળ ઊગે એટલે પુખ્તતા આવી કહેવાય  અને છોકરીઓને માસિકધર્મ શરૂ થાય એટલે શરીર પુખ્ત બને. વળી ત્યારે જ બન્નેને વિજાતીય આકર્ષણ શરૂ થાય. આજના જમાનામાં તેઓ વહેલાં પુખ્ત થવા લાગે છે. છોકરીઓને માસિક ૧૧-૧૨ વર્ષની ઉંમરે જ શરૂ થઈ જાય છે. માસિકના દિવસો દરમ્યાન થતી વેદના દૂર કરવા શું કરવું? કઈ પ્રવૃત્તિઓ કરવી-કઈ ન કરવી? કેવી રીતે રહેવું? શું ધ્યાન રાખવું વગેરે અતિ મહત્ત્વની પર્સનલ વાતો ગાયનેક સાથે સેક કરી શકે છે. સેક્સ્યુઅલ રોગોથી બચવા સેર સેક્સ માટે જરૂરી જ્ઞાાન તેમને આપવામાં આવે છે. કોન્ટ્રાસેપ્ટિવ કેવી રીતે વાપરવાં એ વિશે  માર્ગદર્શન આપવામાં આવે છે.

જુવાનીની પાંખ ફૂટતાં મોઢા પર ખીલ ફૂટી નીકળે છે. તૈલી ત્વચાવાળાને તો આ તકલીફ બહુ સતાવે છે. સનબર્ન, સનટેન, કાળા ડાઘ વગેરે ચામડીના કોઈ પણ રોગ માટે સ્કિન સ્પેશ્યલિસ્ટ સારવાર આપે છે. ડર્મેટોલોજિસ્ટ વાળને લગતી કોઈ પણ સમસ્યાનો ઉકેલ આપે છે.

છોકરા-છોકરાઓની એન્ડોક્રિન સિસ્ટમમાં આ ઉંમરમાં ઘણાં હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. દરેકની અલગ-અલગ શારીરિક તેમ જ માનસિક કામગીરી હોય છે. આ હોર્મોન્સ જો ક્યાંક પ્રમાણમાં ઓછાં-વધતાં હોય તો એનું નિરીક્ષણ અને નિદાન એન્ડોક્રિનોલૉજિસ્ટ કરે છે.

ઘણા પેરન્ટ્સ તેમનાં ટીનેજર સંતાનોની તકલીફનું નિરાકરણ કરવા આવે છે. તેમની કેસ-હિસ્ટરી તપાસતાં ખબર પડે કે કોઈક ટીનેજરોએ તો પોતાની સમસ્યાથી ત્રાસીને આત્મઘાતી પગલું પણ ભર્યું હોય. એટલે મને લાગે છે તેમને પદ્ધતિસરનું માર્ગદર્શન આપવાની જરૂર છે.