Magazines

ટેલર અને ડિકેપ્રિયો એટલે સંગીત + સિનેમા

By GS TEAM
25 Sep 20252 mins read
ટેલર અને ડિકેપ્રિયો એટલે સંગીત + સિનેમા

ટેયાના ટેલર અને લિયોનાર્ડો ડિકેપ્રિયોએ એક્શન થ્રિલર 'વન બેટલ આફટર અનધર' માટે ભાગીદારી કરી છે. 

સંગીતમાંથી અભિનયમાં સફળતાપૂર્વક પદાર્પણ કરનાર ટેલર માટે આ પ્રોજેક્ટ એક સીમાસ્તંભ સમાન બની રહેશે. આ ફિલ્મ ડિકેપ્રિયો સાથે તેની સ્ક્રીન પર પ્રથમ ભાગીદારી છે. જો કે બંને ઘણા સમય પહેલાંથી એકબીજાને ઓળખે છે. ટેલર હજી પણ યાદ કરે છે જ્યારે તે ચિંગમ ખાવામાં અને રોસના પરફોર્મન્સમાં મગ્ન હતી ત્યારે અચાનક તેની નજર પાછળ ઊભેલા ડિકેપ્રિયો પર પડી. ટેલર કહે છે કે અમારી એકબીજા પર નજર પડી અને ત્યારથી જ અમે મિત્રો બની ગયા. એ પળે એવી મિત્રતા સર્જી જે આગળ જતા અમનેે ફિલ્મી સેટ સુધી દોરી ગઈ. અમે બસ મજાક કરી રહ્યા હતા.  

કેપ્રિયોના મતે ટેલરનો સેન્સ ઓફ હ્યુમર ઉત્તમ છે. કેપ્રિયોને જ્યારે જાણ થઈ કે વન બેટલ આફટર અનધરમાં મુખ્ય હીરોઈન તરીકે ટેલરની વિચારણા થઈ રહી છે ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત થયો હતો. તેણે કહ્યું હતું કે આ છોકરી ફિલ્મમાં ધમાલ મચાવશે, અને તેવું જ થયું.

બીજી તરફ ટેલર કબૂલ કરે છે કે શરૂઆતમાં તો તે સેટ પર કેપ્રિયોના સ્ટારપાવરથી ખૂબ જ અંજાઈ ગઈ હતી. પણ આ પ્રભાવ ધીમે ધીમે પરસ્પર આદરમાં પરિવર્તિત થયો. 

થોમસ પિન્ચનની ૧૯૯૦ની નવલકથા 'વિનલેન્ડ' પર આધારીત આ ફિલ્મની વાર્તા રાજકીય ષડયંત્ર અને વ્યક્તિગત દાવપેચની આસપાસ ફરે  છે. તેમાં ભૂતપૂર્વ ક્રાંતિકારીઓના એક જૂથની વાત છે જેઓ ૧૬ વર્ષ પછી પોતાનામાંથી એકની પુત્રીને બચાવવા એકત્ર થાય છે. એક્શન, રહસ્ય અને જટિલ સંબંધોના મિશ્રણ સાથેની વાર્તામાં ટેલર અને ડિકેપ્રિયો બંનેને પોતાની કલાત્મકતા દર્શાવવાની ભરપૂર તક મળી છે.

 એન્ડરસને ટેલર અને ડિકેપ્રિયો ઉપરાંત શોન પેન, બેનિચિયો ડેલ ટોરો, રેજિના હોલ અને ચેસ ઈન્ફિનિટી જેવી કાસ્ટ પણ સામેલ કરી છે. પ્રોજેક્ટને વોર્નર બ્રધર્સનું પીઠબળ છે જેનાથી ફિલ્મની યોગ્યતા મુજબ તેની ભવ્ય રજૂઆત સુનિશ્ચિત બની છે.

ટેલર માટે આ ફિલ્મ એક રોલ પૂરતી સીમિત નથી પણ સાથે હોલીવૂડના ઉચ્ચ વર્તુળમાં તેના માટે બ્રેકથુ્ર પણ છે. ડિકેપ્રિયો માટે નવી પ્રતિભા સામે પોતાને પડકારવાની આ વધુ એક તક છે.