Magazines

તારા સુતરિયા હું મારા જીવનનું સત્ય બરાબર જાણુંં છું

By GS TEAM
19 Mar 20263 mins read
તારા સુતરિયા હું મારા જીવનનું સત્ય બરાબર જાણુંં છું

- ભારતીય -કેનેડિયન  ગાયક  અમ્રિત પાલ ધિલ્લોને તારાને કીસ કરી ત્યારથી તેના વીર પહારિયા સાથેના સંબંધમાં ઓટ આવી ગઇ હોવાની ચર્ચા છે

- 'બોલિવુડમાં આગળ વધવા માટે મેં જરાય બાંધછોડ નથી કરી કે નથી કર્યું  સમાધાન. બહુ બહુ તો શું થશે? મને ફિલ્મો નહીં મળે એટલું જ ને?'  

હિન્દી ફિલ્મ જગતમાં  લવ અફેર ક્યારેે -- કોની સાથે હોય છે  અને ક્યારે   કોણ  છૂટાં પડી જાય તેની જરાય કલ્પના ન થઇ શકે. બોલિવુડનાં નવી પેઢીનાં  અને   તાજાં  ઉદાહરણ  જોઇએ તો   અર્જુન કપૂર - મલાઇકા અરોરા, ટાઇગર શ્રોફ -  દિશા પટણી, જાહ્નવી કપૂર- ઇશાન ખટ્ટર વચ્ચે એક તબક્કે લીલુંછમ ઇલુ ઇલુ ગવાતું હતું. 

આ જ યાદીમાં તારા સુતરિયા -- વીર પહારિયાનું નામ પણ વહેતું થયું છે. ફોડ  પાડીને કહીએ તો તારા સુતારિયા અને વીર પહારિયાની રિલેશનશીપ  માંડ એકાદ વર્ષ રહી. બંનેનો  લવ અફેર ૨૦૨૫ના જુલાઇમાં શરૂ થયો હતો. બંનેએ જીવનભર સાથે રહેવાના અને જીવવાના સોગંદ લીધા હતા.  

 જોકે  ગમે તે થયું, થોડા સમય પહેલાં જ બંને વચ્ચે કોણ જાણે શું અણગમતું થયું કે પેલું લીલુંછમ ઇલુ ઇલુ સૂકાઇ ગયું. બોલિવુડમાં એવી વાતો ચાલે છે કે થોડા  સમય પહેલાં મુંબઇમાં ભારતીય-કેનેડિયન ગાયક અમ્રિત પાલ ધિલ્લોન (એ.પી. ધિલ્લોન)ની કોન્સર્ટ યોજાઈ હતી. તે કાર્યક્રમમાં તારા અને વીર બંને ગયાં હતાં. આ જ કોન્સર્ટ દરમિયાન પેલા એ.પી. ધિલ્લોને તારાને ભેટીને કીસ કરી. આ  દ્રશ્ય  ઓડિયન્સમાં બેઠેલા વીર પહારિયાએ જોયું. બસ, પછી તો જે કાંઇ થવાનું હતું તે થઇ ગયું. 

મુંબઇના  ગુજરાતી-પારસી પરિવાર (પિતા હિમાંશુ સુતરિયા ગુજરાતી છે, જ્યારે તેની માતા ટીના સુતરિયા પારસી છે)માં  જન્મેલી અને મુંબઇની સેન્ટ એન્ડ્રુ કોલેજમાં ભણેલી   તારા સુતરિયા એક ફિલોસોફરની અદાથી કહે છે, જુઓ, હું બહુ બહુ સમજદાર છું. મારે મારા અંગત જીવનની શાંતિ કેમ જાળવી રાખવી તે બરાબર જાણું છું. હું મારા વિચારો અને  સંવેદના પર બરાબર કાબૂ રાખી શકું છું. મન અને વિચારો પર કેવી રીતે કાબૂ રાખવો તે સંસ્કાર અને સમજણ મને બાળપણથી જ શીખવવામાં આવી  છે. માનવી આ જ સંયમથી પોતાની આંતરિક  લાગણીને સમજી શકે છે અને તેના પર  કાબૂ પણ રાખી શકે છે. મગજ પણ શાંત રહે છે.  

ડિઝની ઇન્ડિયા શો (૨૦૧૦)થી  ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરનારી તારા કહે  છે, હું મારા અંગત જીવનમાં  અને  કારકિર્દીમાં મારાં જીવન મૂલ્યો સતત જાળવી રાખું છું. મેં  આ જ  જીવન મૂલ્યોના  મહત્વને કારણે અમુક ફિલ્મ પ્રોજેક્ટ્સમાં કામ કરવાની ના પણ કહી છે.  તેનાં પરિણામોનો બરાબર વિચાર કર્યો છે. મેં  બોલિવુડની ખાસ પ્રકારની સિસ્ટમ સાથે પણ જરાય બાંધછોડ નથી કરી કે નથી કર્યું  સમાધાન. બહુ બહુ તો શું થાય ? મને ફિલ્મ ન મળે એટલું જ ને? પણ હું મારા જીવનનાં મૂલ્યોને શત પ્રતિશત જાળવી રાખીશ. 

'સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ' (૨૦૧૯) ફિલ્મથી હિન્દી ફિલ્મમાં પા પા પગલી કરનારી તારા સુતરિયા બહુ મહત્વનો મુદ્દો વ્યક્ત કરતાં કહે છે,  જુઓ , મારા જીવનનું સત્ય શું છે  તે હું  બહુ સારી રીતે જાણું છું. સાથોસાથ જે લોકો મારી નજીકનાં છે. મને સાચી રીતે જાણે-સમજે છે 

તેઓને પણ મારા જીવન અને કારકિર્દી વિશે બધી ખબર છે. મારા મિત્રો અને મારી કારકિર્દી વિશે ઝાઝું બધું બોલાય છે અને લખાય પણ છે. આમ છતાં મારે કોઇને કાંઇ જ નથી કહેવું.  

 બોલિવુડનાં સૂત્રોના કહેવા મુજબ થોડા સમય પહેલાં વીર પહારિયાના જન્મ દિવસે યોજાયેલી પાર્ટીમાં તારાએ હાજરી આપી નહોતી. ગમે તે કહો, બોલિવુડના સંબંધો ફિલ્મી ઝાઝા હોય અને સાચુકલા ઓછા હોય છે, ટકાઉ ઓછા હોય અને બટકણા વધુ હોય છે.