Magazines

ટબૂ વાંદરાભાઈ .

By GS TEAM
1 May 20262 mins read
ટબૂ વાંદરાભાઈ                                                .

- ખેડૂતભાઈ આટલા તાપમાં કામ કરીને શાકભાજી ઉગાડે છે, પણ હું તો દરરોજ જમવાના સમયે 'મને આ શાકભાજી નથી ભાવતી' તેમ કહીને ઊભો થઈ જાઉં છું...

- મેહુલ સુતરિયા

એક હતાં વાંદરાભાઈ. તેમનું નામ ટબૂ. ટબૂ વાંદરાભાઈ આખો દિવસ જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરે અને તોફાન કર્યા કરે.

ટબૂ વાંદરાભાઈ જયારે ખૂબ રમે અને જમવાનો સમય થાય તો પણ આવે નહિ ત્યારે તેમના મમ્મી કહે, 'ચાલો, ટબૂભાઈ... જમવા બેસી જાઓ તો!' 

ટબૂ વાંદરાભાઈ કહે-

'ઝાડે ઝાડે ફરું છું,

મોજ-મસ્તી કરું છું,

મમ્મીનું કહ્યું કરું છું.

જમવા હું તો બેસું છું..!'

ટબૂ વાંદરાભાઈ જેવા જમવા બેસે કે રિસાઈને ઊભા થઈ જાય. તેમના મમ્મીને કહે,

'કડવાં કડવાં કારેલાં ને,

ઉપરથી ભરેલાં રીંગણા,

થાળીમાં હોય જો ભીંડા,

તો હું આવું જમવા ..!'

ટબૂભાઈને કોઈ શાક ન ભાવે. તેમને તો બસ ભીંડા જ ભાવે. જો તેમના મમ્મી તેમને રોજ ભીંડા બનાવી આપે તો તેઓ રોજ ભીંડા ખાય! પણ એમ કંઈ રોજ ભીંડા બને!

ટબૂભાઈની આ રોજની કુટેવથી તેમના મમ્મી ખૂબ કંટાળી ગયાં હતાં. ટબૂભાઈ રોજ જમવામાં નખરાં કરે.

એક દિવસ ટબૂભાઈ રમતાં-રમતાં ગામની નજીક આવેલી એક વાડીમાં જઈ ચડયા. વાડીમાં ખેડૂતભાઈ કામ કરતાં હતાં. ટબૂભાઈએ જોયું કે ખેડૂતભાઈ નાના-નાના છોડને પાણી પાઈ રહ્યાં છે. ધોમધખતા તાપમાં પણ ખેડૂતભાઈને કામ કરતાં જોઈને ટબૂભાઈને વધારે રસ પડયો.

તેમણે ઝાડ પર બેઠાં-બેઠાં જોયું કે ખેતરમાં સરસ મજાની શાકભાજી વાવી હતી. ટામેટાં, રીંગણા, મરચાં, ભીંડા, તુવેર છોડ પર લચી પડયાં હતાં. ટબૂભાઈને વિચાર આવ્યો કે ખેડૂતભાઈ આટલા તાપમાં કામ કરીને શાકભાજી ઉગાડે છે, પણ હું તો દરરોજ જમવાના સમયે 'મને આ શાકભાજી નથી ભાવતી' તેમ કહીને ઊભો થઈ જાઉં છું. 

ટબૂભાઈએ તો ઘરે આવીને તેમનાં મમ્મીને વાડીમાંના ખેડૂતભાઈની બધી વાત કરી અને કહ્યું, 'હવેથી હું દરરોજ બધાં જ શાકભાજી ખાઈશ.' ટબૂભાઈ તો ફટાફટ જમવા બેસી ગયાં. જમતાં જાય ને ગાતાં જાય-

'રીંગણા, ટામેટાં, મરચાં, ભીંડા,

રોજ ખાઈશ, ભલે હોય કારેલા..!'