સીડની સ્વીની: સેકન્ડ ટાઇમ લકી? .

મહિનાઓની અટકળો અને જાહેર ઉત્સુકતા પછી અભિનેત્રી સીડની સ્વીનીએ આખરે સંગીત પ્રોડયુસર સ્કૂટર બ્રોન સાથે પોતાના સંબંધની પુષ્ટી કરી છે, અને તે પણ સોશિયલ મીડિયા પર. આ ૨૮ વર્ષીય અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર આકર્ષક બ્લેક એન્ડ વ્હાઈટ કપલ ફોટો શેર કર્યો હતો. ૪૪ વર્ષીય બ્રોને નીચે રમૂજી કમેન્ટ લખી, જેમાં ખુદને 'નસીબદાર બેવકૂફ' તરીકે ગણાવ્યો.
અહેવાલો મુજબ બંને જણા પ્રથમ વાર સપ્ટેમ્બર ૨૦૨૫માં વેનિસમાં જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના ભવ્ય લગ્ન સમારોહમાં મળ્યા હતા. વૈશ્વિક સેલિબ્રિટીઓ અને અગ્રણીઓની હાજરીમાં સ્વીની અને બ્રોન વચ્ચે અનપેક્ષિત જોડાણ થઈ ગયું. ટૂંક સમયમાં જ તેઓ લોસ એન્જલસમાં સાથે સમય પસાર કરતા દેખાયાં હતાં, જેના કારણે તેમની વચ્ચે મૈત્રી કરતા વધુ કંઈક હોવાની અફવાઓ ફેલાઈ. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં તો બંનેનો સંબંધ વધુ ગંભીર બની ગયો. પ્રારંભમાં સંબંધ છાનો રાખવાનો તેમણે નિર્ણય કર્યો હતો.
આ નવું પ્રકરણ શરૂ થવા અગાઉ સ્વીની ઉદ્યોગપતિ જોનાથન ડેવીનો સાથે રિલેશનશિપમાં હતી. લગભગ સાત વર્ષ ચાલેલો આ સંબંધ મોટાભાગે સ્પોટલાઈટથી દૂર જ રહ્યો હતો. દરમ્યાન બ્રોનના પણ અગાઉ યેલ કોહેન સાથે લગ્ન થયાં હતાં જેનાથી તેને સંતાનો પણ છે.
તાજેતરની એક મુલાકાતમાં સ્વીનીએ મોકળા મને પ્રેમ વિશે પોતાનો અભિગમ શેર કર્યો હતો. તેના શબ્દો એક આશાસ્પદ રોમેન્ટિકનું ચિત્ર રજૂ કરતા હતા જેના પરથી સ્પષ્ટ વર્તાતું હતું કે એ હજુય ખરા પ્રેમના ચમત્કારમાં વિશ્વાસ ધરાવે છે. પોતાની કારકિર્દીનો મોટાભાગનો પ્રારંભિક તબક્કો કાર્ય પર એકાગ્ર થવામાં પસાર કર્યો હોવાથી સ્વીની હવે અંગત અનુભવો મુક્તપણે માણવા તૈયાર થઈ છે. જો કે તેણે કબૂલ કર્યું કે સતત લોકોની નજરમાં રહેવાના ઘણા પડકારો છે.
વ્યાવસાયિક ક્ષેત્રે સીડની સતત પ્રગતિ કરતી રહી છે. 'યુફોરિયા સીઝન ૩' પછી તે આગામી પ્રોજેક્ટ 'ધી હાઉસમેડ્સ સીક્રેટ'માં દેખાશે. આશા રાખીએ કે આ નવી રિલેશનશિપ એને સરસ ફળે.








