Get The App

સૂચિત વૈશ્વિક મંદી વચ્ચે દેશમાં એફડીઆઈના પ્રવાહને ટકાવી રાખવો એ પડકારજનક બાબત

Updated: Dec 4th, 2022

GS TEAM

Google News
Google News
સૂચિત વૈશ્વિક મંદી વચ્ચે દેશમાં એફડીઆઈના  પ્રવાહને ટકાવી રાખવો એ પડકારજનક બાબત 1 - image


- વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં સીધા વિદેશી મૂડીરોકાણમાં ઘટાડો

- વિકસિત દેશોમાં તંગ નાણાં નીતિને કારણે ત્યાંના રોકાણકારો પાસે વિદેશમાં નાણાંનું રોકાણ કરવાના સ્રોતો મર્યાદિત બની ગયા છે

- વિદેશમાંથી રોકાણ આકર્ષવા કોઈપણ રાષ્ટ્ર માટે  વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સીઓના  આઉટલુક  મહત્વ ધરાવે છે

ઉદ્યોગ તથા આંતરિક વેપારને પ્રોત્સાહન માટેના વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા પ્રમાણે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ 6 મહિનામાં દેશમાં ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયાનું જણાયું છે. ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરમાં દેશમાં 31.20 અબજ ડોલરના એફડીઆઈ પ્રવાહ સામે વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં એફડીઆઈ પ્રવાહ 26.90 અબજ ડોલર રહ્યો હતો. આમ વાર્ષિક ધોરણે એફડીઆઈમાં 14 ટકા ઘટાડો થયો છે. માત્ર વાર્ષિક ધોરણે જ નહીં પરંતુ ગયા નાણાં વર્ષના પાછલા 6 મહિનાની સરખામણીએ પણ એફડીઆઈમાં ઘટાડો થયો છે. આ ગાળામાં માત્ર એફડીઆઈ જ નહીં પરંતુ ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટમેન્ટસ (એફપીઆઈ)ના ઈન્ફલોઝમાં પણ  25 ટકા જેટલો ઘટાડો થયો છે. 

ભારત જેવા દેશો જે પોતાની આર્થિક સ્થિરતા માટે વિદેશી નાણાં પ્રવાહ પર વધુ નિર્ભર રહે છે,  તેમની માટે હાલની વૈશ્વિક સૂચિત મંદી પ્રતિકૂળ બનવા તરફ આગળ વધી રહી છે. વ્યાજ દરમાં વધારો મૂડીને વિકસિત દેશો તરફ પલાયન કરાવી રહ્યો છે. ભારતમાં એફડીઆઈ પ્રવાહ  માટેના ટોચના દસ દેશોમાંથી 6 દેશો ખાતેથી ઈન્ફલોઝમાં ઘટાડો જોવા મળ્યો છે. 

આ દેશોમાં મોરિસિયસ, અમેરિકા, જર્મની, યુકે, નેધરલેન્ડસ તથા કેમેન આઈલેન્ડસનો સમાવેશ થાય છે. આ દેશો ખાતેથી  એફડીઆઈ ઘટવાનું મુખ્ય કારણ તંગ નાણાં નીતિ અને મંદીનો ભય રહેલા છે. 

વર્તમાન  નાણાં વર્ષમાં  એફડીઆઈમાં ઘટાડો સતત બે વર્ષની વૃદ્ધિ બાદ જોવા મળ્યો છે. ભારતમાં એફડીઆઈનો ઈન્ફલોઝ  ઈક્વિટી કેપિટલના સ્વરૂપમાં, આવકના પૂનઃરોકાણના સ્વરૂપમાં તથા  અન્ય પ્રકારમાં જોવા મળે છે. 

વિકસિત દેશોમાં તંગ નાણાં નીતિને કારણે ત્યાંના રોકાણકારો પાસે વિદેશમાં નાણાંનું રોકાણ કરવા સ્રોતો મર્યાદિત બની ગયા છે. સૂચિત વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખતા દેશમાં એફડીઆઈ પ્રવાહમાં મંદ ગતિ આગામી થોડાક સમય સુધી ચાલુ રહેવાની ધારણાં રાખવામાં આવી રહી છે. 

ભારતમાં  સૌથી વધુ એફડીઆઈ મેળવનારા ક્ષેત્રોમાં સર્વિસીસ, કોમ્પ્યુટર સોફટવેર તથા હાર્ડવેર, ટેલિકમ્યુનિકેશન, ઓટોમોબાઈલ  ક્ષેત્રનો મુખ્યત્વે સમાવેશ થાય છે. એફડીઆઈમાં ઘટાડો દેશને અનેક મોરચે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. દેશના માળખાકીય ક્ષેત્રના વિકાસ તથા કેપિટલ એકાઉન્ટ બેલેન્સ વધારવા એફડીઆઈ ઈન્ફલોસ વધે તે જરૂરી છે. 

ચીન સાથેના સરહદી વિવાદ બાદ ભારત સરકારે ચીન સાથે વેપાર ધોરણો સખત બનાવવાના લીધેલા પગલાંને કારણે ચીન ખાતેથી આવતા રોકાણમાં જોરદાર ફટકો પડયો હોવાનું  તે વેળાએ  જોવા મળ્યું  હતું.  વેપાર ખોરવાઈ જતા એશિયાના પોતાના પડોશી દેશો નેપાળ, મલેશિયા, શ્રીલંકા, પાકિસ્તાન સાથેના વેપાર તથા રાજદ્વારી સંબંધો ચીને વધારી દીધા છે. પોતાના એફડીઆઈ  પ્રવાહ આ દેશો તરફ વાળવા  ચીને યોજના બનાવી છે. બીજી બાજુ ભારત સરકાર દ્વારા લેવાઈ રહેલા પ્રોત્સાહક પગલાં છતાં દેશમાં વર્તમાન વર્ષમાં એફડીઆઈ ફલોસમાં જોરદાર ઘટાડો થયો છે. 

1990ના દાયકાથી જ્યારથી દેશના અર્થતંત્રને  વિદેશી રોકાણકારો માટે  ખુલ્લું મૂકી દેવાયું છે ત્યારથી અનેક વિદેશી કંપનીઓએ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. એમાંય છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ઈ-કોમર્સ ક્ષેત્રે પણ જંગી એફડીઆઈ આવ્યું છે. 

વિદેશમાંથી રોકાણ આકર્ષવા કોઈપણ રાષ્ટ્ર માટે  વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સીઓના  આઉટલુક  મહત્વ ધરાવે છે.   આપણો દેશ હાલમાં દેવાબોજ હેઠળ હોવાથી વિદેશમાંથી ઈન્વેસ્ટમેન્ટ  સતત આવતું રહે તે  જરૂરી બની ગયું છે.  આજના વૈશ્વિકીકરણના ઢાંચામાં દરેક રાષ્ટ્ર   વિદેશી નાણાંનો પ્રવાહ મેળવવા પોતાની પ્રતિષ્ઠા વિશ્વમાં હકારાત્મક રહે તેવા પ્રયાસો કરતા  રહે છે. કોઈ દેશના રેટિંગ્સ તે દેશના ઉદ્યોગો માટે પણ મહત્વના બની રહે છે. વિદેશમાંથી નાણા ંઊભા કરવા જતી કંપનીઓ તે કયા દેશની છે અને તે દેશ નાણાંકીય રીતે  કેટલો સદ્ધર છે તેનો વૈશ્વિક રોકાણકારો કયાસ મેળવતા હોય છે. ભારતનું  સાર્વભોમ રેટિંગ્સ હાલમાં  રોકાણ આકર્ષવા માટે  સાનુકૂળ છે   જેને આંચ ન આવે  અને ભવિષ્યમાં તેમાં વધુ સુધારો થાય તે જોવાની દેશની સરકારની ફરજ બની રહે છે. 

હાલની સરકારે દેશવિદેશના રોકાણકારોને આકર્ષવા માટે આર્થિક સુધારા કર્યા હોવાની હકીકતને ધ્યાનમાં રાખીને  કોરોના પછીના કાળમાં  જ્યારે દેશનું અર્થતંત્ર રિકવરીના પંથે છે ત્યારે  હાલમાં જોવા મળી રહેલો  એફડીઆઈમાં ઘટાડો ચાલુ ન રહે તે જોવાની સરકારની જવાબદારી બની રહે છે.  ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે ભલે આગળ પડતું સ્થાન મેળવી લીધું છે  પરંતુ જ્યાં સુધી દેશમાં એફડીઆઈમાં વધારો જળવાઈ નહી રહે ત્યાંસુધી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા પ્રમાણપત્રો  નિરર્થક બની  રહે છે. કોરોના  તથા રશિયા-યુક્રેન યુદ્ધની અસરને કારણે બદલાઈ રહેલા વિશ્વ વેપાર સંબંધોનો ભારત કેટલો લાભ ઉઠાવી શકે છે તે તો આવનારો સમય જ કહેશે.  

દેશમાં બૃહદ્-આર્થિક સ્થિરતાને સરકારે અગ્રતા આપી છે. ખાનગી ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા માટે  આર્થિક સ્થિરતા જરૂરી છે, પરંતુ હાલના ડહોળાયેલા વૈશ્વિક વાતાવરણ વચ્ચે આ સ્થિરતા હાંસલ કરવાનું પડકારરૂપ બની ગયું છે. આવી સ્થિતિમાં ભારતને વૈશ્વિક અનિશ્ચિતતાઓ સામેથી સુરક્ષિત બનાવીને વિદેશી રોકાણનો પ્રવાહ વધુ ધીમો ન પડી જાય તેની ખાતરી રાખવાની રહેશે.


Tags :