Magazines

સુપરહીરો વીર હનુમાન .

By GS TEAM
24 Apr 20262 mins read
સુપરહીરો વીર હનુમાન                                 .

- ભારતી ભંડેરી 'અંશુ'

સમીરના દાદી ખૂબ સરસ વાર્તા કહેતાં. સાંજે દાદી બગીચામાં આવ્યાં કે તુરંત બધાં બાળકો 'દાદી વાર્તા કહો...' કહેતાં દાદીની ફરતે બેસી ગયાં.

દાદી કહે, 'આજે કઈ વાર્તા કહું?'

કોઈ કહે, 'સ્પાઇડરમેન...' કોઈ કહે, 'ના, સુપરમેન...' તો કોઈ બોલ્યાં, 'પોકીમાન...'

દાદી કહે, 'આજે સુપરમેન કરતાંય વધારે પરાક્રમી, વીર, બુદ્ધિમાન, ચતુર, રામભક્ત હનુમાનજીની વાર્તા કહું છું. તમને ખબર છે તેમનું નામ હનુમાન કેમ પડયું?'

બાળકો કહે, 'ના, દાદી. તમે જ કહો.'

દાદી કહે, 'હનુમાનજી વાનરરાજ કેસરી અને માતા અંજનીના પુત્ર હતા. તેઓ પવનદેવના પુત્ર હોવાથી પવનપુત્ર પણ કહેવાતા હતા. તેમનું એત નામ મારુતિ પણ છે. 

 એક દિવસ બાળ મારુતિ તેના મિત્રો સાથે ઝાડ પર ચડીને ફળો ખાતો હતો. 

મિત્રો કહે,  'લાલ ફળ પાકું અને મીઠું હોય.'

 આ સાંભળી મારુતિએ લાલ ફળ શોધવા આજુબાજુ જોયું. પૂર્વ દિશામાં લાલ મોટો ગોળો દેખાયો. 

તે જોઈને મારુતિ કહે,

'લાલ લાલ મોટું ફળ,

લાગે છે ગોળ ગોળ.

ભલેને એ છે બહુ દૂર,

ખાઈશ હું એ જ ફળ.'

'મારુતિ, તે ફળ નથી, સૂરજ છે. ના ખવાય!'

બાળમિત્રોની બૂમો ના કાને ધર્યા વગર  મારુતિએ તો સીધો ઝાડ પરથી જ આકાશમાં મોટો કૂદકો લગાવ્યો. સૂરજને પકડીને ગળી ગયા!

આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો. દેવોના રાજા ઈન્દ્રએ અંધકારનું કારણ જાણ્યું. એક બાળક સૂર્યને ગળી ગયો છે! આથી ઇન્દ્રે વજ્રથી  પ્રહાર કર્યો. બાળકનું ડાબું જડબું તૂટી ગયું. 'હનુ' એટલે જડબું. ત્યારથી પવનપુત્ર 'હનુમાન' તરીકે ઓળખાયા.  

પોતાના સંતાન પર ઈન્દ્રના વજ્રપ્રહારથી પવનદેવ ગુસ્સે થયા. તેમણે ત્રણેય લોકમાં વહેવાનું બંધ કરી દીધું. હવા વગર સર્વત્ર હાહાકાર થવા લાગ્યો. દેવોની વિનંતીથી બ્રહ્માજીએ વનદેવને વરદાન આપ્યું, 'પવનદેવ, તમારા પુત્રનું શરીર વજ્ર જેવું મજબૂત થશે. યુધ્ધમાં કોઈ અ-શથી એ હણાશે નહીં. એ રામકાર્યમાં મદદ કરશે. રામભક્ત તરીકે આ દુનિયામાં અમર રહેશે.'

આ સાંભળી પવનદેવ ખુશ થઈને ફરી વહેવા લાગ્યા.

બાળકો, આ રીતે વજ્રઅંગનું થઈ ગયું બજરંગબલી વજ્ર અંગ ધરાવતા થયા. બોલો, બજરંગબલીની જય...'

બાળકો પણ નારા લગાવવાં લાગ્યાં,

'જય શ્રીરામ, જય હનુમાન,

સીતાની શોધ કરે વીર હનુમાન.

લંકાને બાળે પરાક્રમી હનુમાન,

રામ-સીતાને પ્યારા શ્રીહનુમાન...'